ખૂણા ખાંચા ઉભી તિરાડો,
ક્યાંય નથી હૂંફાળું,
ચલ મારી દે તાળું
ડગલે પગલે લાળ ખૂટે છે
કેમ બાંધવું જાળું ?
ચલ મારી દે તાળું.
મત્સ્ય હોઈએ અને છતાં જળને ના ગમીએ ?
તરવાની ઇચ્છા કરીએ ને તરત ઉઝરડામાં પરિણમીએ !
મારે ભાગે જળ પણ આવ્યું લાગે છે પથરાળું
ચલ મારી દે તાળું.
રોજ રંગ બદલીને ફરવું આમ કેટલું ?
સંકોચાવું ને વિસ્તરવું આમ કેટલું ?
રોજ નવાં ને નવાં બિંબમાં મને કેટલો ઢાળું ?
ચલ મારી દે તાળું.
ખુલ્લાં દ્વારે ખુલ્લે આંગણ, ખુલ્લમ્ ખુલ્લાં બે પળ રમીએ.
છતાં આપણું ખુલ્લાં હોવું હોય અગર ખટકાળું
ચલ મારી દે તાળું.
એ પણ સાચું ભૂખ્યો કદી નહીં સુવડાવે,
રઝળપાટ છો આખો દા’ડો’ પણ સાંજે ભરપેટ સમસ્યાઓનું આપે વાળું
ચલ મારી દે તાળું.
આખું ભીતર કોરાવાનું,
છતાં ઉપરથી મ્હોરાવાનું ?
મુઠ્ઠી મુઠ્ઠી ઓરાવાનું ?
અને છતાંયે દળી દળી હું દળ્યા કરું
ને ગળી જાય આ થાળું ?
ચલ મારી દે તાળું.
( કૃષ્ણ દવે )