પ્રત્યક્ષ કે અગમના નહીં સાર દે મને !
નરસિંહની મશાલ નિરાકાર દે મને !
આંખોની હર સલામતી કાજે જ એ ખુદા,
અંધાર દે મને અને ચોધાર દે મને !
ક્યાંયે પુગાડશે નહીં અજવાસી દિવ્યતા,
આરોહની ઊંચાઈ ધૂંઆધાર દે મને !
દરબારી સભ્યતા જ કબૂતરને દે પ્રથમ,
જ્યારે હવડ મહેલનો દરબાર દે મને !
બીજાની કર તલાશ જે મારા સમો જ હો,
તારું બધું ય કેમ તું હરવાર દે મને !
પંખી ન દે, અખિલની નહીં વૃક્ષતા ય દે,
ટહૂકો કરે એ છાંયડા બે-ચાર દે મને !
હસ્તાક્ષરોની બાબતે ચાલે ન આંગળી,
બળતા કલાં ને કાગળો દાતાર દે મને !
ચાલી શકે તો ચાલ સમંદરના જળ ઉપર,
આરાનું કોઈ વહાણ પેલે પાર દે મને !
ઝળહળવું છે મનેય ઘડી મુક્તિ-ભાવમાં,
સ્વીકારવા કશુંક અસ્વીકાર દે મને !
તારી કૃપાને દોષ ન હો મારા દંડમાં,
આ જાતના તમામ તડીપાર દે મને !
મારા સજાવવા જ છે મારી કબર ઉપર,
જે ના થયા કદીય એ શૃંગાર દે મને !
( સતીન દેસાઈ ‘પરવેઝ’ )