કોઇ રમૂજ વહેંચે છે
કોઇ રાજકિય કટાક્ષ કરે છે
કોઇ પરમાત્માની તસ્વીર મુકે છે
કોઇ વીતેલા દિવસોની યાદ વહેતી કરે છે
કોઇ શુભપ્રસંગોની ઉજવણીની તસ્વીર મુકે છે
કોઇ બાળકોના ફોટા મુકે છે.
કોઇ ગીત સંગીત કવિતા વહેંચે છે
કોઇ વાનગીના સ્વાદ ફોટામાં કરાવે છે.
.
સહુ પ્રયત્ન કરે છે
હસવાનો , હસાવવાનો
ને એમ સહજ રહેવાનો , સ્વસ્થ દેખાવાનો
એટલેકે જીવવાનો.
સારું જ છે ,
પણ
આપણને ઘેરી વળેલી લાચારી કોઇ ભૂલ્યું નથી.
બહુ ભયંકર છે આ લાચારી
લાચારી ..
લાચારી જ વળી.
માણસ હોવાની લાચારી.
પૈસા ન હોવાની લાચારી
પૈસા હોવા છતાં લાચારી
એમ્બ્યુલન્સની રાહ જોવાની લાચારી
હોસ્પિટલમાં પ્રવેશ અંગે લાચારી
પથારી માટે લાચારી
દવાઓ માટે લાચારી
પ્રાણવાયુ માટે લાચારી
પરિવારજનોને શોધતી આંખોમાં લાચારી
દર્દીના સમાચાર મેળવવાની લાચારી
અવાજ સાંભળવાની તરસની લાચારી
શ્વાસ બંધ થયા પછીની પ્રક્રિયામાં લાચારી
મોં પણ ન જોઇ શકાયાની લાચારી
અંતિમયાત્રામાંય લાચારી
હોસ્પિટલનાં બિલ ભરવાની લાચારી
અંતિમવિધિમાંય લાચારી
શોક વહેંચવામાંય લાચારી
માણસ હોવું એ જ લાચારી.
.
હસવું ગમતું નથી
ગીત સંગીતમાં મન લાગતું નથી
વાંચવું ગમતું નથી
હમણાં કૈં લખવુ નથી.
ઇમોજીથી થાક્યો છું.
હતાશ નથી
પણ આધાર શોધું છું.
અનિશ્ચિતતાના અંધકાર વચ્ચે
શ્રદ્ધાદીપની કંપતી જ્યોતને
હથેલી વચ્ચે સાચવવા મથું છું.
.
હે પરમ તત્વ ,
અમ સહુ શિશુને આ લાચારીમાં જાળવી લેજે.
.
( તુષાર શુક્લ )