હોળીનાં તહેવાર સાથે હોલિકા અને ભક્ત પ્રહલાદની કથા એટલી પ્રચલિત છે કે વારંવાર તેની પુનરોક્તિ રુચતી નથી, પરંતુ આપણે જે જાણીએ છીએ એ ધાર્મિક કથાના રૂપમાં તેને જાણીએ છીએ અને તેમાં ચમત્કૃતિનું તત્ત્વ પણ ભારોભાર છે. એટલે માહિતી અને જ્ઞાનની રીતે તેમાં ઘણું બધું છૂટી જાય છે. તેમાંથી ઇતિહાસ અને ભૂગોળની રીતે તેની સાથેનાં પૂર્વાપર સંબંધની ઘણી વિગતો છૂટી ગઈ છે. બીજું કે કથા અત્યંત પૌરાણિક હોવાથી ઇતિહાસની રીતે પણ તેને પ્રમાણિત કરવાનું ખુબ મુશ્કેલ છે, પરંતુ ઘટનાક્રમનાં સંદર્ભો જાણવાની ઇચ્છા રાખનારાઓ માટે એમાંની ઘણી બધી વિગતો ખુબ જ રસપ્રદ છે.
.
તો ચાલો આજે એની આગળ પાછળનો ઇતિહાસ વિસ્તારથી જાણીયે. હોળીનાં સંદર્ભે પ્રહલાદ અને હોલિકાની સાથે-સાથે વૃંદાવનમાં હોળી ધુળેટી કેમ પ્રચલિત થઈ એનો પણ સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત અન્ય ઘણી કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે. સહુથી પહેલાં બહુચર્ચિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા સવિસ્તર જાણીયે.
હોળીની વાત યુગોયુગોથી હોલિકા સાથે જોડાયેલી હોવાથી સૌથી પહેલા એ વિશે વાત કરું તો ઋષિ કશ્યપ (પુરાણ પ્રમાણે બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિનાં તેઓ પુત્ર) અન્ય સ્ત્રીઓ ઉપરાંત દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ સહીત તેર કન્યાને પરણ્યા હતા. માતા અદિતિથી બાર આદિત્યો અને ઇન્દ્ર જેવા દેવતાઓ જન્મેલાં અને ઋષિ કશ્યપનાં શ્રાપથી જ માતા દિતિનાં પુત્રો દૈત્યો તરીકે જન્મેલાં. પિતા કશ્યપ અને માતા દિતિનાં ચાર પુત્રો અને એક પુત્રી. તેમનાં નામ હિરણ્યકશિપુ, હિરણાક્ષ, વજ્રાંગ અને અંધક અને પુત્રી સિંહિકા. એમાંની સિંહિકા જ આગળ જતાં હોલિકા તરીકે ઓળખાઈ.
.
ભૂગોળશાસ્ત્રીઓ જાણે છે કે, કશ્યપ સાગરને પાર કરીને ‘ઓક્સસ’ (પર્શિયન લોકો માટે સાત સમુદ્ર એ ‘ઓક્સસ’ નદી) પહોંચાતું હતું. એ જ વિશાળ રણપ્રદેશને ‘ગ્રેટ ડેઝર્ટ’ અથવા ‘સાલ ડેઝર્ટ’ પણ કહે છે. ત્યાં કોઈ એક કાલખંડમાં સોનાની ખાણો હતી અને તેના પર કબજો જમાવવા માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું હતું. સમુદ્ર કિનારે વાસુકિ, કરકોટ, તક્ષક, શેષ વગેરે ર૬ નાગવંશી જાતિઓ રહેતી હતી. દેવતા અને દૈત્યોએ આ નાગવંશીઓની મદદથી સમુદ્ર પાર કરીને સોનાની ખાણો પર વર્ચવ્ય મેળવ્યું જેને પુરાણોમાં આપણે સમુદ્ર મંથનથી ઓળખીયે છીએ.
.
નસીબનાં જોરે સોનાની આ ખાણો પર હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ – બંને ભાઈઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું. હિરણ્યકશિપુએ આ સોના (હિરણ્ય)નાં વિશાળ ભંડારને મેળવીને પોતાની નવી રાજધાની વસાવી અને દેવતાઓને ત્યાંથી પ્રસ્થાન કરવું પડ્યું. ઉત્તરી, પશ્ચિમી, ફારસ તથા સંપૂર્ણ અફઘાનિસ્તાન સુધી હિરણ્યકશિપુનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ હકીકત એ છે કે રાવણનાં નાના અને મામા માલી, સુમાલી અને માલ્યવાને અહીંથી જ સોનું લાવીને હેતી તેમજ પ્રહેતી નામનાં વાસ્તુકારોએ નિર્માણ કરેલી લંકાને સુવર્ણજડિત કરી હતી.
.
પૌરાણિક માન્યતાં અનુસાર, હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં’. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. એનો નાશ કરવો લગભગ અસંભવ થઇ ગયું હતું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો અને સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો હતો.
.
બીજી બાજુ હિરણ્યકશિપુના ભાઈ હિરણ્યાક્ષે બેબીલોનની આસપાસનાં પ્રદેશો પર કબજો જમાવ્યો. (પુરાણોમાં તેને સ્વર્ગ અને દેવલોક તરીકે ઓળખાવ્યાં છે.) આ સંજોગોએ દેવતાઓને વળતો પ્રહાર કરવાં મજબૂર કર્યા. દેવતાઓએ વરાહદ્વીપમાં (જેને હાલ નોર્વે દ્વીપ કહે છે) જઈને આશ્રય લીધો અને અહીંની વરાહ જાતિ સાથે મળીને શ્રી વિષ્ણુએ હિરણ્યાક્ષનો વધ કર્યો.
.
પોતાનાં ભાઈ હિરણ્યાક્ષનાં મૃત્યુથી હિરણ્યકશિપુને અત્યંત ક્રોધ આવે છે અને એ વેર વાળવાનું નક્કી કરે છે. એનાં માટે એણે મંદરાચલ પર્વત પર જઈને ભગવાન શિવની આરાધના કરવાનું નક્કી કર્યું. દેવતાઓને આ વાતની જાણ થતા તેઓ પોપટનું રૂપ ધરીને આવ્યાં અને ‘ગોવિંદાય નમઃ’ નો જાપ કરવાં લાગ્યાં. પોતે જેની સાથે વેર વાળવાં માટે તપ કરી રહ્યો છે એનું જ નામ સાંભળીને એ ધ્યાન ન ધરી શકતા પાછો ફર્યો અને આવું અનેકવાર બન્યું. અને એ કારણોસર એનાં મનમાં ક્યાંક આ ‘ગોવિંદાય નમઃ’ની ભાવના રહી ગઈ જયારે એની પત્ની ક્યાધુ સગર્ભા હતી. અને એ દરમ્યાન દ્રઢ સંકલ્પ કરી હિરણ્યકશિપુ ફરી તપ કરવાં ચાલ્યો જાય છે.
.
હિરણ્યકશિપુ જયારે તપ કરવાં ચાલ્યો જાય છે ત્યારે પાછળથી ઇન્દ્ર વિચારે છે કે ક્યાધુનાં ગર્ભમાં એક રાક્ષસનું બાળક છે એટલે ઇન્દ્ર તેની પત્ની ક્યાધુને કેદ કરી લે છે પરંતુ નારદ ઇન્દ્રને સમજાવે છે કે તેનું ગર્ભસ્થ બાળક ભગવદ્ ભક્ત છે, તેથી ક્યાધુને છોડાવી નારદે એને પોતાનાં રક્ષણમાં રાખી. દરરોજ નારદ તેમને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતા તેથી ગર્ભસ્ય શિશુ (પ્રહલાદે) તે ઉપદેશ ગ્રહણ કર્યો. આ સંસ્કારોને લીધે પ્રહલાદ ભક્ત બન્યો. આમ બાળક પ્રહલાદને ગર્ભાવસ્થામાં જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ ઉપરાંત પણ જયારે હિરણ્યકશિપુ તપ કરીને પાછો ફરે છે ત્યારે પ્રહલાદ આશરે ૫ વરસનો હોય છે અને ક્યાધુ એને ગુરુનાં આશ્રમમાં ભણવા મોકલે છે.
હિરણ્યકશિપુનાં ચાર પુત્રો હતાં જેમાં પ્રહલાદ, અનુહલાદ, હલાદ અને સંહલાદ પણ ભાગ્યવશ પ્રહલાદનો ઉછેર ઋષિઓનાં આશ્રમમાં થયો. એથી પ્રહલાદ પર ઋષિ પરંપરા અને દેવ સંસ્કૃતિનો ભારે પ્રભાવ પડ્યો. એ રીતે મા કયાધુ અને પુત્ર પ્રહલાદ દૈત્ય સંસ્કૃતિના ઘોર વિરોધી બની જાય છે. વિષ્ણુની ભક્તિ કરનાર પુત્ર પ્રહલાદને સજા કરવા માટે રસોઈયા દ્વારા ખોરાકમાં ઝેર ભેળવ્યું, સર્પદંશ કરાવ્યો, પર્વત પરથી નીચે ફેંકવામાં આવ્યો. એવાં કેટકેટલાં પ્રયત્નો કરવાં છતાં પ્રહલાદ જીવિત રહ્યો. હવે હિરણ્યકશિપુનાં ક્રોધનો કોઈ પાર નહોતો રહ્યો. એણે પ્રહલાદને મારવાનાં અનેક પ્રયત્નો કર્યા, પરંતુ એને તેમાં સફળતા ન જ મળી.
.
આવા જ એક પ્રયાસરૂપે હિરણ્યકશિપુએ બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનું વરદાન મેળવનાર પોતાની બહેન સિંહિકા (હોલિકા)ને પ્રહલાદ સાથે પ્રજ્વલિત હોળી પર બેસાડવાનું નક્કી કર્યું. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકે નહીં. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પ્રહલાદ એ ભગવાનનું સ્મરણ સતત કર્યે રાખ્યું અને વાયુદેવની મદદથી પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી.
.
આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ બચી ગયો. આમ હોલિકાનું દહન થયું અને સમસ્ત નગરજનોએ એકબીજા પર અબીલ ગુલાલ છાંટીને રંગોત્સવ મનાવ્યો અને આમ આ ઘટના હોળી ઉત્સવનું કારણ બની. અન્ય એક માન્યતાં અનુસાર હોલિકા બળી તો ગઈ પણ આ જ હોલિકાની આત્મા સતયુગથી છેક દ્વાપર યુગ સુધી ભટકતી રહી પણ એ વાત પર પછી આવું પહેલાં હિરણ્યકશિપુની વાત પુરી કરીયે.
.
આ ઘટના પછી દેવતાઓએ હિરણ્યકશિપુનાં વધની તૈયારી શરુ કરી દીધી. હોલિકાની ઘટના પછી હિરણ્યકશિપુએ ક્રોધાવેશમાં સોનાનાં થાંભલાને ગરમ કરાવ્યો અને પ્રહલાદને બાથ ભરવા કહ્યું. અને પ્રહલાદ ‘હે! ગોવિંદ’ કહી જયારે બાથ ભરે છે ત્યારે થાંભલો ફાટે છે અને થાંભલો ફાટતાં અર્ધ નર અને અર્ધ સિંહનાં સ્વરૂપવાળા નૃસિંહ ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થાય છે. હિરણ્યકશિપુને પકડી ઉંબરા પર બેસી પોતાનાં ખોળામાં લઈ સિંહનખથી એની છાતી ચીરી નાખે છે. આમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ – બંને ભાઈઓનો અંત આવે છે અને એ સાથે લક્ષ્મીરૂપી સોનાની ખાણો પર વિષ્ણુ અને દેવતાઓનો અધિકાર ફરી સ્થાપિત થાય છે.
.
ઈરાની ઇતિહાસકારોએ તેને નાગવંશીઓનું વિજય અભિયાન ગણાવ્યું છે. આ જ નાગવંશીઓની મદદથી નૃસિંહે (વિષ્ણુ) કશ્યપ સાગર નજીક સુમના પર્વત પર હિરણ્યકશિપુનો વધ કર્યો. નૃસિંહની પ્રતિમા અર્ધ સિંહની છે, જે પરસા પ્રાંતમાંથી મળી આવી છે. એ જ રીતે લુલવી પ્રાંતમાં બગદાદના કરનમશાહ સ્થાન પર એક ભીંતચિત્ર મળી આવ્યું છે, જેમાં નૃસિંહ સૂર્યના ચિહ્ન સાથેનો ધ્વજ લઈને સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે આવું હોલિકાની અધુરી વાત પર તો એક પૌરાણિક માન્યતાં અનુસાર હોલિકાની ભટકતી આત્મા દ્વાપર યુગ સુધી પહોંચે છે જેની વાત હવે પછીનાં ભાગમાં રજુ કરી છે…ક્રમશઃ
.
( વૈભવી જોશી )