Category Archives: પ્રાર્થના

જ્યાં પ્રભુ છે ત્યાં પ્રકાશ હજો – ઇયાન્લા વાન્ઝાન્ટ

તમે જ્યાં છો ત્યાં પ્રકાશ હજો,

પ્રભુ તમે જ મારો પ્રકાશ છો.

 .

તમે જ્યાં છો ત્યાં આનંદ હજો,

પ્રભુ તમે જ મારો આનંદ છો.

 .

તમે જ્યાં છો ત્યાં શાંતિ હજો.

પ્રભુ તમે જ મારી શાંતિ છો.

 .

મારા જીવનમાં અઢળક સુંદર ચીજો-સાચા સંબંધોના અનુકૂળ અનુભવો હજો.

 .

મારે જે દરેક શુભ વસ્તુ જોઈએ છે અને જેની જરૂર છે તે દરેક વસ્તુના તમે જ સ્રોત છો.

 .

મારા મનને તમારા જ્ઞાનના સ્પર્શથી ભરી દો.

 .

પ્રભુ તમે વિશ્વની અગાધ બુદ્ધિનો ખજાનો છો. તમે મારું જ્ઞાન છો. તમારી હાજરીમાત્રથી જ મારા દરેક અનુભવમાં સારા વિચારો, કાર્યો અને પ્રતિભાવો મને યોગ્ય માર્ગે દોરે છે.

 .

તમે મારાં હૃદય અને મનને અને આસપાસના સર્વ કોઈને પ્રેમથી છલકાવી દો.

 .

પ્રભુ તમે તો પ્રેમસ્વરૂપ છો-મારા આત્માના ઊંડાણમાંથી ઊતરી સર્જન અને નવસર્જનની પ્રક્રિયા કરો છો.

 .

તમારી સંનિધિના સ્પર્શથી મારા દેહને ઓજસથી, તેજ અને સ્વસ્થતાથી ભરી દો.

 .

મારા જીવનને તમે સદ્દભાવ, શાંતિ, આનંદ અને દિવ્ય પ્રકાશથી ભરી દો.

 .

આ સારું છે તે જ પ્રભુ છે.

પ્રભુ તમારો આભાર માનું છું.

ખૂબ ખૂબ આભાર.

 .

હે પ્રભુ હજુ હું કંઈ યાચના કરું એ પહેલાં તો તમે ઉકેલ આપી જ દો છો-આ માટે આભાર માનવો જ રહ્યો.

 .

મારા અસ્તિત્વની વાસ્તવિકતા અને જાગૃતિ આપવા માટે હું તમારી ખૂબ ઋણી છું.

 .

એમ જ હોવું જોઈએ.

 .

એમ જ છે.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારા વહાલા પ્રભુ,

 .

તમે જે આજનો દિવસ બનાવ્યો છે તેનો મને પણ એક અંશ બનાવવા માટે હું તમારી ખૂબ આભારી છું.

 .

આજનો દિવસ બીજા કોઈ પણ દિવસ કરતાં જુદો છે અને મને તમે ફરી પાછી એ માણવાની તક આપી તે માટે તમારો હૃદયપૂર્વક આભાર.

 .

આજે હું મારી જાતને સંપૂર્ણપણે તમારે હવાલે મૂકું છું.

 .

હું આજે શ્રદ્ધા અને આનંદથી તમારી સરભરા કરીશ. મારાં સાંસારિક અને આધ્યાત્મિક કર્મોની લેણદેણનો હિસાબ પૂરો થશે. આજે હું એમાંથી મુક્ત થઈશ એનો કેટલો આનંદ છે !

 .

આજના આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે ભયથી, શંકાથી, ગુસ્સાથી, શરમથી, અપરાધની લાગણીથી અને નકારાત્મક વિચારો અને પ્રયોજન વગરનાં કાર્યોથી મુક્તિ પામીશ. એ માટે તમારી ખૂબ આભારી છું.

 .

આજનો જે મહાન દિવસ હું જોઈ શકી છું, તમે મારે માટે જે જીવન સર્જ્યું છે તે પારાવાર શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક તમારા ચરણોમાં ધરીશ.

 .

શાંતિ, આનંદ, સભરતા, વૈપુલ્ય અને સર્જનાત્મક કાર્યોનું આ જીવન છે.

 .

ઈશ્વર આ તમારો દિવસ

 .

મારો દિવસ

 .

મને આ દિવસ આપવા માટે ખૂબ ખૂબ આભાર પ્રભુ.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – સુરેશ દલાલ

અમે તારી પાસે માગીમાગીને માગીએ છીએ શું ? અમે અશક્તિમાન છીએ અને તું શક્તિમાન. એથી તો તું ભગવાન. અમારી નિર્બળતાને અમે બરાબર જાણીએ છીએ. હે પ્રભ ! તું અમને મન-વચન-કર્મની એકતા આપ. અમારામાં અસંખ્ય વિરોધો અને વિરોધાભાસો છે. અમને સંવાદિતા આપ-પછી પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતા આપોઆપ પ્રકટશે. અમારો ચહેરો સોનાનો હોય અને પગ માટીના હોય એ અમારાથી સહેવાતું નથી. તું અમને માટીપગા ન બનાવ. તારે રસ્તે ચાલીએ એવું અમારા ચરણમાં બળ આપ-અને તારે રસ્તે યાત્રા કરતાં કરતાં ચહેરો સુવર્ણનો થતો જાય અને અમે જ અમારા આકાશમાં તારો સૂર્ય થઈને પ્રકટી શકીએ એવી શક્તિ-ભક્તિ આપ.

 .

તારા વિના હરું છું, ફરું છું, હળું છું, ભળું છું, આ સંસારમાં મોકળે મને મહાલું છું, લાખ લોકના ટોળામાં ટોળાઉં છું, ખુશીનાં ગીતો ગાઉં છું-પણ કોણ જાણે કેમ એ ઉપરછલ્લું લાગે છે. મને પણ ખબર ન પડે એમ તું ક્યાંક ભીતર પ્રવેશી ચૂક્યો છે. એકાદ ક્ષણ તારી ઝાંખી થઈ છે. એકાદ ક્ષણ તારી ઝલક જોઈ છે. પછી મારી આંખ તને બધે જ શોધ્યા કરે છે. મારી આ શોધ ચાલ્યા જ કરે છે. મને લાગે છે કે તારી આ તલાશ એ કદાચ મારી પ્રાર્થનાનું સ્વરૂપ જ હોય. હું મને પૂછ્યા કરું છું કે આ બધું છે શું ? તું મને મળશે ક્યારે ? પ્રશ્ન થઈને આવતી મારી પ્રાર્થના તારા મહેલના સુવર્ણ દરવાજાને પણ પહોંચે છે ખરી ?

( સુરેશ દલાલ )

પ્રાર્થના – સુરેશ દલાલ

આ સમગ્ર વિશ્વ તારું છે તો અમે કેમ તારા નહીં ? તારા પરનો અમારો અધિકાર ચૂકવા માગતા નથી. તારા દરિયામાં મારે માછલી થઈને તરવું હોય તો હું પરવાનગી લઈશ નહીં. તારા વૃક્ષ પર મારે પંખી થઈને ટહુકવું હોય તો હું તને પૂછીશ નહીં. તારા હોઠ પર હું પ્રકટીશ સ્મિત થઈને અને ગીત થઈને. મારે તો કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક રૂપે તારી સાથે રહેવું છે, જીવવું છે. ફૂલ અને ફોરમની જેમ, આકાશ અને વાદળની જેમ. તારે ક્યારેક વીજળીની જેમ દર્શન આપવાં હોય તો આપજે. હું ધરતી છું-તું વરસાદ થઈને આવ. તરસવાનો અને વરસવાનો આપણો સંબંધ સનાતન છે. હું તરણું થઈને પણ આકાશના સિતારા સામે મીટ માંડી શકું છું અને વાત કરી શકું છું, મારી આ અગાધશક્તિ એ તારી કૃપાનું જ પરિણામ.

.

એક દિવસની વાત છે-પણ આ માત્ર એક દિવસ પૂરતી નથી. હું તો મારે બેઠો હતો મારા ઘરના હિંડોળે. મનમાં તારું સ્મરણ ધૂન મચાવતું હતું. ઓચિંતાનું જ ક્યાંકથી ઊડતું ઊડતું મોરપિચ્છ મારી બાજુમાં જ આવ્યું. મને થયું કે આ કેવો ચમત્કાર કે તારું નામ મારા મનમાં અને તું છે મારી જ પાસે. એના સંકેતરૂપે આ મોરપિચ્છ. તું પણ અમને યાદ કરે છે એવું કહેવાની તારી આ રીત તો નથી ને ! માણસ આટલા ઊંડાણપૂર્વક જીવે તો એને ક્યાંકથી ને ક્યાંકથી તારા હોવાપણાની પ્રતીતિ મળે છે. એટલે જ કહું છું કે આ એક દિવસની વાત છે-પણ આ વાત માત્ર એક દિવસ પૂરતી નથી.

.

( સુરેશ દલાલ )

પ્રાર્થના – સુરેશ દલાલ

ચિક્કાર વરસાદ પડી ગયો છે. ખૂબ તાપ પછી ધરતી ભીની ભીની થઈ ગઈ છે. ધરતી વરસાદને પ્રતિભાવ આપી રહી છે પોતાની સુગંધથી. વિરહના સંતાપ પછી ભક્તને હરિનાં દર્શન થાય અને પછી જે શાંતિ-પ્રશાંતિ અનુભવાય એવું એક અવર્ણનીય આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. મિલનનાં આંસુની જેમ વૃક્ષનાં ડાળ-પાંદડેથી બુંદ પર બુંદ ટપકી રહ્યાં છે. હરખની લીલાશ જીરવાતી નથી. આટલો બધો આનંદ ધરતી અને આકાશને ક્યારેય થયો નથી. મેઘધનુષના રંગો મોરપીંછની જેમ આટલા બધા સુંવાળા સુંવાળા કેમ લાગે છે ? એનો જવાબ રાધા પાસે છે, મીરાં પાસે છે. ભગવાન પાસે તો માત્ર છે હૂંફાળું સ્મિત.

 .

શ્રદ્ધા હોય તો પૂરી હોય, અધૂરી હોય. હોય તો સૂરીલી હોય, બસૂરી ન હોય. અમે મનુષ્યો અટવાયા કરીએ છીએ. અથડાયા કરીએ છીએ શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના અંધકારમાં. અમને આ અંધકારમાંથી પ્રકાશ તરફ વાળવાની જવાબદારી કોની ? બધું તારે માથે નાખીને છૂટી કે છટકી જવું નથી. આ અમારી મથામણ, અથડામણમાં અમે ગતિ કરી રહ્યા છીએ એ પણ એક સત્ય છે. તું અમને ક્યાંક પહોંચાડ. ગતિ અમારી, તું અમને દિશાસૂચન કર. અમને ખબર છે કે અમે અપૂર્ણ છીએ-અમને અમારી અપૂર્ણતામાંથી પૂર્ણતાની ગતિ તરફ લઈ જા. હે ઈશ્વર ! અત્યારે તો આપણી વચ્ચે છે અજાણી આત્મીયતા. તું અમને અમારી ઓળખ આપ, એ જ રીતે તારી પણ ઓળખ આપ.

( સુરેશ દલાલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

અમારી અપૂર્ણતા સાથે અમને સ્વીકારો, તારી અખંડતાના ઓજસ આંખે આંજીને અમારી નગણ્યતાને અમે ઓળખી શકીએ એવી નમ્રતામાં અમને જગાડો અને જીવાડો.

તારા અમીવર્ષણમાં અમે આનંદે છલોછલ થઈએ એવી વિશાળતાનું અમને વરદાન હો, હે દેવ !

પ્રસાદ

નિરાકાર એ નિત્ય, નૂતન, અખંડ નર્તનની દિવ્ય આનંદ અનુભૂતિ, સીમામાં બાંધી ન શકાય તેવી સંપૂર્ણ હૃદયસ્પંદના.

(૨)

હે નાથ,

તું સર્વત્ર, તારાથી બધું જ સભર એવી શરણાગતિ સાથે સર્વને હૃદયમાં સમાવી શકીએ અને સંતોષમાં સજાવી શકીએ એવા આચરણમાં અમને દોરી જાઓ. તારું જ તને અર્પણ કરીએ છીએ એવી આનસક્તિમાં અમે આનંદીએ એવા ઉજાસમાં અમને સ્થિર કરી દો, હે દેવ !

પ્રસાદ

જડેલું જીવે એ જીવ, જડેલું જ્યાં જાહેર થાય એ જગત અને આ બન્નેને જે જીરવે, જાળવે અને જીવાડે એ જગદીશ.

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

સ્પર્શ,

અણુએ અણુમાં વ્યાપી જતી,

પૂરા પામી જવાની

પ્રવાહી ઘટનાનું નામ સ્પર્શ !

એકત્વની આરાધનાનું પ્રથમચરણ

અને પૂર્ણ અદ્વૈતનું મૌન શિખર

એ જ સ્પર્શ.

પૂર્ણ સ્પંદને નિ:સ્પંદીત ચેતના

એ જ સ્પર્શ પ્રકાશ !

 .

તું જ્ઞાન, અંધકાર અમે !

 .

(૨)

ક્ષણ,

સમયનું પરમસત્ય

એ જ ક્ષણ.

‘હતું’ અને ‘હશે’ની વચ્ચે

‘હોવું’ની વાસ્તવિકતા

એ જ સત્યક્ષણ.

અખિલાઈએ ક્ષણની ઓળખ,

ક્ષણનું અનુસંધાન અને

ક્ષણનો આનંદ

એ જ ક્ષણ સાક્ષાત્કાર !

 .

તું અનંત, અંત અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – સુરેશ દલાલ

આટઆટલી પ્રાર્થના કરું છું, હવે તો તારે પીગળવું જોઈએ, મારી મા ! હું સતત તારી સાથે ચૈતન્યની ભૂમિકા પર જીવું છું. તારી સાથે હસું છું, રડું છું. તને કાકલૂદી કરું છું. તારી સાથે લાડ કરું છું. મારી પહાડ જેવી ભૂલને કબૂલું છું અને છતાંય તું ન પીગળે એ હું માની ન શકું. મા જો પોતાના સંતાનને વહાલ નહીં આપે તો કોણ આપશે ? મારે તારા ખોળામાં રમવું છે. તારા પાલવ પાછળ છુપાઈ જવું છે. તું મારી મા છે. મારા ચહેરાને તારી ચૂમીથી સભર સભર કરી દે. હું તારા વ્હાલનો ભૂખ્યો છું. મારી કોઈ ભૂલચૂક હોય તો તું કાયમને માટે મને માફ કરી દે. મારી આસપાસના જે કોઈ સંબંધો હોય એને સુખનો અનુભવ આપ. એને આપ તારા હોવાપણાની પ્રતીતિ અને ઊંડી અનુભૂતિ. માતાથી મોટો કોઈ વિશ્રામ નથી બાળક માટે. બાળકના આનંદનો મહિમા જેટલો માતાને હોય છે એટલો કોઈને હોતો નથી. તું મારી માતા છે, તું અમારી વિધાતા છે.

 * * *

હવે તો હું મારાથી થાક્યો છું એના કરતાં તારાથી વધુ થાક્યો છું. તું કાંઈ સાંભળતો જ નથી.સમજ નથી પડતી કે તારી સાથે વાત કરું છું કે દીવાલ જોડે ? માણસને સાંકેતિક રૂપે પણ પ્રતિભાવ તો મળવો જોઈએ ને ! હું સતત તારું સ્મરણ કરૂં તો ક્યાંક ને ક્યાંક તારે દેખાવું જોઈએ. હું સંતપ્ત હોઉં તો તું શીતળ લહેરખી થઈને આવી શકે. હું બારી ખોલું ત્યારે ચિક્કાર ધુમ્મસ હોય અને તને સૂર્યકિરણ થઈને પ્રવેશવાની ઝંખના કેમ ન જાગે ? તારે આવવું હોય તો રસ્તા અનેક છે. પણ, આવવું હોય તો ને ! ન આવવું હોય તો ન આવતો – જિંદગી તેં જ આપી છે – તો તારા વિના અમે જીવી જઈશું. જિંદગીને ચાહીશું અને અમે વફાદાર રહીને તમારો દ્રોહ નહીં કરીએ.

 .

( સુરેશ દલાલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૃત્યુ,

અમૃત સરોવરમાં ઝબકોળાઈ

નવા નક્કોર થવાની ઘટના

એ જ મૃત્યુ !

જન્મ જન્માંતરના

અવિરત પ્રવાહે

ઓળખ બદલવાની વિરામ ક્ષણ

એ જ મૃત્યુ.

જિંદગીનું એકમેવ નિશ્ચિત

સનાતન સત્ય

એ જ મૃત્યુ.

 .

તું અમૃત, અનિત્ય અમે !

 .

(૨)

શબ્દ,

જાણભેદુની હાથવગી,

હૈયાવગી ઓળખ એ જ શબ્દ.

ઊર્મિઓના ઉત્સવનું સાવ સહજ,

સરળ આંગણું એ જ શબ્દ.

કરણીની એરણ ઉપર શબ્દ ઘડાય

એ જ શબ્દોત્સવ !

શબ્દ ચેતનાના ચમકારે

જાતને ઓળખી જવાની

‘પાનબાઈ’ રમતનું નામ

શબ્દબ્રહ્મ સાક્ષાત્કાર !

 .

તું અર્થ, અક્ષર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૌન,

અ-મનના અફાટ વિસ્તારે સ્થિર

ચૈતન્યદીપ એ જ મૌન !

પ્રકૃતિના પ્રવાહે આયાસ

વિહીન તરણ

એ જ મૌન.

અનંત સાથે એકાકાર થઈ ગયેલ

અસ્તિત્વનો અનાહત નાદ

એ જ મૌન.

પૂર્ણ પ્રફુલ્લિત શબ્દ પુષ્પનો

નયનરમ્ય, સુગંધીત ગુચ્છ

એ જ મૌન !

 .

તું કીર્તન, કરતાલ અમે !

 .

(૨)

સંસ્કાર,

અનુભવની એરણ અને સમજણના

હથોડે ઘડાયેલ ઘાટના સમગ્ર સૌંદર્યની

ઓળખનું નામ સંસ્કાર.

અંદર જે પડેલું છે તેનો ઉજ્જ્વલ ઉઘાડ

એ જ સંસ્કાર.

કેળવણીની ખેડ, પુરુષાર્થનું પાણી,

સાતત્યના સલીલે અને પ્રેમની માવજતે

અંદરનું સત્વ પાક રૂપે લહેરાય

એ જ સંસ્કાર !

 .

તું વૈભવ, વસ્ત્ર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )