બોલીએ ના કાંઈ
બોલીએ ના કાંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે વીરા!
વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન ?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી એને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
( રાજેન્દ્ર શાહ )