સમય નામના ઘાટ ઉપર સંબંધોના લિસ્સા પથ્થર પર,
ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
શેરી વચ્ચે ખુલ્લમ્ ખુલ્લા બાળક જેવી રમત રમીને, ગોળ કુંડાળે
શોધી કાઢી તાકીને ઈંટાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
વારવારના વાર કરી દે, કટકા એક હજાર કરી દે
કોક જુએ ને કોક ખરીદે, ના માંગો એ ફરી ફરી દે
અને છતાંયે નહિ ખપેલા કાપડના તાકાની માફક
ફરી ફરી વીંટાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
વાઢે, કાઢે રસ ને બાળે, બાળી બાળી ફરી ઉકાળે
પછી નિરાંતે ઠારે ગાળે, સઘળાં બેસી એક કુંડાળે
એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં –
ભરી ભરી ઢિંચાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એય હૂંફાળો
એમાં પહેલી-વહેલી પાંપણ ખોલી નજર કરી ને
આભ જોઇને પાંખ ફૂટી ને પળમાં તો ઊડે એ પહેલાં
તીણા તીણા ન્હોર વડે પીંખાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે
ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કંઈક બનાવે
આખેઆખી જાત છુપાવી લાગ જોઇને વાર કરે ને
પછી ખચાખચ્ માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે, તેં જોયો છે ?
( કૃષ્ણ દવે )