રંગોની રંગોળી લઈને ઊભો છે ગુલમહોર,
કોયલબાઈએ ટહુકી ટહુકી કરી મૂક્યો કલશોર. ……..રંગોની રંગોળી
ફાગણનો તું પાક્કો ભેરુ ઝાકમઝોળ થઇ ફાલે,
ડાળે ડાળે કેસર ઘોળે કિલ્લોલે બહુ મ્હાલે,
મોસમ પલટી ખાતી ત્યાં તો ખડખડ હસતો મોર. ……રંગોની રંગોળી
કેસરિયો મિજાજ વળી છે જોગી બન્યો જટાળો , વાયરો આવી કાનની ભીતર કરતો મીઠો ચાળો,
હૈયા ભીતર ભોંકાયો તું લાલ ચટક ચિત્તચોર,
……..રંગોની રંગોળી
મૂળથી માંડી ટોચ લગી તું અઢળક લહલહ લહેકે, ખિસકોલીની આંગળી વચ્ચે ડાળ ડાળ બહુ ચહકે,
રંગપંચમી નકશા ચિતરે સજતી આઠે પ્હોર
…….. રંગોની રંગોળી
( પારુલ બારોટ )