અક્ષરભેદ ઉકેલો-હાર્દિક વ્યાસ

અક્ષરભેદ ઉકેલો સાજણ ! અક્ષરભેદ ઉકેલો.

શબ્દ-સૂરના તારેતારે તમસ-તેજના આળેગાળે વહે અર્થનો રેલો,

 

અક્ષરની સળવળતી કાયા પલકવારમાં પહોંચી જાશે

દૂર દૂરના એવા સ્થાને,

કે જ્યાંથી ના પાછી વળતી આંખોને ખોડીને રહેતી

તપતી માઝમરાત બિછાને.

 

પ્રથમ પહોરમાં છલકી જાશે સામે આવી મલકી જાશે પડછાયો એ છેલ્લો !

અક્ષરભેદ ઉકેલો સાજણ ! અક્ષરભેદ ઉકેલો.

કોઈવાર તો એવું લાગે હું જ સમાયો અક્ષર વચ્ચે

છંદ પ્રાસને ભેગા કરતો

આડાઅવળા અધ્યાહારો તર્કવિતર્ક ભૂંસી દઈને

અજવાળા પરહરતો.

 

સરવરપાળે ભમી રહેલાં તથ્યોના તાણાવાણાને સહેજ હવે હડસેલો!

અક્ષરભેદ ઉકેલો સાજણ ! અક્ષરભેદ ઉકેલો.

 

( હાર્દિક વ્યાસ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.