મારા વિશે

IMG-20160708-WA0037 (1)

મારું નામ હિના એમ. પારેખ. હું દક્ષિણ ગુજરાતના વલસાડમાં મારા પપ્પા સાથે રહું છું. (મમ્મીને મેં ડિસેમ્બર ૨૦૧૨માં ખોઈ દીધા). જ્ઞાતિએ સોની. મારા મમ્મી-પપ્પા વ્યવસાયે શિક્ષક હતા. હાલ પપ્પા નિવૃત્ત જીવનમાં પ્રવૃત્ત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં બી.કોમ. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન જર્નાલિઝમની ડિગ્રી મેળવી. ત્યારબાદ પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો. સાત વર્ષ સુધી શેઠ ભગવાનદાસ બ્રીજભૂખણદાસ બલસાર પીપલ્સ બેન્ક લી.માં ક્લાર્ક અને કેશિયર તરીકે કામગીરી બજાવી. પણ બેન્ક ફડચામાં જતાં બેન્કની ફરજમાંથી છૂટા થવું પડ્યું. હાલ હું એક પ્રખ્યાત હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ફરજ બજાવું છું.

સાહિત્ય પ્રત્યેની રુચિ માટે હું મારા મમ્મી-પપ્પા અને મારી મોટીબેન પ્રીતિની આભારી છું. આ ત્રણેના કારણે મને પુસ્તકો વાંચવાની ટેવ પડી અને એમ કરતાં સાહિત્યમાં રસ પડ્યો. લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો મેં એકથી વધારે વખત વાંચ્યા હતા. જ્યારથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો ખરીદીને જ વાંચવાની કુટેવ પડી છે. હાલમાં મારી અંગત લાઈબ્રેરીમાં લગભગ ૧૦૦૦ જેટલા પુસ્તકો છે.

સાહિત્યના શોખની સમાંતર જ મારી અધ્યાત્મ પ્રત્યેની રુચિ પણ વિકસતી રહી છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ. સાથે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ હતું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, પૂ. માતાજી, ઓશો, સ્વામી યોગાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી(કોઈમ્બતુર), સ્વામી વિદિતાત્માનંદજી(અમદાવાદ), દિલીપકુમાર રોય વગેરે જેવા આર્ષદ્રષ્ટાઓને વાંચવાનું થયું છે. સ્વામી દયાનંદ સરસ્વતી(કોઈમ્બતુર)ના શિષ્યા સ્વામીની સદવિદ્યાનંદાજી પાસે વેદાંતને શ્રવણ કરવાનો મોકો પણ મળ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાયના પૂ. ડો. સરલા ગોસ્વામી પાસે મેં મંત્રદિક્ષા લીધી છે. વખતોવખત ઓશોની ધ્યાન શિબિર પણ કરું છું. ટી.વી.ના માધ્યમ દ્વારા પૂ. મોરારીબાપુ અને પૂ. આનંદમૂર્તિ માને સાંભળવાનું મને ગમે છે.

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. દિવ્યભાસ્કરમાં આવતી હિમાંશુ કીકાણીની “સાયબર સફર” કોલમ દ્વારા ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

“ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ”

(મકરન્દ દવે)

શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com)ના માર્ગદર્શન દ્વારા Unicodeથી ગુજરાતીમાં ટાઈપ કરતાં શીખી. અને ગમતાંનો ગુલાલ કરવા માટે જૂન ૧૦, ૨૦૦૮ના રોજ મારા બ્લોગ “મોરપીંછ” (www.heenaparekh.wordpress.com) ની શરૂઆત થઈ. અને હવે આ બ્લોગ “મોરપીંછ” નામની સાઈટ (www.heenaparekh.com) માં રૂપાંતરિત થયો છે. બ્લોગ/સાઈટ પર કવિતા મૂકવાના કારણે મને કવિતા માણવાની તક મળી છે તેનો આનંદ અવર્ણનીય છે.

મોબાઈલ મેસેજનો પણ ઘણો મોટો સંગ્રહ હોવાથી બીજા બ્લોગ “મોબાઈલ મેસેજ” (www.parekheena.wordpress.com) ની પણ શરૂઆત કરી છે. પણ એ બ્લોગ પર હું નિયમિત રીતે પોસ્ટ કરતી નથી.

બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, સર્જન અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કૃતિને બ્લોગ પર મૂકી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.

મારા સાહિત્ય સર્જન વિશે જણાવું તો થોડી કવિતા અને નવલિકાઓ લખી હતી. અને એમાંથી કેટલીક વિવિધ સામાયિકોમાં પ્રકાશિત પણ થઈ હતી. ગુજરાતી સામાયિક “પારિજાત” (જે પછી “મનાંકન” ના નામે ઓળખાયું અને હાલ બંધ છે)માં એક વર્ષ સુધી પત્રમૈત્રી આધારીત “મૈત્રીની મહેક” કોલમ મેં સંભાળી હતી. ડો. ગોપાલ શર્મા “સહર” લિખિત, હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક “તિનકા તિનકા સપને” નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કોઈ કારણસર પુસ્તક હજુ અપ્રકાશ્ય છે.

હાલ ઘણાં સમયથી કંઈ મૌલિક સર્જન થયું નથી. કુન્દનિકા કાપડિઆએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે “લખવું-એ હંમેશા મને બીજી કોટીની-સેકન્ડરી વસ્તુ લાગી છે. પહેલી કોટીની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે”. સર્જન બાબતે હું પણ કંઈક આવું જ અનુભવું છું. ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેના વિશે લખી શકાય. પણ તેની મને અનુભૂતિ થવી, તે વાત મારા હ્રદય સુધી પહોંચવી અને સમવેદના અનુભવવી એ મારા માટે વધારે અગત્યનું છે. લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી. કોઈની ફરમાઈશ પર હું કંઈ પણ લખી શકતી નથી. એ માટે કદાચ મારો મૂડી સ્વભાવ પણ જવાબદાર છે. તેથી જ મેં મારું ઉપનામ “મનમૌજી” રાખ્યું છે.

વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત સાંભળવું, પત્રમૈત્રી, પ્રવાસ, કુદરતી સૌંદર્યને માણવું, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ અને રેકી છે. રેકીમાં હું સેકન્ડ ડિગ્રી સુધી શીખી છું.

ટૂંકમાં કહું તો..અધ્યાત્મ મારું મૂળ છે,

પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્ર છે,

અને…સાહિત્ય મારું જીવન છે.

સંપર્ક:

આ સાઈટ દ્વારા

અથવા heena.m.parekh@gmail.com

હિના પારેખ “મનમૌજી”.

[મારો આ પરિચય શ્રી વિજયકુમાર શાહના બ્લોગ www.gujaratisahityasangam.wordpress.com પર “બ્લોગર વિશે માહિતી” વિભાગ અંતર્ગત પોસ્ટ થયો છે. જે વાંચવા માટે અહીં ક્લીક કરો.]

161 Comments

161 thoughts on “મારા વિશે