બેઠો છું-ખલીલ ધનતેજવી

ખાલી નજરો મિલાવી બેઠો છું,

આગ દિલમાં લગાવી બેઠો છું !

 

એ ન શરમાઈ જાય એ માટે,

સામે ગરદન ઝુકાવી બેઠો છું !

 

દિલને અંદરથી વાળી ઝૂડીને,

હું તારું ઘર સજાવી બેઠો છું !

 

તેં ઉજવ્યો દિપોત્સવ તારો,

હું ફક્ત દિલ જલાવી બેઠો છું !

 

દિલ મારું સાવ જિદ્દી બાળક છે,

તારા નામે મનાવી બેઠો છું !

 

હું મને ખુદને પણ નથી જડતો,

ખુદને એવો છુપાવી બેઠો છું.

 

જો ખલીલ આયનાને પૂછી જો,

કેવી હાલત બનાવી બેઠો છું !

 

( ખલીલ ધનતેજવી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.