લૂમેઝૂમે ખીલ્યા ખીલ્યા-ઉષા ઉપાધ્યાય

લૂમેઝૂમે ખીલ્યા ખીલ્યા
આ ગરમાળાને વૈશાખી વન તાકે રે…
આ અલ્લડ કોઈ છોરો છે ? કે
નર્યા છાકનો ફાટ્યો ફાટ્યો બોરો રે !
વન પૂછે સૂકી નદીયુંને
આ કયા વેરીનો ફટવી મૂક્યો છોરો રે !
કો હિલ્લોળાતા દરિયા- શા
આ ગરમાળાને વૈશાખી વન તાકે રે…

વનની કોરી આંખો સળગે
એમાં ટશિયા રાતાચોળ કસુંબી ફૂટે,
હશે મૂકોને પૈડ હવે
કહૈ પવન આંખ કૈં વનની લૂછે,
કો સોનેરી અંગારા-શા
આ ગરમાળાને વૈશાખી વન તાકે રે…

પણ ગરમાળાને શું ? એ તો એ…ય ઝૂમે
ને જતી-આવતી વનકન્યાની નજરું ચૂમે,
સોનપરીના ઝૂમણાં જેવાં
ઝુમ્મર એનાં , હલે ડાળ ને નમણું ઝૂલે,
કો પતંગિયાંના ટોળા- શાં
આ ગરમાળાને વૈશાખી વન તાકે રે…

બપ્પોરી વેળામાં એનો
સોનાવરણો અમલ ઘૂંટાતો એવો ઊડે,
કે આ પા’થી હિલ્લોળ હવાનો
તો પા’થી કલશોર ભર્યું મન ઊડે.
કો લખ લખ થાતા સુરજ-શા
આ ગરમાળાને વૈશાખી વન તાકે રે …

( ઉષા ઉપાધ્યાય )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.