પ્રાર્થના

એક વાર શ્રદ્ધાથી – એઈલીન કેડી

.

ડિસેમ્બર ૩૧

 .

એક વાર શ્રદ્ધાથી તમે આગળ પગલું ભર્યુઁ કે કદી પાછળ વળીને જોતાં નહિ, પાછળ જે છોડી દીધું હોય તેના વિશે અફસોસ કરતાં નહિ. માત્ર અત્યંત અદ્દભુત ભવિષ્યની અપેક્ષા રાખો અને એ સાકાર થતું જુઓ. જૂનું બધું પાછળ છોડી દો. એ સમાપ્ત થઈ ગયું છે. તમે જે પાઠો શીખ્યાં છો અને તમને જે અનુભવો મળ્યા છે તે બદલ કુતજ્ઞ રહો. આ બધી બાબતોએ તમને વિકસવામાં મદદ કરી છે અને વધુ ઊંડી સમજ આપી છે, પણ કદી એને વળગી રહેવાનો પ્રયત્ન કરતાં નહિ. તમે પાછળ જે છોડીને આવ્યાં છો તેના કરતાં, તમારે માટે જે તૈયાર થઈ રહ્યું છે તે ક્યાંય વધારે અદ્દભુત છે. તમે તમારું જીવન સીધું મારા જ માર્ગદર્શન અને દોરવણી હેઠળ મૂક્યું હોય ત્યારે કશું ખોટું શી રીતે બની શકે ? પણ તમે આગળ પગલું ભરો પછી વિમાસણ અનુભવો કે મેં યોગ્ય કર્યુઁ કે નહિ, અને શંકા ને ભયને અંદર પ્રવેશવા દો, ત્યારે વસ્તુઓ તમને ઘેરી વળવા લાગે છે અને તમે તમારા નિર્ણયના ભાર તળે દબાઈ જાઓ છો. એટલે લગામ છોડી દો, ભૂતકાળને છોડી દો, અને તમારા હૃદયમાં પ્રેમ અને કૃતજ્ઞતા ભરીને આગળ વધો.

.

( એઈલીન કેડી, અનુવાદ : ઈશા કુન્દનિકા )

Share

હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ

રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે

બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે.

તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું

મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.

 .

અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી,

તમે તો બધું જાણો જ છો

અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે

પછી કદાચ એની જરૂર ન રહે.

 .

અનાદિકાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ

અજ્ઞાન અને ઈચ્છાઓનાં બંદી છીએ

સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે

દુન્વયી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે.

આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે

તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.

 .

જીવન તો છે એક નિરંતર વહેતી નદી

કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.

પણ અમે વસ્તુમાં, વિચારમાં, વલણોમાં અટકી પડીએ છીએ

ત્યારે સ્થગિત બની જઈએ છીએ

મૃત્યુના પ્રદેશમાં મલિન બનીને રહીએ છીએ.

 .

સકળ દ્રશ્યમાન જગત એક આનંદપૂર્ણ લીલા છે

અમે અમારા કે ન્દ્રમાંથી બહાર નીકળી

જીવન સાથે વહી શકીએ

તો આ લીલાના ભાગીદાર બની શકીએ;

પછી બધી જ ઘટના એક ખેલ બની રહે,

સુખ આપો ને દુ:ખમાંથી બચાવો તે તમારી કૃપા છે,

તો સંકટ આપો ને દરિયામાં ડુબાડી દો તે પણ

તમારી જ કૃપા છે એમ સમજી શકીએ,

અમને વિશ્વાસ રહે કે બધું તમારી દ્રષ્ટિમાં જ છે.

 .

સત્તાસ્થાને વિરાજતા મનુષ્યમાં

અને રસ્તે રઝળતા ઢોરમાં

તમે જ રહેલા છો.

 .

અમારા અજ્ઞાન અને ઈચ્છાના અંધ પડદાને સળગાવી મૂકો

અમારા કોચલાને તોડી નાખો

અમે ગમે તેટલા ક્ષુદ્ર હોઈએ, તમે સમર્થ છો

તમારી ભક્તિ અમને સામર્થ્યવાન બનાવે છે.

 .

કોઈ ઘર એવું દરિદ્ર નથી, જ્યાં તમારાં પગલાં ન પડે

કોઈ હૃદય એવું જડ નથી, જ્યાંતમારું નામ ન સ્પંદે

કોઈ ક્ષણ એવી સામાન્ય નથી, જે તમારા સ્મરણથી આલોકિત ન થાય.

 .

આ નીરવ રાતે સમય શાંત છે

મને ભાન થાય છે કે હું એકાકી નથી

કોઈના સમીપ હોવાનો હું સઘન અનુભવ કરું છું

એ કોઈ તે તમે છો, ભગવાન !

 .

( કુન્દનિકા કાપડીઆ )

Share

પ્રાર્થના – સુરેશ દલાલ

એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું. આપણે એક કેવી રીતે થઈ શકીએ એ જ મારા ચિંતન, મનનનો પ્રશ્ન છે. તારા સરોવરમાં મારે કમળ થઈને ઊગીને મારે જલકમલવત નથી રહેવું. મારે તો કરવું છે તારા સરોવરમાં સ્નાન. જ્ઞાન નથી જોઈતું. મને તો જોઈએ છે તારામાં તરબોળ થઈ શકું એવી ભક્તિ કે જેથી કોઈ જુદાપણું કે જુદાઈ આપણી વચ્ચે રહે જ નહીં.

 .

મધરાતનો સમય છે. મેં પ્રકટાવ્યો છે એક દીવો. અંધકારનો મરજીવો હોય એમ હવે એ સળગે છે પોતાની મેળે, જીવે છે પોતાને બળે અને તારી કૃપાએ. આ દીવો – એને કોઈ નામની જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ પ્રતીક્ષા છે. એ રાહ જોયા કરે છે – માત્ર તારી, જેથી જ્યોતમાં જ્યોત મળી જાય. એની પાસે માત્ર આટલી જ મિરાત છે અને એ જીવવા માટે પૂરતી છે. આ મિરાતના નામની પણ જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ ધીરજ અને શ્રદ્ધા. મધરાતનો સમય છે. એની જ્યોતમાંથી જ પ્રકટ થશે એક સુવર્ણમય સૂરજ. તું સૂરજ અને હું સૂરજમુખી.

 .

( સુરેશ દલાલ )

Share

પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ

.

પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે

ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે

સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે

દેન છે, મમતાના પાશે બંધાવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે

અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે

જાતને સકળ જગતથી દૂર કરી દે

 .

જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ

તુકાને ઠેકાણે એના સઘળા અણસાર

 .

( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )

 .

[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]

Share
Powered By Indic IME