ઝાઝું વિચારવું જ નહી-કૃષ્ણ દવે

ઝાઝું વિચારવું જ નહી.!!!

ઝાઝું વિચારવું જ નહી.
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

 

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,
આવી ચડે ઈ બધું પાંપણથી પોંખવું ને મનને તો મારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

 

ઘુવડની આંખ્યુંમાં ચોટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત,
આગિયાના ગામમાંથી ચૂંટાયો હોત ને તો આજે તો સુરજ હું હોત,
સ્મરણો તો હંમેશા આ રીતે પજવે ,તો કંઈ પણ સંભારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

 

સરનામાં પૂછી પૂછીને જે વરસે ઈ વાદળ નહી બીજા છે કોક,
ભીંજાવા માટે પણ પાસવર્ડ માંગે ઈ ચોમાસા કરવાના ફોક,
છાંટો યે હેતથી ના વરસી શકાય એના કરતા અંધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

 

( કૃષ્ણ દવે )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.