પાણીથી બાંધી અને કાબૂમાં અમને રાખ મા,
આમ તું દરિયો બની ટાપુમાં અમને રાખ મા.
રાખ તો તું રાખ અમને ભીતર ટગલી ડાળ પર,
મનથી નિતારીને તું વાતુમાં અમને રાખ મા.
ઘાવ કરવો હોય તો બસ ઘાવ કર તું બેધડક,
કોઈ પણ અવઢવરૂપે ચાકુમાં અમને રાખ મા.
એકબીજાને રિઝવતા હોઈએ તો રણ ભલું,
વાંકમાં રાખીને તું આબુમાં અમને રાખ મા.
છોડ કે તરછોડ તો મન મારીને જીવીશું પણ,
નેજવે માંડી નજર બાજુમાં અમને રાખ મા.
( અશરફ ડબાવાલા )