કહો હવે શી વાર ?-કૃષ્ણ દવે

કહો હવે શી વાર ?
ભરી ઉચાળા ઊભા છો ને પળમાં તૂટે તાર,
કહો હવે શી વાર ?

 

થોડું લીધું ઝરણા પાસે ખળખળ ખળખળ વ્હેવું
થોડું થોડું આ વૃક્ષોનું કંઈક કાનમાં કહેવું,
કહો બીજું શું સાથે લઇએ છોને ખુલ્લાં દ્વાર !

કહો હવે શી વાર ?

 

એ કહેશે લે દરિયો આપું સાથે આપું હોડી,
હલેસાંની વાત કરે ત્યાં જાત મૂકીશું છોડી,
પાંપણને પલકારે પ્હોંચી જાશું પેલે પાર !

કહો હવે શી વાર ?

 

આમ આંખ જ્યાં બંધ થશે ત્યાં આમ સૂરજના દેશ,
જાણે કે ફૂલોના રસ્તે વાગે ઝાંકળ ઠેસ,
લ્યો આંગણમાં આવી ઊભો ઝળહળતો અંધાર !

કહો હવે શી વાર ?

 

( કૃષ્ણ દવે )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.