તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો,
‘આવું?’ કહેતા ગરમાળો સાથે પીળકને લાવ્યો.
તોરણ લીલા મૂકી મેડીયે ગરમાળો તો પીઠી ચોળે,
પૈણું પૈણું પીળક કરે ‘ને કંકુમાં આંગળિયું બોળે.
લૂમઝૂમ ને લાલચટક લ્યો, ગુલમહોર પણ નીકળે ટોળે,
લળી લળી વાસંતી વાયુ ફરી ફરીને ચમ્મર ઢોળે.
ગમતીલી ધમ્માચકડી ને ગમતો અવસર ફાવ્યો.
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
તડકાની તીખી બારાખડી, ગરમાળો પીળચટ્ટો ક્યાંથી ?
ગોળગોળ ઘુમરાતા વાયુ વચ્ચે પીળો પટ્ટો ક્યાંથી ?
પીળકનો પડછાયો આછો, આજે હટ્ટોકટ્ટો ક્યાંથી ?
રંગ ઉછાળી ગરમાળો-ગુલમ્હોર રમે આ સટ્ટો ક્યાંથી ?
ચૈતર ચીંધી કેડી પકડી છો ને સૂરજ આવ્યો !
તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.
( રક્ષા શુક્લ )