ક્યારેક ગહન વિચારમાં ડૂબી જવાય છે,
માહોલ આસપાસનો ભૂલી જવાય છે.
રસ્તાઓ કેટલા મને ઘેરી વળ્યા હશે,
રોજિંદા પંથ પર હવે ભટકી જવાય છે.
એને શું મારી વયનો તકાદો ગણી લઉં ?
ચાલું છું દસ કદમ અને થંભી જવાય છે.
બાકીની રાત વીતે છે તારા વિચારમાં,
અડધી જ રાતથી કદી જાગી જવાય છે.
કહેવું છે ‘રાઝ’ મારે ઘણું કિન્તુ શું કરું ?
બે ચાર શબ્દ બોલતાં હાંફી જવાય છે.
( ‘રાઝ’ નવસારવી )