સંધ્યાની રાતી કોર સમો રંગોની રેશમ દોર સમો,
એ સમય હતો ગુલમ્હોર સમો…એ સમય હતો ગુલમ્હોર સમો.
પીંછા ખેરવતી ઇચ્છાઓ પા પા પગલીઓ ભરતી’તી,
અંદરથી અંદરની વાતો હળવાશ બની વિસ્તરતી’તી,
વિસ્તરતી’તી બેફામ હવા શિરમોર થવા વિસ્તરતી’તી,
ઝરતી’તી મૌસમ આંખોમાં ઘનઘોર દિશાઓ ઝરતી’તી.
ઝરતો’તો દિવસોનો ડૂંગર હળવા હળવા કલશોર સમો,
એ સમય હતો ગુલમ્હોર સમો…એ સમય હતો ગુલમ્હોર સમો.
માટી માટી થઇ જાવાના એ સોનેરી સંજોગ હતા,
ક્યાં સ્વાર્થ હતા કંઇ આંખોમાં ક્યાં માથા સાટે ભોગ હતા ?
બે ચાર હતી કાલી ઇચ્છા કાલી પગલીઓ ભરવાની,
આકાશે જઇને સરવાની પંખી થઇ પાંખો ધરવાની.
ધરવાનો આંખોમાં જુસ્સો કંઇ ઢેલ સમો કંઇ મોર સમો,
એ સમય હતો ગુલમ્હોર સમો…એ સમય હતો ગુલમ્હોર સમો.
( ચંદ્રેશ મકવાણા )