Category Archives: Uncategorized

આધુનિક લોકગીત – સુરેશ દલાલ

.

જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો

દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો

.

કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો

ચેકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો

 .

કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો

અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો

 .

ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો

ટ્યુબલાઈટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો

 .

પ્રેમબેમનું નામ અહીં નહીં : મૂગા મરજો

કામ, કામ, ને કામ રહ્યાં અહીં : મૂગા મરજો

 .

( સુરેશ દલાલ )

ડૂબવામાં પણ મઝા – હરીશ પંડ્યા

ઓ કિનારે બેસનારાં, ડૂબવામાં પણ મઝા છે,

હાથ આવી જાય મોતી, લૂંટવામાં પણ મઝા છે.

 .

રાત આખી તેં પ્રતીક્ષા આમ બેસીને કરી છે,

ને સવારે એ જ બારી, ખૂલવામાં પણ મઝા છે.

 .

હોય માળી બાગમાં એથી કહોને શું થયું રે,

ફૂલ સુંદર એક છાનું ચૂંટવામાં પણ મઝા છે.

 .

જામ લેતાં હાથ ધ્રૂજ્યો ને ઢળી મદિરા જરી તો,

ઘૂંટ કેવળ પી શક્યો બે, ખૂટવામાં પણ મઝા છે.

 .

વાટમાં તોફાન સાગમટે ફળે-ની શક્યતા પણ,

જિંદગી દાવે લગાવી, ઝૂઝવામાં પણ મઝા છે.

 .

( હરીશ પંડ્યા )