પ્રાર્થના

હું તારી સંમુખ ઊભો રહીશ – રવીન્દ્રનાથ ઠાકુર

.

હે જીવનસ્વામી, હું દરરોજ તારી સંમુખ ઊભો રહીશ. હે ભુવનેશ્વર, બે હાથ જોડીને હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા અપાર આકાશ તળે વિજનમાં એકાંતમાં નમ્ર હૃદયે આંખમાં અશ્રુ સાથે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ વિચિત્ર વૈવિધ્યસુંદર ભવસંસારમાં કર્મ-પારાવારને તીરે નિખિલ જગજ્જનોની વચ્ચે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ સંસારમાં જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યારે હે રાજેશ્વર, હું એકલો નીરવે તારી સંમુખ ઊભો રહીશ.

 .

* * * * * * * * *

 .

હે અંતર્યામી, રાત્રે સૂતાં સૂતાં હું વિચારી રાખું છું કે પ્રભાતમાં આંખ ખોલતાં તને હું પહેલાં જોઈશ.

 .

હે અંતર્યામી, જાગીને શુભ્ર પ્રકાશમાં બેસીને, પુલક સાથે તારે ચરણે નમીને, હું મનમાં વિચારી રાખું છું કે દિવસનાં કાર્યો, હે સ્વામી, હું તને સોંપીશ.

 .

દિવસના કાર્યો કરતાં કરતાં હું ક્ષણે ક્ષણે મનમાં વિચારું છું કે કાર્યને અંતે સંધ્યા સમયે હું તારી સાથે બેસીશ.

 .

હે અંતર્યામી, સંધ્યા સમયે હું ઘરમાં બેસીને વિચારું છું કે તારા રાત્રિના વિરામ સાગરમાં થાકેલા પ્રાણની બધી ચિંતા અને વેદના ગુપચુપ ઊતરી જશે.

 .

( રવીન્દ્રનાથ ઠાકુર, અનુ: નગીનદાસ પારેખ )

Share

ઝંખના – પલ્લવી શાહ

.

પ્રિય, જ્યારે તું બોલે છે અને હું સાંભળ્યા કરું છું ત્યારે કદાચ તને એમ લાગતું હશે કે આ સામો જવાબ કેમ નથી મળતો ? મારા ઝરણાના સંગીતને, પક્ષીઓના કલરવને વીજળીના ચમકારને, વાદળાંના ગડગડાટને, વરસતા મેહુલાને, સમુદ્રના મોજાઓનાં મંથનને, ઋતુઓના બદલાવને, દરેક સંગીતને, અવાજને જાણે જોઈ રહી છે કાં તો એને સંભળાતું નથી, કાં તો એને સમજણ પડતી નથી, પણ એવું નથી દોસ્ત, હું આ બધું સાંભળી, જોઈ, એને હૃદયમાં સમાવવાની મથામણમાં પ્રતિસાદ આપવાનું જ ભૂલી જા ઉં છું. આટલાં ખોબલા જેટલા હૃદયમાં વિશાળ મંથનને સમાવવું કાંઈ સહેલું છે ? વસંતના આગમનની રાહ જોઈ થાકેલા પંખી, પશુ, ઝાડ, પાન જ્યારે તેનું આગમન થાય ત્યારે કેવાં મોરી ઊઠે છે ? વાદળાનો ગડગડાટ સાંભળી મોર, ચાતક વગેરે ભીની માટીની મહેંકથી મહેકી ઊઠે છે. તેમ એક વખત ધરતીનું આ મહાન કાવ્ય મારામાં સમાવી હું ખુદ એક કાવ્ય બની જઈશ. માટે તું પણ રાહ જો અને મને તારો હૂંફાળો સાથ આપ કે તારી ઈચ્છાઓ હું પૂરી કરી શકું.

.

.

સવારના જ્યારે પક્ષીઓ તારા નામના પ્રભાતિયાં ગાઈને મારી આંખો પરથી નિંદરનો ભાર હળવો કરે છે ત્યારે હું મારી બારીએ આવું છું અને સૂર્યના પ્રથમ કિરણ જેવા પક્ષીઓનાં ગાનને મારા હૃદયમાં સમાવું છું. આંખો બંધ કરી હું પણ પક્ષી બની જાઉં છું અને એની સાથે સાથે તારા પ્રભાતિયાં ગાવા લાગું છું. પંખીની સાથે હું પણ પાંખો ફફડાવીને ઊડીને હું તારી પાસે આવું છું. આપણે બન્ને ખૂબ વાતો કરીએ છીએ અને હું પાછી મારી બારીએ આવીને આંખો ખોલું છું ને આ સમગ્ર વિશ્વ મને સ્વર્ગ જેવું લાગે છે ને હવે હું મારા ગાનથી આ વિશ્વને ભરી દેવા માંગુ છું.

.

( પલ્લવી શાહ )

Share

ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર

.

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ.

 .

ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં બધાં કાળાં કલંકને એ પલકમાં સોનું બનાવી લો.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

હું જેટલાં દીપ સળગાવું છું તેમાં કેવળ જ્વાળા અને કેવળ કાજળ હોય છે. મારા ઘરના બારણા ઉપર તારાં કિરણો વર્ષાવ.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

* * * * * * * * * *

.

હે પ્રભુ, જો મારું આ હૃદયદ્વાર કોઈ વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ દિવસ આ વીણાના તાર તારું પ્રિય નામ ન ઝંકારે તો તું દયા કરીને ક્ષણેક ઊભો રહેજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર તારા આહવાનથી મારી ઊંઘનું ઘેન ન ઊડી જાય, તો તું મને વજ્ર-વેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર હું તારા આસન ઉપર બીજા કોઈને પણ જતનપૂર્વક બેસાડું, તો હે મારા ચિર કાળના રાજા, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

Share

…સાચવજે સમો, વા’લા ! – લલિત ત્રિવેદી

.

નદીયું થાય જો રઘવાઈ, સાચવજે સમો, વા’લા !

ખમી ખાવાને દેજે લાઈ, સાચવજે સમો, વા’લા !

.

દીધી છે રત તો સત દેજે, ને ગત દીધી તો મત દેજે

અને દેજે ઝીણી જિવાઈ, સાચવજે સમો, વા’લા !

 .

વિતાવું છું જો દાણો રાઈ તો માગે છે ઈ વનરાઈ

બહુ પહરી છે કહ્યાબાઈ, સાચવજે સમો, વા’લા !

 .

સખીના ચહેરાની લટ છે, સમું ઘૂંટાઈ તો રટ છે

ઝૂરણ દેજે ને દેજે ઝાંઈ, સાચવજે સમો, વા’લા !

 .

છે એક બાજુ શરીરાઈ… બીજી બાજુ છે પરછાંઈ

ને વચમાં વસમી છે અધૂરાઈ, સાચવજે સમો, વા’લા !

 .

( લલિત ત્રિવેદી )

Share
Powered By Indic IME