વાતો વણી વણીને કોઈ છેતરી ગયા,
જુઠ્ઠું ભણી ભણીને કોઈ છેતરી ગયા.
ઊભા કરીને ભેદ જુઓ ઊંચનીચના,
ભીંતો ચણીચણીને કોઈ છેતરી ગયા.
મરહમ રૂપે નમક એ સદા છાંટતા રહ્યાં,
જખ્મો ખણીખણીને કોઈ છેતરી ગયા.
મતલબ પૂરો થતાં જ એ વેરી બની ગયા,
નીજનો ગણી ગણીને કોઈ છેતરી ગયા.
મૃગલાનું રૂપ લઈ અને સીતાહરણ થયું,
જગના રણીધણીને કોઈ છેતરી ગયા.
મોતીની જેમ પ્રેમનું ‘હમદમ’ જતન કર્યું,
એ પણ ચળી ચળીને કોઈ છેતરી ગયા.
( તુરાબ હમદમ )