બ્લોગ વિશે

જન્મદિવસ

૩૫૧ પોસ્ટ

૯૨૫ પ્રતિભાવ (કોમેન્ટ)

૩૩૫૮૫ પ્રતિસાદ (ક્લીકસ) અને

૩૬૫ દિવસ

………………

હા, આજે “મોરપીંછ”નો પ્રથમ જન્મદિવસ છે.

Untitled-11

એક વર્ષ એ આમ જોઈએ તો બહું ટૂંકા સમયની વાત છે. પણ માણસ ધીમે ધીમે ચાલે તો પણ ઘણો આગળ નીકળી જાય છે. મને પણ ધીમે ધીમે ચાલતાં એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું તેનો ખ્યાલ ન રહ્યો. હજુ હમણાં જ તો મેં ગુજરાતી ટાઈપ શીખવાની શરૂઆત કરી અને હમણાં જ તો મોરપીંછની શરૂઆત કરી એવું મને થાય છે.

પોસ્ટની શરૂઆતમાં જ મેં આંકડાની થોડી માયાજાળ રજૂ કરી. પણ ખરેખર તો સાહિત્ય પ્રતિભાવ(કોમેન્ટ)  કે પ્રતિસાદ(ક્લીકસ)ને મોહતાજ નથી. સાહિત્ય તો એ બધાથી ઉપર છે અને હંમેશા રહેશે.

બ્લોગ બનાવવાથી માંડીને બ્લોગને અપડેટ કરવામાં સતત બ્લોગર્સ મિત્રોનો સહકાર મળ્યો છે. તે માટે હું ધવલભાઈ શાહ, કુણાલ પારેખ, જિજ્ઞેશભાઈ અધ્યારુ, અમિત પાંચાલ અને વિનયભાઈ ખત્રીનો ખાસ આભાર માનું છું. જે જાણ્યા-અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ મારા બ્લોગની મુલાકાત લીધી અને કવિતાને માણી તે બદલ તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું. આખરે બ્લોગ તો સાહિત્યપ્રેમીઓ માટે જ છે.

ક્યાંક એવી ચર્ચા પણ થઈ હતી કે રોજ બ્લોગ પર પોસ્ટ ના થાય તો શું આભ ટૂટી પડવાનું હતું? આ વાત એકદમ સાચી છે. આભ તો ટૂટી ના પડે. પણ આ બહાને હું નિયમિત રહી અને મને અનેક કવિતામાંથી પસાર થવાની તક મળી જે મારા માટે ઘણી સુખદ વાત છે. પુસ્તકો વાંચવાના હોય કે ખરીદવાના હોય…મારી પ્રથમ પસંદગી હંમેશા નવલકથા જ રહી છે. પણ બ્લોગના કારણે કવિતાના વિશ્વમાં ડોકિયું કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. જે અવિસ્મરણીય છે.

જ્યારે મને એ જાણવા મળ્યું કે બીજાના બ્લોગ પરથી કોપી કરીને કે કોઈની કૃતિ પોતાના નામે ચડાવીને અમુક બ્લોગ ચલાવવામાં આવે છે ત્યારે મને બહુ દુ:ખ થયું. હજુ આજે પણ એવા કોઈ કોપી કાર્ય વિશે જાણવા મળે છે ત્યારે વિષાદ અનુભવું છું. આ બધાની વચ્ચે પણ મારે તો સાહિત્ય પ્રત્યે પ્રામાણિક રહેવું જ હતું. મારા બ્લોગ પર પોસ્ટ કરેલ તમામ રચના મેં જાતે શોધીને, જાતે ટાઈપ કરીને મૂકી છે એ વાતનો મને આનંદ છે.

મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. પ્રતિભાવ આપો કે ના આપો…પણ કવિતાને જરૂર માણજો. કોઈ એક કવિતાની એક પંક્તિ પણ તમારા હ્રદય સુધી પહોંચી શકે તો તેમાં હું મારી મહેનતને સફળ ગણીશ.

હિના પારેખ “મનમૌજી”

Share

મારે પણ કંઈ કહેવું છે…

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

મને ગમતી રચનાઓ હું ક્ર્મશઃ પોસ્ટ કરીશ. અને તે પણ બની શકે તો જે તે સજૅકના નામ સાથે. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં એવું પણ બને છે કે Copy & Paste કરીને જાણીતા સજૅકની રચના પોતાના નામે ચડાવી દેવામાં આવે છે. જે ખરેખર ઘણી ગંભીર બાબત છે.

 

મારા બ્લોગ પર પોસ્ટ થનાર તમામ રચનાઓના નામી-અનામી સજૅકોનો હું અગાઉથી આભાર માનું છું. તેઓની કલમની કમાલ વગર આ બ્લોગનું અસ્તિત્વ ન હોત.

 

બ્લોગ બનાવવા માટે મને માગૅદશૅન આપનાર શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com) નો પણ હું ખાસ આભાર માનું છું.

 

હું સાહિત્યીક ગુલાલ વડે આપસૌનું સ્વાગત કરું છુ. ચાલો ત્યારે આપણે સહુ એ ગુલાલમાં રંગાઈએ.

Share
Powered By Indic IME