પાંપણો ખોલી લે, અંધારું બહુ સારું નહીં,
સ્વપ્ન ખંખેરી લે, અંધારું બહુ સારું નહીં.
ધૂંધળું તો ધૂંધળું જો બિંબ એકાદું મળે,
જાત પોંખાવી લે, અંધારું બહુ સારું નહીં.
બે અધરની આ ગુફામાં કંઈ રહસ્યો બંધ છે,
શબ્દ ઢંઢોળી લે, અંધારું બહુ સારું નહીં.
કંઈ અસત્યો ચૂપકીદી સાધી બેઠાં ભીતરે,
આયનો ફોડી લે, અંધારું બહુ સારું નહીં.
ટમટમી થાક્યો હવે દીવો અવિરત ગોખલે,
શગને સંકોરી લે, અંધારું બહુ સારું નહીં.
ક્યાં સુધી સંતાડશે આ આંસુને ચશ્મા લૂછી?
આંખ પણ લૂછી લે, અંધારું બહુ સારું નહીં.
દૂરથી આકાર તો સરખા જ લાગે છે બધાં,
એ જ છે? પૂછી લે, અંધારું બહુ સારું નહીં.
શબ્દ ટપકાવી તો દીધાં, આશરે કાગળ ઉપર,
અર્થ પણ જાણી લે, અંધારું બહુ સારું નહીં.
( પૂર્ણિમા ભટ્ટ )