કુટુંબ-ઉદયન ઠક્કર Dec23 મને થયું લાવ દીકરીને શીખવું કે કુટુંબ એટલે શું? હું માંડ્યો પૂછવા “તારું નામ શું?” “ઋચા….ઠક્કર” “બકી કોણ કરે?” “મમ્મી….ઠક્કર” “પાવલો પા કોણ કરે?” “પપ્પા….ઠક્કર” ત્યાં તો સાઈકલ પર કપડાંની ગઠરી મૂકી ટ્રીન..ટ્રીન..કરતું કોઈ આવ્યું દીકરીનો ચહેરો થયો ઊજળો! “ધોબી…ઠક્કર!” ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખી હવામાં હીંચકા લેતું હતું દીકરીએ કિલકાર કર્યો “ચક્કી…ઠક્કર!” લો ત્યારે દીકરી તો શીખી ગઈ હું હજી શીખું છું…! . (ઉદયન ઠક્કર)