ઘણી ખમ્મા!-હર્ષા દવે
દેવશયની એકાદશી-વૈભવી જોષી
જગન્નાથજીની રથયાત્રા-વૈભવી જોષી
ગુપ્ત નવરાત્રિ-વૈભવી જોષી
आषाढस्य प्रथम दिवसे-લાલજી કાનપરિયા
વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
.
મોરપીંછના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आषाढस्य प्रथम दिवसे..
વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
.
હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનું શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે..
લોહી સોંસરો ઉઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
.
( લાલજી કાનપરિયા )
અષાઢસ્ય પ્રથમ દિવસે-નિશિ સિંહ
ચાર ચાર મહિના તર ગાજે !
બીજ અષાઢી ભીતર ગાજે !
.
ગાજે મેઘાડંબર ગાજે !
મેઘદૂતમ તણા જર ગાજે !
.
ઓકળીયું અકળાય સજનવા,
વીજલડીનાં મંતર ગાજે !
.
કાલિદાસીય ખંડકાવ્યનાં,
શૃંગારોની જંતર ગાજે !
.
ઊંઘુ – જાગું, જાગું – ઊંઘુ,
ગૂંથી વેણીનાં સ્વર ગાજે !
.
મેઘ મલ્હાર, ઘટા ઘનઘોર,
પાંખે પંખીની ડર ગાજે !
.
શામળિયો તો ગોકુળિયે ને,
નખશિખ મોરે હરિવર ગાજે !
.
( નિશિ સિંહ )
મને ચડી ગઈ-દાન વાઘેલા
મને ચડી ગઈ રોમ-રોમ ટાઢ !
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહીં-
ઓચિંતો ત્રાટક્યો આષાઢ !
મને ચડી ગઈ…
.
ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ
છતાં ચાલી હું મીણ જેમ પીગળી !
માઝમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંંટળાતી વીજળી !
.
કોને ખબર છે કે ગામ આખું કોરું
પણ ડૂબ્યાં આ મેડી ને માઢ !
મને ચડી ગઈ…
.
દરિયાનાં મોજાં તો માપી શકાય
અરે ! ફળિયાની ફાળ કેમ માપવી ?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી ?
.
રુદિયામાં ફુવારા ફૂટે છે
જાણે કે પિલાતો શેલડીનો વાઢ !
મને ચડી ગઈ…
.
( દાન વાધેલા )
એકલતાનો એહસાસ…-કિંજલ દિપેશ પંડ્યા “કુંજદીપ”
એકલતાનો એહસાસ… “એકલતા” આ શબ્દ સાંભળતાની સાથે જ આપણામાં બે જાતની લાગણી ઉદભવે છે. એક તો, “એકલતાથી એકાંતની સુખદ સફર” અને બીજું “આપણામાં ખાલીપણું જાગી ઊઠે છે.”
.
જે એકલાં રહે છે એમને પૂછી જુઓ આ ખાલીપા વિશે. મા-બાપથી દૂર રહેતાં અથવા તો માબાપ વિનાનાં સંતાનો, સંતાન હોવા છતાં વૃદ્ધાશ્રમમાં કે એકલાં રહેતાં માબાપો, પોતાના જીવનસાથી વિના એકલાં રહેતાં, ઘડપણના ઉંબરે એકલાં ઊભેલાં, અરે હું તો કહું કે આજનાં યંત્ર બનેલા કોઈ પણ માણસને ઊભા રાખીને એકલતાની વ્યાખ્યા પૂછશો તો ખૂબ સારી રીતે જણાવશે. આજનાં વ્યસ્ત સમયમાં, માણસોનાં ટોળામાં પણ એકલતા અનુભવાય છે. ખૂબ વ્યસ્ત જીવન જીવતાં, યંત્ર સાથે જીવતાં આપણે પણ યંત્રાદિમાનવ બની તો ગયાં જ છીએ ને!?? આપણે બધું જાણીએ છીએ, બધું આવડે જ છે પણ લાગણીનો શૂન્યવકાશ સર્જાયો છે. લાગણીને મને-કમને મારતાં શીખી ગયાં છીએ. અને એ જ ખાલીપામાં પરિવર્તિત થતું હોય છે. પરંતુ હમણાંનાં સમયમાં એ વિચારવાનો સમય પણ કોની પાસે છે!?
.
માતા પિતાના મૃત્યુ પછી એમની પાછળ દાન કરે છે એમનું શ્રાધ્ધ કરે છે. જ્યારે એ હતાં ત્યારે એમની હયાતીતની નોંધ જ ન લીધી હોય તો.. એમનાં જીવતાં જીવ થોડો સમય એમને પણ અર્પણ કર્યો હોય તો એમનાં ગયા પછી તર્પણ કરવાની જરૂર ન પડે! જ્યારે મા બાપ હતાં ત્યારે એમના વિશે વિચાર્યું નહીં,એમને સમય આપ્યો નહીં પછી ગમે એ કરો એમને નહીં જ પહોંચે પણ એ તો મા-બાપ છે ને, એમાં પણ રાજી જ થશે! અહીં મને ઓશો યાદ આવે છે, સામને જો હે, ઉસે તો બુરા કહેતે હૈ. જિસકો દેખા નહી ઉસકો ખુદા કહેતે હૈ!
.
મારા મતે..જો તમે, ઘરના વડીલોને એમના ભાગનું માન ન આપી શકતાં હોવ તો, એમનું અપમાન કરવાનો તેમને કોઈ જ અધિકાર નથી. તેઓ કંઈ જ કહેતાં નથી એટલે એનો અર્થ એ નથી કે તેમની લાગણી મરી પરવારી છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે અને બાકી રહેલું જીવન શાંત, સુંદર અને સરળ બની રહે એ માટે તેઓ મૌન રહેવું વધું પસંદ કરતાં હોય છે. એમનું મૌન પણ બાળકોની જેમ બોલકું હોય છે. એ મૌન ખુબ વજનદાર હોય છે. એમની સાથે થોડો સમય વિતાવશો તો એમના માટે એ અમૂલ્ય બની રહે છે અને આપણા માટે એ સાચી મૂડી. ઘણીવાર ખાલીપણું વધારે ભારે લાગતું હોય છે. એમનાથી વિશેષ આપણને કોઇ જ સમજી ન શકે કે સમજાવી શકે. સૌથી સારા મોટીવેશનલ સ્પીકર આપણાં વડીલો જ છે. આજનો માણસ અંદરથી એકલો થઈ રહ્યો છે. એથી એકાંતની શોધ કરે છે અને પોતાની જાતને ખુશ રાખવા માટે જાતજાતના ઉપાયો કરે છે.
.
પહેલાના જમાનામાં સંયુક્ત પરિવારમાં રહેતાં, મિત્રોથી ઘેરાયેલા રહેતાં ત્યારે ક્યારેય દૂર દૂર સુધી ઉદાસી જાણી ન હતી. કોઇ પણ પ્રસંગ હોય, આખું ગામ એક પરિવારની જેમ સાથે રહેતું. આજે બાજુમાં કોણ રહે છે એ પણ આપણે જાણતાં નથી. આત્મવિશ્વાસનો અભાવ, નીચા પાડવાનો ડર, બીજાને ઉતરતાં સાબિત કરવાની ઘેલછા, પૈસા, પ્રતિષ્ઠા, મોભો, વૈભવી જીવન, આ બધું જ મેળવવાં માણસ ઘેલો બન્યો છે. રેસનો ઘોડો બન્યો છે. માની લઈએ કે આ બધું પણ આપણને મળી જશે પણ જે સાચું છે એ ક્યાં અને ક્યારે છૂટી ગયું એનું ભાન પણ ન રહેશે. આપણાં મનની શાંતિ છિનવાઈ ગયાનો અહેસાસ પણ આપણને ન થશે! આ એકલતાનો અહેસાસ માણસને અંદરથી કોરી ખાતો હોય છે.
.
સાચી એકલતા તો એ છે જે વ્યક્તિને સાચાં એકાંત તરફ વાળે અને પરમ સુખ આપે, સદગુરુ સાથે સંગમ કરાવે.
.
ડૉ. હેનરી બેન્જામિનના શબ્દોમાં કહું તો, “પ્રશ્ન જીવનમાં વર્ષો ઉમેરવાનો નથી, પરંતુ વર્ષોમાં જીવન ઉમેરવાનો છે.”
.
( કિંજલ દિપેશ પંડ્યા “કુંજદીપ” )
આદર્શ હિન્દુ હોટલ-વિભૂતિભૂષણ બંદોપાધ્યાય