આદર્શ હિન્દુ હોટલ-વિભૂતિભૂષણ બંદોપાધ્યાય

 

આદર્શ હિન્દુ હોટલ:
વિભૂતિભૂષણ બંદોપાધ્યાય( બંગાળી-૧૯૪૦ ):શિવકુમાર જોશી(ગુજરાતી-૧૯૭૭):
‘આદર્શ હિન્દુ હોટલ’ નવલકથાનો કેન્દ્રવર્તી વિચાર છે ,”અદના આદમીને સપનાં જોવાનો, સાકાર કરવાનો અને આદર્શો-મૂલ્યોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ચરિતાર્થ કરવાનો અધિકાર છે અને એ એમ કરી શકે છે.”પ્રસ્તાવના સાથે લગભગ બસો પાનાંમાં વિસ્તરેલી આ નવલકથા ગ્રામીણ બંગાળી રસોઈઆ હાજારીબાબુની સફળતા-સિદ્ધિની સંઘર્ષકથા છે. હાજારીબાબુ સરળ, સહજ, ભોળી વ્યક્તિ છે પરંતુ પોતાની રસોઈકળા માટે સજાગ,સભાન છે. પોતાના માલિક બેચુ ચોકકોતિ(ચક્રવર્તી)અને ઉપરી સ્ત્રી પદમથી એ સતત ડરે છે કારણ કે તેઓ બન્ને હાથ નીચે કામ કરનારાને ધાકમાં રાખવામાં માને છે. પદમને એ દીદી કહે છે પરંતુ પદમને એની તમા નથી.રસોઈના કામ સિવાય એ ચૂર્ણી નદીને કિનારે વૃક્ષ નીચે પોતાનું હોટલ ખોલવાનું શમણું સાકાર કરવાના વિચારોમાં રમમાણ રહે છે. પોતાનાં ગામની દીકરી કુસુમ હાજારી કામ કરે છે તે રાણાઘાટમાં જ રહે છે. હાજારી એને દીકરી માને છે અને એ એમને પિતા. હાજારીનાં જીવનમાં ત્રણ સ્ત્રીઓ છે આમ તો છ જેટલી પરંતુ પત્ની અને દીકરી ટેંપી-આશા સિવાય કુસુમ, અતસી અને સુહાસિની. ત્રણે એનાં ગામની છે. અતસી ટેંપીની મિત્ર અને સુહાસિની એને દૂર દૂરથી સગપણ કાઢીને ગામનાં ફુવા કહી એમના પ્રત્યે પુત્રીભાવ રાખે છે.હાજારીનું હોટલનું સપનું પૂરું કરવા ત્રણે એને પૈસા આપવા કહેતાં રહે છે પરંતુ નવલકથાના ૧૩૯ જેટલાં પાનાં પર હાજારીની મનોવેદના અને મનોમંથન જ ઉજાગર થતા રહે છે અને છેવટે અતસીનું લગ્ન થવાનું હોય છે ત્યારે એ હાજારીને દબાણપૂર્વક ૨૦૦/૦૦ ₹ આપે છે જેમાં કોઈ શરત નથી. કુસુમ વિધવા છે અને બે બાળકોની માતા છે. એને પણ અપેક્ષા નથી છતાં એ કમાઈને પાછા આપજો કહી આગ્રહ કરતી રહે છે અને સુહાસિનીને તો વળતર મળશે એવી આશા ખરી પણ વિશ્વાસથી પૈસા રોકવા તૈયાર થાય છે. આ ત્રણેને હાજારીની રસોઈકળાની આવડત પર ભરપેટ વિશ્વાસ છે.
પદમનો ત્રાસ વધી ગયા પછી અંતે એને કારણે પોતાને જેલમાં જવું પડે છે, જેલમાં પુરાવાના અભાવે છૂટી પણ જાય છે છતાં એને ફરીથી કામ પર રાખતા નથી એટલે એ અપમાન સાથે હાજારી ગામ જઈ નક્કી કરે છે કે હવે તો એ હોટલ ખોલશે જ. જોકે થોડા વખત એ અન્ય ગામે જઈને પણ ગૃહસ્થને ત્યાં નોકરી કરી આવે છે. અંતે અતસીના આગ્રહને વશ થઈ પૈસા લઈ, કુસુમ પાસે ફરીથી આવે છે અને કુસુમના પૈસા લઈ હોટલ શરૂ કરે છે અને જાતે જ કુશળ રસોઈઓ હોવાથી પ્રથમ દિવસથી જ નફો કરે છે અને ટૂંક સમયમાં પગભર થઈ જાય છે. રાણાઘાટમાં અન્ય હોટલોના ગ્રાહકો પણ એની તરફ વળી જાય છે. રેલ્વે પ્લેટફોર્મ પર હિંદુઓ માટે હોટલનો કોન્ટ્રાક્ટ પણ એને મળે છે અને અંતે સમગ્ર રેલ્વે લાઈન પરની તમામ હોટલોને સજ્જ કરવા હાજારીને તે સમયમાં ૧૫૦/૦૦ ₹.પગાર અને અન્ય સગવડ સાથે નોકરી મળે છે. પોતાની દીકરી ટેંપીને મનગમતા યુવક નરેન સાથે પરણાવે છે. એને પહેલાં પોતાની હોટલમાં મેનેજર તરીકે કામ પર રાખ્યો હોય છે. નવલકથાનાં અંતે કામ પર જતાં પહેલાં બેહાલ દશા પર આવી ગયેલા બેચુ ચોકકોતિ અને પદમને પોતાની હોટલમાં કામ આપે છે ત્યારે પદમને વાસ્તવિકતાનું ભાન થાય છે અને એ હાજારી સામે પગે પડે છે. એક સફળ વ્યક્તિ તરીકે હાજારીને કોઈ અભિમાન નથી. એને તો પદમ,બેચુ અને જદુ ત્રણ વ્યક્તિ સારી રીતે બોલાવે અને કદર કરે એટલે જ સંતોષ થઈ જતો હોય છે.
મને આ નવલકથા પ્રિય થઈ પડી છે. સાત પગલાં આકાશમાં પણ પ્રિય છે કારણ કે એમાં મનુષ્ય થવાની વાત છે. આ નવલ એટલે પ્રિય છે કે અહીં અદના આદમીનું મનુષ્યત્વ સહજપણે ઉજાગર થયું છે. નવલકથા વાંચતાં વાંચતાં શેખચલ્લી, મુંગેરીલાલ કે હસીન સપને, વાગલે કી દુનિયા યાદ આવે તો સાથે વિઠ્ઠલ કામતની જીવનકથા ઈડલી, ઓર્કિડ અને હું પણ યાદ આવે.આ દાધારંગી દુનિયામાં કોઈપણ વ્યક્તિ સતત ખરાબ અનુભવનાં કારણે આત્મવિશ્વાસ ખોઈ બેસે, ડરપોક બને, હિંમત જતી રહે અને અંતે ગુલામ બનીને રહી જાય પણ એને આશા હોય, આવડત પર ભરોસો હોય અને કુદરત સાથ આપે તો એ સપનાં સાકાર કરી શકે. આ નવલકથા ૧૯૪૦ માં લખાયેલી છે. ભારત દેશ આઝાદી આંદોલનમાં ગળાડૂબ હતો ત્યારે બંગાળનાં કોઈ નાના ગામમાં કેવું જીવન જિવાઈ રહ્યું હતું. એ સમયે માનવીય અને સ્ત્રીઓનો દરજ્જો કેવો હતો, લોકો બદલાતા વાતાવરણમાં કેવી એકલતા અનુભવતા હતા એનું તાદ્રશ ચિત્રણ વિભૂતિભૂષણજીએ કર્યું છે. અહીં ટેંપી અને નરેન સિવાય ખાસ કોઈ પ્રેમકથા નથી.પરંતુ પ્રેમનો જે સંદેશો છે તે મનુષ્યો વચ્ચે સંવાદિત સંબંધોનો. સ્ત્રીઓ પોતાની આવક અને બચત કરી શકતી હતી, ભાવુક હતી છતાં એમને માણસની પરખ હતી તો સામે છેડે એક ભલાભોળા માણસની માસુમિયત હતી. હાજારીને પોતાની કમાણી માટે કોઈ અધિકાર ભાવ ન હતો. એ પોતાની ત્રણે દીકરીઓને પોતાની આવકમાં ભાગીદાર બનાવે છે તો પોતાના જૂના શેઠને પણ આર્થિક રીતે સહાયભૂત થવા તત્પર રહે છે. રેલ્વે કેન્ટિન માટે ટેન્ડર માટે જે કાવાદાવા થાય તેમાં પણ હાજારી તો નિર્લેપ. ગીતામાં કહ્યું તેમ સ્થિતપ્રજ્ઞ.એને ફક્ત ને ફક્ત એ રસોઈકલામાં પારંગત હોવાનાં કારણે જ વિકસવાની તક મળે છે. જેઓ કામને મહત્ત્વ આપે છે,મહેનતુ હોય છે તેઓ છેવટે સફળ થાય છે આ વાત મને તો ખાસ્સી સ્પર્શી છે એટલે હું આ નવલકથાને મારી પ્રિય કથાઓમાં ગણું છું.
એ સમય હતો જ્યારે બ્રાહ્મણને લોકો માન આપતા,અડકાબોળાનો ખ્યાલ રાખતા. હાજારી ગરીબ બ્રાહ્મણ રસોઈઓ છે છતાં દરેક જગાએ એને આવકાર છે.સામે હાજારી પણ નમ્ર, વિવેકી, પ્રેમાળ અને ભોળી વ્યક્તિ તરીકે જ વ્યક્ત થતો રહે છે. એની પત્ની પણ એવી જ શ્રમજીવી, મહેનતુ અને ભોળી છે. નાની દુનિયા છે અને નાનાં નાનાં સુખની ચાહત છે. જોકે હાજારીની પત્નીને તો એવી કોઈ ઈચ્છા નથી એટલે એને શેઠિયાને ત્યાં મળતું હોય તેવું નોકરચાકર અને સાધન-સગવડનું સુખ મળે છે કે એ રાજીરાજી. તો પણ એને અંતે તો ગામ જ યાદ આવે છે અને એ ગામનાં ઘરે રહેવા ઈચ્છે છે. ભલે,હાજારી મુંબઈ જાય.અતસીને વૈધવ્યવેળા આવે છે,એ દુ:ખી છે પરંતુ એનો જીવનરસ જીવંત છે એટલે એને મુંબઈ જવું છે , જોવું છે,હરવું-ફરવું છે. લગ્ન પહેલાં પણ એને હાજારી પાસે રસોઈ શીખવી હતી.હાજારી પર પદમની તુમાખી ભરપૂર હતી છતાં જ્યારે એ હાજારીને પોતાની વાસ્તવિક સચ્ચાઈ બતાવે છે ત્યારે એને માટે જે નકારાત્મક છાપ ઊભી થાય છે ત્યાં સહાનુભૂતિ જાગે છે જોકે હાજારીને હવે એવી કોઈ વાતમાં રસ નથી પણ પદમદીદીને એ મદદ કરવા ઉત્સુક રહે છે. એ સતત સજાગ છે કે ભલે પોતાનું સતત શોષણ થયું પરંતુ બેચુ અને પદમ પાસે એને હોટલ ચલાવવા માટેની નાનીમોટી વાત શીખવાની મળી.પ્રસ્તાવનામાં ક્ષિતીશ રોય નોંધે છે કે લેખકને પાકશાસ્ત્ર અને હોટલ સંચાલનની નાની નાની વાતો વિશે જે જ્ઞાન છે એ જાત અનુભવ વગર ન આવે. જો કે તેઓ તો લેખકની પથેર પાંચાલીને વધારે સક્ષમ માને છે.
આ નવલકથામાં ૧૯૪૦ એટલે કે આજથી એંશી-બ્યાસી વર્ષ પરનું વાતાવરણ બતાવ્યું છે જેમાં ઉલ્લેખ છે કે બંગાળનાં ગામોમાં મચ્છર-મેલેરિયાનો કેર વર્તાયેલો અને મધ્યમવર્ગમાં એ જીવલેણ સાબિત થયેલો જ્યારે ગરીબ-શ્રમિક વસાહત એનાં કાળા કેરમાંથી કંઈક અંશે બચી ગયેલી. આજે ૨૦૨૧માં કોરોના મહામારીનું રૂપ પણ કંઈક આવું જ છે( પાનું:૧૭૨ ) . તે રીતે આ નવલકથા શહેરીકરણનાં કારણે ખાલી થતાં ગામડાં, વર્તાતી એકલતાનો પણ ખાસ્સો અણસાર આપે છે. તો સામે હાજારી કે એની પત્ની જેવાં સંતુષ્ટ જીવો પોતાની પાસે જે છે તેનો પણ આદર કરે છે.અહીં નારી પાત્રો વચ્ચે વિકસતા માનવીની કથા છે જ્યાં પિતૃસત્તાક વાતાવરણ હોવાં છતાં સ્ત્રીઓ પોતાનું વજૂદ જાળવીને રહે છે. આ નવલકથા આમ આદમીનાં જીવનની છે એટલે વધારે બળકટ છે.
મયૂર પટેલની વોલ પર તમને ગમતી નવલકથાના નામ આપો એવું વાંચીને મેં મને ગમતી નવલકથાનાં લખેલાં નામોમાં ‘આદર્શ હિન્દુ હોટલ’નું નામ હતું અને કેટલાક મિત્રોએ એ વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી તેમને માટે આ લખાણ. કલકત્તામાં વસેલા શિવકુમાર જોશીએ સરસ અનુવાદ કર્યો છે. શિવકુમાર જોષીની ‘ શ્રાવણી’ ( મને યાદ રહ્યું છે તે મુજબ) પણ મને ગમે છે. અવલોકન થોડું લાંબુ છે પરંતુ રસ ધરાવનારાંને ગમશે.
આદર્શ હિન્દુ હોટલ
નેશનલ બુક ટ્રસ્ટ
વસંત કુંજ, નવી દિલ્હી
કિંમત:₹૯૦/-
છેલ્લી આવૃત્તિ:૨૦૧૯
( બકુલા ઘાસવાલા )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.