કોઈ ખાલીપણું ફુગ્ગાનું ભરી શ્વાસોમાં,
નગરની વચ્ચે ઝૂરે યક્ષના લિબાસોમાં,
જોઈ શાપિત અમર-આત્મા ભટકતો, તું-
હે નગર ! જે ક્ષણે સરકી જશે નિ:શ્વાસોમાં…
તું મને યાદ કરીશ…!
જે દિવસ વૃક્ષનાં ડોલન બની જશે જ છંદ,
અને પર્ણોય ઓળખાતાં હશે જ્યારે પ્રબંધ,
નગરમાં ઘૂમતો, સુગંધ વડે તરબતર પવન-
જે ઘડી કાવ્યપઠન કરતો હશે મંદ મંદ…
તું મને યાદ કરીશ…!
અનેક હોડીઓ કાગળની હારબંધ તરશે,
બધીમાં વાંકાં-ચૂકાં નામ મારાં વંચાશે !
નગરના સર્વ ઝરૂખાઓ ઉપર બેસીને-
પીળી-સોનેરી દેવચકલીઓ જ્યારે ન્હાશે…
તું મને યાદ કરીશ…!
નગરના લોક ગીતાપાઠ કરવું ભૂલીને,
સવાર-સાંજ મારાં ગીત ગાશે ખૂલીને !
મૂકીને ષોડશીઓ થાળમાં ગઝલો મારી-
ઉમરખય્યામને પૂજતી હશે જ્યાં ઝૂલીને…
તું મને યાદ કરીશ…!
મેં ફજરફાળકો શબ્દોનો ચગાવ્યો છે સખત,
હું નહીં હોઉં, પણ પાલખ તો ફંગોળાશે સતત !
વિદાયવેળા નહીં બોલું હું, કંઠે છે ડૂમો-
કણેકણ ઊગશે ઋણરૂપે કવિતા, કે તરત…
તું મને યાદ કરીશ…!
તું મને યાદ કરીશ…!
( વીરુ પુરોહિત )