પવન ક્યારનો નાળિયેરીની કરવત લઈ
વહેર્યા કરે છે સમયને
રેતી થઈ વિસ્તરતો સમય
દરિયાને ગ્રસવાનાં શમણાં જોતો
શેકાયા કરે છે સૂરજના તાપમાં
સાંજે દરિયાકિનારે ફરવા નીકળેલ હું
અંજાઈ જાઉં છું રેતીમાંથી નીકળતાં
કિરણો જોઈને,
કયા કણોમાં સોનું છે
તે જોવા મુઠ્ઠી ભરું છું
ને મારી આંખોમાં ઊતરી પડે છે,
અંધકાર
મારા નિષ્ફળ પગલાંઓને
ધોઈ નાખે છે સમુદ્ર
પવન હજીય વહેર્યા કરે છે
નાળિયેરીની કરવત વડે સમયને
ને જન્મ્યા કરે છે તે રેતકણો
( ડો. સુધીર દેસાઈ )