તારી આંગળી એ-ડૉ. અયના ત્રિવેદી

તારી આંગળી એ અડકી જ્યાં અમથી મને,ખીલ્યો ગુલમ્હોર ચારેકોર,
બળબળતી બપોર જેવા આયખાનાં મારગ પર ઢાળ્યો તે છાંયો ઘનઘોર.

ઘડી ઘડી થાતું મને,હળવેથી લૂંટી લઉં આખું’ય કંકુવરણું આભલું,
ઘડીમાં થાતું કે છાંયામાં ઊભા રહી ઓઢી લઉં લાલ-લાલ સાળુ,
ઠંડા પવનની લ્હેરખીમાં નાચે છે મારામાં જાણે કોઈ મોર,
ખીલ્યો ગુલમહોર ચારેકોર.

વ્હેતી હવાનાં સંગે,બાજુમાં ઉભેલો પીળચટ્ટો ગરમાળો બોલે,
લાલ કસુંબલ રંગે શોભે છે તું,આવે ન કોઈ તારી તોલે,
લાલ-પીળા ફલકની નીચે આપણ બેઉ,ને સ્નેહરૂપી બાંધી છે દોર,
ખીલ્યો ગુલમ્હોર ચારે કોર.

( ડૉ. અયના ત્રિવેદી ‘અયુ’ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.