શું ફૂલ પ્રેમ છે ? ના રે ના
તો શૂળ પ્રેમ છે ? ના રે ના
ડાળ ઉપર ફૂલના રખોપાઓ કરવામાં શ્વાસ બધા ખર્ચવાની ગેમ છે
એ જ પ્રેમ છે
મારી છાબડીને ફૂલોથી રોજ ભરું છું
તને ફૂલોથી ઝાઝેરો પ્રેમ કરું છું
.
શું તાપ પ્રેમ છે ? ના રે ના
શું ઝાડ પ્રેમ છે ? ના રે ના
ઝાડવાએ પાડેલા છાંયડામાં બેઠેલી છોકરીની આંખમાં જે રહેમ છે
એ જ પ્રેમ છે
મારા ખોબલામાં છાંયડાઓ રોજ ભરું છું
તને છાંયડાથી ઝાઝેરો પ્રેમ કરું છું
.
શું હાથ પ્રેમ છે ? ના રે ના
શું મૌન પ્રેમ છે ? ના રે ના
મૌન થઈ પ્રાર્થનામાં હાથ બે જોડીને આંખેથી છલકાતો ડેમ છે
એ જ પ્રેમ છે
મારી આંખોને જળથી હું રોજ ભરું છું
તને ગંગાથી ઝાઝેરો પ્રેમ કરું છું
.
શું વાત પ્રેમ છે ? ના રે ના
શું સાદ પ્રેમ છે ? ના રે ના
ટોળાની વચ્ચે પણ છાનકા ઈશારામાં આંખેથી પૂછે કે કેમ છે
એ જ પ્રેમ છે
તારી વાતોથી મારું આકાશ ભરું છું
તને તારાથી ઝાઝેરો પ્રેમ કરું છું
.
( મુકેશ જોશી )