એટલે જીવી રહ્યો છું-કૃષ્ણ દવે

સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન
એટલે જીવી રહ્યો છું.
જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા સાવ અટૂલા પંખીએ ના છોડ્યું એનું ગાન
એટલે જીવી રહ્યો છું.

 

મોસમના પહેલા વરસાદે પથ્થર પણ ભીંજાઈ ઉઠે છે,
ને માટી કૂંપળના હોઠે અગણિત ગીતો ગઈ ઉઠે છે,
આ ધરતી પણ બુંદ બુંદનું કરે હજુ સન્માન
એટલે જીવી રહ્યો છું.

 

એકમેકના વિશ્વાસે ગૂંથેલા આ સંબંધોને એ વાતવાતમાં ફાડી નાખે,
ને માના ખોળા જેવી હૂંફાળી આ વૃક્ષોની છાયા વાતવાતમાં વાઢી નાખે,
અને છતાંયે જાણે કંઈ પણ થયું હોય ના એવી રીતે છેક વઢાયેલા થડમાંથી ફરી ફરીને ફૂટે પાછાં કૂણાં કૂણાં પાન એટલે જીવી રહ્યો છું.

 

કેવળ અહીંયાં તમે જ મ્હાલો ?
બીજા ને પડતો ના ઝાલો ?
તરસ્યાને આપો ના પ્યાલો ? માન વગર ડગલું ના ચાલો ?
અરે જુઓ આ દૂર દૂરથી સાવ અચાનક આવીને અમૃત વરસાવી જાતા વાદળ કદી ન માંગે માન
એટલે જીવી રહ્યો છું.

 

કૈંક મરદ મુછાળા ભૂલ્યા, જોગી, જતિ જટાળા ભૂલ્યા,
સંયમના રખવાળા ભૂલ્યા,
ભવ ભવના સરવાળા ભૂલ્યા,
આતમનાં અજવાળાં ભૂલ્યા,
એક ન ભૂલ્યો મહાસમંદર
મર્યાદાનું ભાન
એટલે જીવી રહ્યો છું.

( કૃષ્ણ દવે )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.