Archives

સરહદ હતી-હર્ષદ ચંદારાણા

ચાલ દરિયે, ઝંખના બેહદ હતી,
નાવ પાણી-પાણી ને ગદગદ હતી.

પત્ર હાથોહાથ દેવા ઈચ્છતી,
આ હૃદયની લાગણી કાસદ હતી.

ચાંદનીનું તેજ પણ કાળું હતું,
મન વસી તિથિ નિરંતર વદ હતી.

રોજ વધતું શહેર, ઘટતું ગામડું,
‘ક્યાં જવું’ વિચારમાં પરિષદ હતી.

મોલ ઉપર હાથ હળવે ફેરવી,
આ હવા આવી, તે નખશીખ મદ હતી.

એથી આગળ ના કશું જોઈ શક્યો,
તું જ મારી દ્રષ્ટિની સરહદ હતી.

( હર્ષદ ચંદારાણા )

તને…-દુર્ગેશ ઉપાધ્યાય

તને યાદ છે ?
આવા જ વરસતા એક
શ્રાવણમાં સાવ અડોઅડ,
સાવ અડોઅડ ભીંજાતાં
આપણે ઊભાં હતાં;
ને ત્યારે
આપણી આંખોમાં
છવાયેલું હતું-
લીલુંછમ ઘાસ.
અને આજે,
આ શ્રાવણમાં
એવા જ વરસાદમાં
તારી આંખોમાં છે-
ખુલ્લા આકાશનું મૌન
અને,
મારી આંખોમાં
યાદના દરિયાનો ઘૂઘવાટ….!!

( દુર્ગેશ ઉપાધ્યાય)

પડછાયા-રાધિકા પટેલ

૫.
એક દિવસ
પડછાયાથી પીછો છોડાવવા-
હું મારો જ પડછાયો
ઘોળીને પી’ય ગયો;
પડછાયો આખા શરીરમાં ફેલાવા લાગ્યો.
માથું ચકરાવા લાગ્યું.
એક મોટો કરડાટ….
અને ટુકડે-ટુકડા થઈ વેરાઈ ગયો હું…!
દરેક ટુકડામાંથી ઊભો થયો
ફરી
પડછાયો.

૬.
ખુલ્લી આંખે
આમ-તેમ
અહીં-તહીં ભટક્યા કરું છું
પડછાયો પહેરીને…!
કંટાળીને મેં આંખો મીંચી દીધી.
ફેંકી દીધો પડછાયાને-
ક્ષિતિજની પેલે પાર.
એ ફરી આવી ગયો…
સપનાઓ પહેરીને
આંખોની આગળ-પાછળ એ રમ્યા કરે છે
અડકો-દડકો…!
ખો આપ્યા કરે છે
સૂર્યને અને સપનાઓને
વારાફરતી….!

૭.
આખી રાત સપનાઓથી
ચોળાયેલા-ચૂંથાયેલા પડછાયા પર
ઈસ્ત્રી ફેરવવા આવી ગયો
સૂરજ…!

( રાધિકા પટેલ )

પડછાયા-રાધિકા પટેલ

૧.
મેં
પડછાયામાંથી
એક પંખી બનાવ્યું;
અને એ ઊડી ગયું આભમાં-
ઊંચે ને ઊંચે…!
હું ઊભો છું અહીં-
ખાલીખમ વૃક્ષની જેમ.

૨.
પડછાયો ચીતરી
મેં એક હરણ બનાવ્યું;
હું એને સ્પર્શ કરું-એ પહેલાં જ એ ભાગી ગયું…!
હું દોડ્યા કરું છું-
એની પાછળ-પાછળ…..
આજ લગી.

૩.
મારા ઘરના પછવાડે
મેં એક પડછાયો વાવ્યો,
સીંચી-સીંચીને મોટો કર્યો;
હવે એ બની ગયો છે-
ભોરિંગ વડલો…!
એની વડવાયુએ પાશમાં લીધું છે-
મારું આખું ઘર.

૪.
મેં મારા પડછાયાને
એક જાદુઈ બોટલમાં બંધ કરીને રાખી મૂકેલ છે;
હું ગમે ત્યારે
“આબરા-કા-ડાબરા…” બોલીને
એમાંથી કાઢ્યા કરું છું-
અવનવી રંગબેરંગી કવિતાઓ…!

( રાધિકા પટેલ )

બની ગયો-‘બેજાન’ બહાદરપુરી

બડભાગિયો ખરો તું સૂરજ બની ગયો !
હું કમનસીબ એવો કે રજ બની ગયો !

તું વિહરે ગગનમાં કેવા દમામથી,
ને સ્પર્શવા તને હું ગોરજ બની ગયો !

સરવર જળે રહી હું પંકાયો પંક થઈ,
ને નીરમાં રહી તું નીરજ બની ગયો.

તારી તલાશમાં હું યાયાવરી કરીને,
જો, અન્યની નજરમાં અચરજ બની ગયો.

‘બેજાન’ આવવાનો દઈ કોલ તું ગયો,
સહ્યાદ્રિની હું શાશ્વત ધીરજ બની ગયો.

( ‘બેજાન’ બહાદરપુરી )

વારતામાં-મયંક ઓઝા

સદીઓ ખૂલી રહી છે એક પળની વારતામાં,
દરિયાઓ ઊમટ્યા છે વાદળની વારતામાં.

પ્રત્યેકને મળે છે કેવો મજાનો અવસર !
છે ઘાસનું તણખલું ઝાકળની વારતામાં.

ના થઈ શક્યો વિસામો કે કોઈનો સહારો,
કાંટો મને ય વાગ્યો, બાવળની વારતામાં.

આનંદ, ભય, ઉદાસી, ઉત્સાહ ને હતાશા,
ડોકાય એક સાથે અટકળની વારતામાં.

મેળો ન શબ્દનો છે, ના છે કલમની ચીસો,
હોડી તરી રહી છે, કાગળની વારતામાં.

( મયંક ઓઝા )

આવે છે-ચંદ્રેશ શાહ

મનમાં મબલખ વિચાર આવે છે,
સાંજ હો કે સવાર આવે છે.

જિંદગી છે, જવાબ પણ માગે,
અહીં સવાલો હજાર આવે છે.

જોઈ તારું વદન, વિચારું છું,
પ્રેમ કેવો ધરાર આવે છે.

મૌનનો કેફ રાખજો અકબંધ,
જ્યાં જુઓ ત્યાં બહાર આવે છે !

કામ સારાં તું કર જમા, હે દોસ્ત,
કેમ સિલકમાં ઉધાર આવે છે.

હું સનમનાં સ્મરણ વિષે શું કહું ?
પાનખરમાં બહાર આવે છે !

તું અદબથી ગઝલને ચાહી જો,
દિલમાં બેહદ કરાર આવે છે !

( ચંદ્રેશ શાહ )

લઘુકાવ્યો

૧.
તારી સાથેની પ્રત્યેક પળ
પ્રથમ હોય છે
અંતિમ પણ હોઈ શકે
મારા શ્વાસની અધીરતા
હોય છે તારા સ્પર્શમાં પણ.

( સોનલ પરીખ )

૨.
આકાશમાં વાદળ ઘેરાય
મને યાદ આવે
પ્રેમની અનેક કથાઓ
….અને હું
માથું મૂકું
આ ભીની હવાના ખભે

( સોનલ પરીખ )

૩.
અવઢવ

વરસાદમાં
દાઝેલાને
શાનો લેપ લગાવવો ?
એની અવઢવમાં
ઊભો છે સમય !!

( રાકેશ હાંસલિયા )

ભીતરની વાત-મહેન્દ્ર આર્ય

એવું કેટલુંય છે
જે હું લખી નથી શક્યો…
એવું કેટલુંય છે
જે હું બોલી નથી શક્યો…
પરંતુ
એ બધાયની
મારી ભીતરની ભાષાની
તને તો ખબર છે જ…
કારણ કે
તું અંતર્યામી છે…
અને તને તો
મેં જાણ્યે-અજાણ્યે
બધું જ કહ્યું છે ને…?

( મહેન્દ્ર આર્ય )

રાખ્યો છે-સાહિલ

ક્યાં મને પારોપાર રાખ્યો છે,
ઉમ્રભર ઠારોઠાર રાખ્યો છે.

બાતમીદાર છું-તમારો હું,
તોય કાં બારોબાર રાખ્યો છે.

કોઈ બાજુ જરા ખસી ન શકું,
એટલો ધારોધાર રાખ્યો છે.

ફૂલ સમ મ્હેંકતાં શબદમાં પણ,
ભાર શું ભારોભાર રાખ્યો છે.

ના તૂટું એમ ના શકું વાગી,
એમ તેં તારોતાર રાખ્યો છે.

તેં ખુદા છીનવી ચરણ મારા,
ચોતરફ મારોમાર રાખ્યો છે.

એકલો ક્યાં મને દીધો પડવા,
હર ઘડી હારોહાર રાખ્યો છે.

હોલું ‘સાહિલ’ ભલે વમળ વાયે,
તેં સદા આરોઆર રાખ્યો છે.

( સાહિલ )