વગડામાં ફરતી આ બળતી બપોર એમાં ટાઢકનું ઠેકાણું કોઇ?
ઉડતા મુસાફર બસ કહેશે ઇશારાથી, નામ એનું ગુલમ્હોર હોય.
શૃંગારિક રસથી ભરેલી કલમને જઈ પૂછો કે, દુલ્હન તેં જોઈ?
ફટ દઈ કાગળ પર એટલું જ કહેશે કે, નામ એનું ગુલમ્હોર હોય.
પૂછ્યું ગરમાળાને “વરણાગી થઈ કોની પાછળ પડ્યો હાથ ધોઈ?”
ગજવેથી કાઢીને મૂક્યું હથેળીમાં, નામ એનું ગુલમ્હોર હોય.
પીઠી ચોળેલ એલા ગરમાળા બોલ, કોના કમખામાં નીંદરૂને ખોઈ?
નજરુંથી ચૂમે હથેળી ને બોલે કે, નામ એનું ગુલમ્હોર હોય.
આંસુડે ધોયેલી ગુલમ્હોરી કાયાને પૂછ્યું કે, શીદને તું રોઈ?
“ધગતી આ કાયાને ટાઢી કરો, ને મને ગરમાળે પરણાવો કોઈ.”
( નીતા સોજીત્રા ‘રૂહ’ )