Tag Archives: મુલાકાત

કાજલ ઓઝા વૈદ્ય સાથે એક મુલાકાત-દિવ્યા સોની “દિવ્યતા”

Divya with Kajal Oza Vaidya

જમીનની ધૂળ પવનના જોરે જેમ આસમાન ની સહેલ કરી આવે છે બસ કંઈક એવી જ રીતે નસીબના જોરે આ લખનારને એક-દોઢ કલાક શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે વીતાવવાનો મળી ગયો. સાવ અચાનક.

વાત કંઈ આમ બની, થોડા દિવસ પૂર્વે મેં ફેઈસબુક પર કાજલમેમની પોસ્ટ જોઈ કે “રવિવાર તા. ઓગષ્ટ ૯, ૨૦૧૫ના દિવસે સાંજે ૪ વાગ્યે હું મારા બધા વાચકોને ટીવી એશિયા સાથે મારા ટોક શો માટે આમંત્રણ પાઠવું છું.” થોડી મુંઝવણ સાથે મેં આ માહિતી થોડા મિત્રો સાથે શેર કરી, પણ પુરતી માહિતીના અભાવે કોઈને ફોર્સ કરવાનું મને વ્યાજબી ના લાગ્યું. મારે તો જવું જ હતું, મારું લક ટ્રાય કરવા અને એ આત્મવિશ્વાસથી છલકાતી ગરવી ગુજરાતણને જોવા. મારા કેલીફોર્નિયાના એક મહિનાના વેકેશનને માણીને અમે શનિવાર સવારે ૩ વાગ્યે ઘરે પહોંચ્યા, બપોરે ૧૨ વાગ્યે જેમ તેમ ઉઠી, ચા પીતા પીતા મારા પતિને જણાવ્યું કે મારી આ પ્રોગ્રામમાં જવાની ઈચ્છા છે. બસ પછી શું ? એ મારી પાછળ મંડ્યા, જોજે આ ચાન્સ મિસ ના કરતી. હું બંને છોકરાઓને સંભાળીશ. અને મેં કાજલ ઓઝા વૈદ્યને મળવા જવાનું મન બનાવ્યું.

ન્યુ જર્સીના “ચાલો ગુજરાત”ના કાર્યક્રમ દરમ્યાન હું વેકેશન અર્થે બહાર હતી એ વાતનો મને સતત અફસોસ રહ્યો હતો. અને તમારામાંથી ઘણાંને જાણ હશે કે છેલ્લા ચારેક મહિનાઓથી મેં પણ ભાગ્યું તૂટ્યું આવડે એવું લખવાનું શરુ કર્યું છે, જેમ જરા સારું ક્રિકેટ રમતા બાળકને તરત જ સચિનની મિસાલ અપાતી હોય છે, એમ મારા જેવા નાના ગુજરાતી મહિલા લેખકને કાજલમેમની મિસાલ સહેજે અપાય એ સ્વાભાવિક છે. એટલે મારા ઘણા મિત્રોનો ખાસ કરીને હિનાબેનનો આગ્રહ હતો કે હું કાજલમેમને મળું, સાંભળું. મળવા જવા માટે ત્રણ સાથીમાંથી બે અને અંતે હું એકલી આ પ્રોગ્રામ માટે જવા નીકળી. જાણે દીવો સુરજને મળવા જાય એમ.

૪૦ મીનિટ ના ડ્રાઈવ દરમ્યાન કંઈ કેટલી મુંઝવણો મને ઘેરી રહી. કેવો હશે પ્રોગ્રામ ? મને અંદર જવાનો ચાન્સ મળશે ? હું શું વાત કરીશ મેમ સાથે ? જેવા અગણિત સવાલોએ મનને કબ્જે કર્યું અને ત્યાં જ મારી કાર આગળની ચોથી જ કાર અકસ્માતમાં સપડાઈ. હું ધ્રુજી ગઈ, પણ રામ રાખે એને કોણ ચાખે ? મેં ધ્રુજતા હાથે હંકાર્યે રાખ્યું. હવે હું આગળ વધુ વિચારી ના શકી અને મેં મનોમન નક્કી કર્યું કે જો મને પ્રશ્ન પૂછવાનો ચાન્સ મળશે તો હું મેમને બસ એટલું પૂછીશ કે “તમારા આત્મવિશ્વાસથી છલોછલ આત્માને મારે બસ એકવાર ભેટવું છે. એ આત્મવિશ્વાસનું એકાદ ટીપું મારે પણ ઝીલવું છે, એક હગ મળશે ?” એમની અને મારી વચ્ચેના અંતરને જોઈ બસ આટલું જ વ્યાજબી લાગ્યું. મારી ખાસ મિત્રની નાની દીકરીને જોવાનું મારું પહેલું સ્ટોપ હતું. એને મળી. થોડી વાર થઈ ત્યાં તો મારા હબીનો મેસેજ આવ્યો જલ્દી જા ત્યાં લાઈન હશે. અને હું દોડી, લગભગ ૩:૨૫, બપોરનો સમય, કારમાં પેટ્રોલ એકદમ ખાલી. માંડ ૧૦ માઈલ્સની રેંજ બાકી, તોય મેં ટીવી એશિયાના પાર્કિંગમાં પહોંચીને ગાડી પાર્ક કરી. સાવ સુની જગ્યા હતી. ટીવી એશિયાના બિલ્ડિંગની લગોલગ આવેલા એક મકાનમાં થોડા માણસો મેં જોયા, મને થયું આજ એ લાઈન હશે. તોય એ કન્ફર્મ કરવા મેં પહેલાં ટીવી એશિયાની ઓફિસમાં જ જવાનું નક્કી કર્યું.

નાના અમથા કોઈ વહેળાને સાગર સામે ચાલી મળવા આવે એમ મેં કાજલમેમને એ ઓફીસની બહાર નીકળતાં જોયા, હાય હેલો કરી ને હું એમને બસ વળગી પડી. જાણે કે આ મારો છેલ્લો ચાન્સ હોય એમની આટલી નજદીક પહોંચવાનો, એ થોડા મુંઝાયેલા દેખાયા ને બોલ્યા તમે ફલાણાં બેન છો ? મેં કહ્યું, ‘ના હું તો બસ તમારી ફેન છું. તમારો પ્રોગ્રામ જોવા આવી છું.’ મેડમે થોડા દિલગીર અવાજે કહ્યું, સોરી એ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. મેં પણ બોલતા બોલી જ નાખ્યું, કશો વાંધો નહીં, હું તો બસ તમને મળવા આવી છું. અને તમે અહીં જ છો. અને તરત બીજો સવાલ મારા મોમાંથી નીકળી જ ગયો, પ્રોગ્રામ રદ છે તો તમે અહીં કેમ ? અને હું થોડી ધ્રુજી કે પંચાત ક્યાં ચાલુ કરી મેં. પણ મેમનો જવાબ સાંભળી હું જરા રિલેક્ષ થઈ. એ બોલ્યા એ વાત જરા લાંબી છે હું તને પછી કહું બેટા, પહેલા મને કહે કે આમાંથી ગાયત્રીની કાર ક્યાં છે ? હું પાછી હસી ને બોલી હું તો બસ તમારી ફેન છું. હું અહીં કોઈને જાણતી નથી. પછી અમે મેમનો સામાન એક કારમાંથી બીજી કારમાં મુકતાં મુકતાં એવાં વાતે વળગ્યા જાણે વરસો જુના મિત્રો. એ પાંચ મિનીટ મને રોમાંચિત કરી ગઈ, કે આટલા મોટા ગજાના લેખિકા છતાં એમની વર્તણુંક કેટલી પોતીકી લાગે ? ત્યાં જ એમના ખાસ ફ્રેન્ડ ગાયત્રીજી બહાર આવ્યા અને એમની કાર અમને બતાવી કાજલમેમએ એમની ધૂનમાં મારી સાથે વાતો કર્યે રાખી. અને એમના મિત્રની આંખોમાં મને પ્રશ્નાર્થ ચિહ્ન તરતું દેખાયુ. એમની મુંઝવણ દૂર કરતાં મેં કહ્યું. હું બસ એમનો પ્રોગ્રામ જોવા આવી છું. અને એ બોલ્યા ઓહ ઓકે.

પછી અમે બધાય ટીવી એશિયાની ઓફીસમાં પ્રવેશ્યા. અંદર એક મોટી ઉંમરનું દંપતી બેઠું હતું. તેમની ઓળખાણ કાજલમેમએ એમના ફેમીલી તરીકે આપી. થોડીવાર પછી બીજું એક દંપતી પણ મારી જેમ જ આ પ્રોગ્રામ માટે આવ્યું. કાજલમેમએ એમને પણ આવકારતા કહ્યું, આવ્યા એ સારું કર્યું, આવો. પછી અમને સૌને પોતાનાં વ્યાખ્યાનોની એક એક સીડી પોતાનાં ઓટોગ્રાફ સાથે ભેટમાં આપતાં એ બોલ્યા કે આજે તમને પ્રવચન સાંભળવા નહીં મળે. મારા કારણે તમને સૌને ફેરો પડ્યો. ત્યાં મેં ફરી ટાપસી પુરાવતા કહ્યું આજની મારી ખ્વાઇશ તમને એક હગ કરવાની હતી એ તો પૂરી થઈ જ ગઈ છે. અને એ માટે હું મારી જાતને ખુબ ભાગ્યશાળી માનું છું. આ રીતે કાજલમેમને એમના મિત્રો સાથે વાતો કરતા અને વર્તતા જોવા એ પણ આગવો લાહ્વો છે. અને અમે બધા હસી પડ્યા.

થોડી આમ તેમની વાતો કરતાં કરતાં કાજલમેમ ચા બનાવવા ઉભા થયા, હું હવે શું કરુંનો વિચાર કરું એ પહેલાં જ કાજલમેમ નો સાદ સંભળાયો, દિવ્યા તને વાંધો ના હોય તો ઉપર આવ આપણે સાથે ચા બનાવીએ, જાણે મારો જેકપોટ લાગ્યો હોય એમ હું લોહચુંબકની પાછળ લોઢું દોડે એમ હું એમની પાછળ દોડી. ધડાધડ કામ કરતા, ચાલતા, વાતો કરતા કાજલમેમની સાદગીમાં રહેલો ઠસ્સો મને ખુબ ગમ્યો. લેખકને કળવો અઘરો પણ કાજલમેમ તો લેખકની સાથે સારા કલાકાર પણ છે. એટલે એમના ભાવો વાંચતા મને વાર ના લાગી. મને ગમતી દરેક પળને હું કેમેરામાં કંડારવા હંમેશા તત્પર હોઉં છું, એમ કહું તો ચાલે કે હું ફોટા લેવાની બંધાણી છું. મારા આ સ્વભાવને કાબુમાં રાખી આ ક્ષણોનો ફોટો ના લેવા માટે મારી જાતને બાંધી રાખવી એક સજા જેવી લાગી રહી હતી. પણ મેં કાબુ જાળવી રાખ્યો. હું કાજલમેમના ગમા- અણગમા, થાક-નિરાશાની લાગણીઓને એમના ચેહરા ઉપર આવતા જતાં જોતી રહી, અને એ થોડી થોડી વારે દિવ્યા દીકરા, દિવ્યા દીકરા કહી મને સંબોધતા રહ્યા. ચા બની ગઈ એટલે અમે બંને ચાના કપ લઈ ફરી નીચે આવ્યા. કાજલમેમ બાકીનાને ચા આપવા અંદર ગયા. ત્યાં મારી સાથે બેઠેલ દંપતી જેને કાજલમેમે ફેમીલી કહી ઓળખાણ કરાવી હતી એ રામભાઈ બેઠા હતા. એમની સાથે સત્સંગ શરુ થતા જાણવા મળ્યું કે એ ગુજરાતી લીટરેચર અકાદમીના પ્રેસિડન્ટ છે, હું મારા અહોભાગ્યને માની ના શકી. ત્યારબાદ ટીવી એશિયાના જાણીતા કાર્યકરો અને દિગ્ગજો ની વાતો અને ચર્ચાઓ સાંભળવાનો મોકો પણ મને મળ્યો.

બાકીનો સમય કાજલમેમના હસી મજાક, જોક, ટીકા ટીપ્પણી સાંભળવામાં ગાળ્યો, જે સંબંધોમાં હળવી રમુજો ચાલતી રહે છે એ ખુબ જ સ્વસ્થ હોય છે. આટલી મોટી પર્સનાલીટી હોવા છતાં જે રીતે હું કાજલમેમ ને મળી એ ક્યાં તો એમનો દરિયાદિલ સ્વભાવ અને ક્યાં તો મારું નસીબ હતું. પણ હું માનું ત્યાં સુધી સરળ સ્વભાવ એ કાજલમેમના લોહીમાં છે. અને મનમાં હોય એ સીધું કહી દેવાની હિંમત પણ. આ બધું એક જ વાર મળ્યા હોવા છતાં એટલે કહી શકું છું કેમકે હું માનું છું કે ભગવાને મને માણસ પારખવાની સૂઝ ઘણી સારી આપી છે. એકવાર મળતાં જ ઘણી વાતો કળતા મને આવડે છે, કદાચ એ મારા ઝીણું ઝીણું નિરીક્ષણ કરવાના સ્વભાવની સોગાત છે. આ અચાનક થયેલી મુલાકાતથી હું એટલી આનંદમય થઈ ગઈ હતી કે ત્યાંથી નીકળવાનો તો વિચાર પણ મને ના આવ્યો, બસ કાજલમેમના શબ્દો, હાવભાવો, મિત્રો સાથેની એમની ટીખળો, એમના મગજમાં ચાલતા વિચારોના અથડાટના એમના ચહેરા પર પડતા લીસોટાઓ… આ બધું જ અનુભવતી હું કાજલમેમની બાજુની ખુરશી પર જાણે ચોંટી જ ગઈ હતી. કાજલમેમને આટલા સાદાઈથી બેઠેલા જોઈ મને એક જ સવાલ થયો. આ એ જ લેખિકા છે જેણે પોતાની કલમ ના જોરે કંઈ કેટલાય મન મોહી લીધા છે, આ એ જ વક્તા છે જેણે પોતાની વાક્છટાથી લાખોને મંત્રમુગ્ધ કર્યાં છે. અને આ એ જ કલાકાર છે જેમણે કંઈ કેટલાયના ચિત્ત ચોરી લીધા છે. કૃષ્ણ ના જીવન સાથે જો આ પરિસ્થિતિને સમજાવવાની કોશીશ કરું તો કહી શકું “ક્યાં એ યોગેશ્વરનું વિશાળ વિશ્વસ્વરૂપ અને ક્યાં ગોપાળો સાથે રમતાં કૃષ્ણનું એ મનમોહક રૂપ” પોતાની બધી જ લીલાઓ સંકેલી ધ્રુજતા અર્જુન પાસે બેઠેલા એ વાસુદેવ જેવા જ ભાસ્યાં મને.

એમનો attitude અનુભવવાવાળા માટે હું એટલું કહીશ કે વ્યક્તિના મુડ પર ઘણી વસ્તુઓ અસર કરતી હોય છે, કોઈવાર તીખા ટીકાકારો ને ચૂપ કરવા તો કોઈક વાર ઘણી મોટી મેદનીને કંટ્રોલ કરવા પણ તેમણે થોડું strict રહેવું પડ્યું હોય. એક સ્ત્રી છું એટલે કહી શકું છું મુડનો ઉતાર ચડાવ એ સ્ત્રી સ્વભાવની સાથે જડથી જ વણાયેલો નથી ? શું આપણે સૌ પણ કંઈક આવા જ નથી ?

આ દરમ્યાન રામભાઈ કાજલમેમની લેખનકળાના ને કાજલબેનન દ્રષ્ટાંતો આપીને રામભાઈના મોભાના વખાણ કરતા હતા. ખૂબ જ રોચક સંવાદ અને આવા મધુર સંબંધો જોઈ મને ખુબ જ આનંદ થયો. આ બધામાં ટીવી એશિયાના એમ્પ્લોયી અને કાજલમેમના ખાસ મિત્ર ગાયત્રીબેન થોડી થોડી વારે આવીને હાજરી પૂરાવતા હતા. એમના વિશે આટલું કહેવાનું નહિ ચુકું કે તેઓ ખૂબ જ મીઠા વ્યક્તિત્વના છે. અને રામભાઈના પત્નીનો સ્વભાવ પણ ખૂબ જ લાગણી ભરેલો છે એ મેં અનુભવ્યું. થોડી વાર થતાં રામભાઈ બોલ્યા હું ૪:૪૫ સુધી અહીંથી નીકળીશ, અને મેં કહ્યું હું તો કાજલમેમ જવાનું કહેશે કે એ અહીંથી જશે ત્યાં સુધી અહીંથી નહીં ડગું. અને ફરી પાછો વાતોનો દોર શરુ થયો. કાજલમેમ જવાની તૈયારી કરવા લાગ્યા અને હું બસ આ લ્હાવો મળ્યાનો જશ્ન મનાવતી એમના પાછા નીચે આવવાની રાહ જોતી ત્યાં જ બેઠી. એ આવ્યા એટલે મેં એમને મારા લેખનના શોખ વિષે જણાવ્યું અને એમને મારુ થોડું લખાણ વંચાવ્યુ પણ ખરું, એમણે શાંતિથી એ વાંચીને કહ્યું “સરસ છે”. સાથે બોલ્યા મને ઈ-મેઈલ કરજે હું શાંતિથી વાંચીશ. હું મનોમન બોલી, તમે મારું લખાણ હાથમાં લીધું એ જ મોટી વાત છે. હું શું તમને ઈમ્પ્રેશ કરવાની હતી ? આ તો બસ મારા સંતોષ ખાતર.’ ત્યારબાદ મેં કાજલમેમને મારી સાથે એક પિક્ચર પડાવવા વિનંતી કરી, ગાયત્રીબેને ખૂબ જ પ્રેમથી અમને પિક્ચર પાડી પણ આપ્યા. મેં એક પિક્ચર રામભાઈ અને એમના ધર્મપત્ની સાથે પણ પડાવ્યું. ગાયત્રીબેન સાથે પિક્ચર લેવાનું રહી ગયું એનો અફસોસ જરૂર છે મને. ત્યાર બાદ અમે સૌ બહાર નીકળ્યા. એક બીજાને હગ આપી શુભેચ્છાઓ પાઠવતા અમે સૌ છુટા પડ્યા.

કોઈકને અચાનક એક દિવસ માટે રાજા બનવાનો મોકો મળે ને કેવી અનુભૂતિ થાય બસ એવું જ કંઈક મેં ત્યારે અનુભવ્યું. કારણ કે જે પ્રોગ્રામ માં ૧૦૦-૧૫૦ માણસો આવવાની ધારણા હતી એ ઈવેન્ટ કેન્સલ થયાના ઈ-મેઈલ બધાને મળ્યા. એ ઈ-મેઈલ વાંચ્યા વગર બે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. અને એ ઈ-મેઈલ ચેઈનથી અપવાદ એવા બે જે ફેસબુક પોસ્ટ વાંચી ત્યાં પહોચ્યાં હતા એમાનાં એક બેન ત્યાં છેલ્લી ૧૦-૧૫ મિનીટ માટે ત્યાં હતા, બાકીની એક તે હું , ગાયત્રીબેન કાજલમેમનું ત્યાં આવવાનું અને રોકાવાનું કારણ બન્યા હતાં જે એમને ત્યાંથી એમની સાથે લઈ જવાના હતા. એમના કામના કલાકો સાંજે ૫ વાગ્યા સુધી હોવાથી મને અને કાજલ મેમને મેળવતું લાભનું ચોઘડિયું જાણે મારા માટે જ ગોઠવાયું હતું. મારા માટે જ જાણે આ પાનાં ગોઠવાયાં હતા.

જે કોઈ દીવાએ સુરજને મળી ને, કોઈ ગઝલે ગાલીબ ને મળી ને, ક્રિકેટ ચાહકે સચિન ને મળી ને, અને દેશપ્રેમીએ ગાંધીજીને મળી ને જે અનુભવ્યું હશે એવું જ કંઈક મારા જેવા ઉગતા લેખકે શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવા મોટા ગજાના, ધારદાર વ્યક્તિત્વ ધરાવતાં લેખિકાને મળીને અનુભવ્યું. એ મારો સમય હતો ને મેં એ ભરપુર જીવી લીધો. હવે કાજલમેમ મને ઓળખશે કે નહિ ? બીજી વાર આવી સરળતા સાથે મળશે કે નહિ ? મારા ઈ-મેઈલનો જવાબ આવશે કે નહી ? હું આ મિત્રતા આગળ વધારી શકીશ કે નહિ ? જેવા સવાલો કે અપેક્ષાથી પર રહી આજે તો હું બસ તમારા સૌની સાથે મારો આ અનુભવ શેર કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

(દિવ્યા સોની “દિવ્યતા”)

[દિવ્યા સોની એ ગુજરાતી ભાષાના ઉગતાં કવયિત્રી અને લેખિકા છે. પોતાના શોખ માટે લખતાં આ કવયિત્રી અને લેખિકાની ૨૦૦થીય વધુ નાની મોટી રચનાઓ તમે એમના બ્લોગ https://divyataa.wordpress.com/પર વાંચી શકો છો.
દિવ્યા જય સોની મૂળ સુરત પાસેના નાનકડા ગામ કઠોદરાના વતની. ગામમાં ચાર ધોરણ સુધી ભણી આગળ અભ્યાસ અર્થે એમનાં શિક્ષિકા ફોઈ સાથે અમરોલી(સુરત) સ્થાયી થયાં. B.A. (Economics)ની ત્રીજા વર્ષની પરીક્ષા પૂરી થતાં જ યુ.એસ.એ માં ઈમિગ્રેટ થયાં. અહી એક-બે વર્ષ જોબ કરી. ત્યારબાદ લગ્ન થતાં ટુંક સમય માટે બેંગ્લોર અને ત્યારબાદ સિંગાપોરમાં સાડા ત્રણ વર્ષ વિતાવી પતિ અને પુત્ર સાથે યુ.એસ.એ. પરત ફર્યા. અહીં પણ સમયના ચકડોળે કેલીફોર્નિયાથી રાલે અને રાલેથી હાલ ન્યુ જર્સીમાં સ્થાયી થયા છે. એક પુત્ર (ઓમ) અને પુત્રી (ઈરા)ની માતા એવા દિવ્યા સોની સમયનો અવકાશ મળતાં લેખન કાર્ય તરફ વળ્યાં છે.]

રૂબરૂ – શરીફા વીજળીવાળા

[આમ તો આ સાઈટ પર જે કૃતિ અગાઉ ક્યાંય પણ નેટ પર ન મૂકાઈ હોય એ જ અહીં મૂકવાનો પ્રયાસ હું ૨૦૦૮થી રોજ કરું છું. પરંતુ “ગુજરાતી સાહિત્ય સંગમ” બ્લોગ પર શરીફાબેન સાથેની મુલાકાત વાંચીને અહીં ફરી પોસ્ટ કરવાની લાલચ હું રોકી શકતી નથી. અલબત્ત અગાઉ જ્યાં પ્રાકાશિત થઈ છે તેની લીંકના સાભાર ઉલ્લેખ સહિત જ. ]

ચિટચેટ – નંદિની ત્રિવેદી

ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે.

મુખ્ય શોખ

વાંચવું, લખવું, ઓફબીટ સિનેમા જોવી, ગમતાં લોકો સાથે ગપ્પાં મારવાં અને ક્રિકેટ જોવાનો ભારે શોખ. કોઈ પણ દેશ રમતો હોય તોય આ બંદા ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ની જેમ હરખાય અને પોરસાય!

પ્રિય લેખકો

પન્નાલાલ પટેલ, જયંત ખત્રી અને કવિ-સર્જક-વિવેચક તરીકે દ્વિરેફ સૌથી વધુ ગમે. એ મને હંમેશાં સમય કરતાં ૩૦-૪૦ વર્ષ આગળ લાગ્યા છે. લોકપ્રિય સાહિત્યકારો ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ અને વિનોદ ભટ્ટ પણ એટલા જ પ્રિય. પણ ક.મા. મુનશી શિરમોર. સાહિત્યમાં વાર્તા સ્વરૂપ અને આત્મકથા સૌથી વધુ ગમે તેથી દરેક ઉત્તમ વાર્તાકાર મને ગમે. મન્ટો, ઈસમત ચુગતાઈનો જવાબ નહીં. કુર્રેતુલૈન હૈદર, ક્રિશ્ના સોબતી, રાહી માસુમ રઝા, ઈન્તીઝાર હુસૈન અને વિદેશી લેખકોમાં અર્નેસ્ટ હેમિંગ્વે, આર્થર મિલર, શેક્સપિયર તો ખરા જ અને નાટ્યલેખક તરીકે ઈબ્સન.

પ્રિય કવિ

કાવ્યોની હું બહુ ચાહક નથી છતાં નાનપણથી વાચનની શોખીન એટલે એ વખતે વાંચેલાં કાવ્યોમાં કાન્ત સૌથી વધુ ગમતા, યુવાનવયે હરિવંશરાય બચ્ચનની કવિતા પણ ગમતી. એ પછી પ્રહલાદ પારેખ, ઉશનસ, રા.વિ. પાઠક, ઉમાશંકર જોષી, સુંદરમ અને રમેશ પારેખ ખૂબ ગમ્યા છે. આધુનિકતામાં ઓછી ચાંચ ડૂબે છતાં સિતાંશુનાં સર્જનો ઘણાં ગમે. હિન્દીમાં ગુલઝાર, અશોક બાજપાઈ અને દુષ્યંતકુમાર.

પ્રિય સાહિત્યિક કૃતિ

જુલે વર્નની ‘સાહસિકોની સૃષ્ટિ’. પચાસવાર તો મેં એ વાંચી જ છે. એ પછી ગુજરાતનો નાથ, સોક્રેટિસ, માનવીની ભવાઈ, સળગતાં સુરજમુખી, ચુગતાઈની આત્મકથા અને તેમની નવલકથા ‘ટેઢી લકીર’. થાકી હોઉં ત્યારે હળવાશ અનુભવવા વિનોદ ભટ્ટનુું પુસ્તક ‘મારી નજરે’ અવશ્ય વાંચું. ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘ધ ગ્રેપ્સ ઓફ રૉથ’ પણ સર્વપ્રિય.

પ્રિય ફિલ્મો

ફિલ્મ જોવાનો જબરજસ્ત શોખ. દર રવિવારે સાંજે મૂવી જોવાનો નિયમ ૧૭ વર્ષથી બરકરાર છે. જોકે મને હળવી, રોમેન્ટિક અને જરા હટ કે પ્રકારની ફિલ્મો જ ગમે. એકશન ફિલ્મો જરાય ન ગમે. મુગલ-એ-આઝમ એટલી પ્રિય કે બધા સંવાદો સાથે બોલી શકું. કાગઝ કે ફૂલ, પ્યાસા અને તીસરી કસમ મોર્બિડ કહેવાતી હોવા છતાં મારી ફેવરિટ ફિલ્મો. માતૃભૂમિ અને થ્રી ઈડિયટ્સ જેવી મેઈનસ્ટ્રીમ ફિલ્મો ઉપરાંત ‘ખામોશ પાની’, ‘ખુદા કે લિયે’ અને ‘બોલ’ બહુ જ ગમી હતી. ઈરાનીયન ફિલ્મોમાં બાળકો પાસેથી જે અદ્ભુત કામ લેવાય છે અને જે સુંદર સંગીત હોય છે એ નવાઈ ઉપજાવે.

મનપસંદ વાનગી?

ખીચડી. સાચું કહું તો એને મેં મારી ફેવરિટ વાનગી જ બનાવી દીધી છે કેમકે રાંધવાની હું ભારે આળસુ છું. રસોઈના બેસ્ટ શોર્ટકટ મારી પાસેથી શીખી શકાય (હસીને કહે છે).

પ્રેમ એટલે શું?

વ્યાખ્યાયિત કરવો અઘરો. પણ મને લાગે છે કે જેને માટે બધું જતું કરવાની ઈચ્છા થાય, લેવા કરતાં આપવાની દાનત વધુ હોય અને લડ્યા પછી તરત ભેગા થઈ જવાનું મન થાય એ લાગણી પ્રેમ હોઈ શકે.

જીવનસાથી કેવો ગમે?

મળ્યો જ નથી તો શું કહું? હા, એક સમયે ‘મિલ્સ એન્ડ બુન્સ’ના નાયક જેવા જીવનસાથીની કલ્પના કરી હતી, કારણકે મોટાભાગના જુવાનિયાઓની જેમ અંગ્રેજી નવલકથા વાંચવાની શરૂઆત તો મેં એનાથી જ કરી હતી. જોકે, ન મળ્યાનો અફસોસ કે ખોટ ક્યારેય લાગ્યાં નથી, સિવાય કે માર્ચ મહિનામાં ઈન્કમટેક્સની ગણતરી કરવાની આવે. એવું બોરિંગ કામ કે એ વખતે થાય કે કોક હોત તો સારું થાત! મને લાગે છે કે જ્યાં ‘હું’ અને ‘તું’ ઓગળી જાય અને એકબીજા સાથે નિર્ભાર થઈને જીવી શકાય એવો જીવનસાથી શ્રેષ્ઠ.

પ્રિય સંગીત અને સંગીતકાર

હળવું ક્લાસિકલ અને હિન્દી ફિલ્મીગીતો. આજકાલ મને રાશીદખાનનું જબરું ઘેલું લાગ્યું છે. ફિલ્મી ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, મોહમ્મદ રફી અને ભૂપેન હઝારિકા.

તમારા માટે સ્ટ્રેસ બસ્ટર શું?

અનુવાદ. જ્યારે મારા અનુવાદો પ્રગટ થવા માંડે ત્યારે મિત્રો સમજી જાય કે જિંદગીમાં પીડા વધી ગઈ હશે. તાજેતરમાં જ મેં ‘જિન્હે લાહૌર નહીં દેખા’નો ગુજરાતી અનુવાદ કર્યો અને હમણાં ‘સુખા બર્ગદ’ (વડનું ઝાડ)નો કરી રહી છું. અનુવાદ કરતી વખતે હું આખી દુનિયા ભૂલી જાઉં અને સાહિત્યમાં ઓતપ્રોત થઈ જાઉં.

પ્રિય પ્રવાસસ્થળ

જ્યારે શરીર સાજું-સારું હતું ત્યારે પૈસા નહોતા અને હવે પૈસા ભેગા કર્યાં છે ત્યારે શરીર સાથ નથી આપી રહ્યું. ભારત બહાર તો ક્યાંય ગઈ નથી, પણ ભારતમાં હિમાલય સૌથી વધુ ગમે. જુદા જુદા એંગલથી એને નિહાળવાની ખ્વાહિશ છે.

મનગમતી સાંજ એટલે શું?

દુનિયાથી જુદી જ છે મારી સાંજ. ઘરમાં અંધારું કરીને ઊંઘી જવું એ મારી બેસ્ટ ઈવનિંગ. સવારે નવથી સાડા પાંચની નોકરી કરીને આવ્યા પછી ઢગલો થઈ જાઉં એટલે દોઢેક કલાક ઊંઘી જાઉં અને પછી રાત્રે દોઢ-બે વાગ્યા સુધી લખું.

વીકએન્ડ કઈ રીતે વિતાવવો ગમે?

રવિવાર બહુ મહત્વનો. આરામથી ઊઠું અને વળી પાછો બપોરે બાર વાગ્યાથી તો ઊંઘવાનો જ વિચાર આવે. તેથી ફક્ત આરામ, લેખન-વાચન અને સાંજની ફિલ્મ તો ખરી જ.

જિંદગીમાં સૌથી મૂલ્યવાન શું?

પ્રામાણિકતા. મેં નક્કી કરેલા સિદ્ધાંતોમાં કોઈ સમાધાન ન કરું. મૂલ્યોથી વધુ મહત્વનું કંઈ નહીં!

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?

લોકો ગાંધીજીને ભૂલી ગયા છે તો મને શું યાદ રાખવાના?

લોકોની કઈ બાબત ગમતી નથી?

જે દેશે દુનિયાને સર્વોદયની ભાવના આપી તે જ દેશના પ્રજાજન અતિશય સ્વાર્થી બની ગયા છે, સ્વકેન્દ્રીતા વધતી ગઈ છે. અપ્રામાણિકતા, કામચોરીના માહોલમાં બદલાવની શરૂઆત જાતથી કરવાની જરૂર છે.

કોઈ ધ્યેય?

આત્મકથા લખીને જ જવું છે દુનિયામાંથી.

કોઈ ડર?

ના. હું બહુ બિન્દાસ એટલે મારી મા મને હંમેશાં કહેતી કે તું તો ભૂતના પેટની છું. આમ છતાં, તમે માનશો? હોરર ફિલ્મો હું જોઈ શકતી નથી. એનો ડર લાગે.

પુનર્જન્મ હોય તો શું બનવું પસંદ કરો?

શરીફા જ. પણ જે જગ્યાએ મને મારા નામની સજા ન મળતી હોય એવા સ્થળે જન્મ લેવો છે. હું ભારતપ્રેમી છું, આ દેશ મને અતિશય પ્રિય છે, છતાં ઈતિહાસની સજા મને શા માટે? ઔરંગઝેબે મંદિર તોડ્યાં એમાં મારો શો વાંક? જિંદગી આખી ખભેથી ઈતિહાસ ખંખેરવામાં જ ગઈ તોય ધર્મના ‘રખેવાળો’એ બમણા વજનથી ઈતિહાસ મારા પર થોપ્યો. સામાન્ય લોકોની વસાહતમાં ઘર ન મળવાને કારણે ૨૯ વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યાં. ૬૪ બિલ્ડરોએ ના પાડી હતી. શા માટે? જો હું ભારતીય હોઉં તો મારો પોતાનો ‘અલગ’ વિસ્તાર કેવી રીતે હોય? જો હું મુસ્લિમ બનવા તૈયાર થાત તો મને મુસ્લિમ વિસ્તારમાં અને હિંદુ બનવા તૈયાર હોત તો મને હિન્દુ વિસ્તારમાં ઘર મળ્યું હોત. મારી મથામણ માણસ બનવાની હતી. માણસ થવા ગઈ એની સજા મળી. માણસને એકબીજા સામે પ્રશ્નો નથી હોતા, ટોળાંને જ હોય છે. પરંતુ, માનવતા મરી પરવારી નથી. માણસજાત પ્રત્યેની શ્રદ્ધાને કારણે ૧૮ વર્ષે મને છેવટે મારું ઘર મળ્યું છે, મારા ઈચ્છિત વિસ્તારમાં જ. મને આશા છે કે, વો સુબહ જરૂર આયેગી, જ્યારે ધર્મ-કોમ-પ્રદેશવાદથી પર થઈને માણસ પોતાના ‘મનુષ્યત્વ’ને સાર્થક કરશે, માણસ માત્ર ‘માણસ’ને શોધશે.

આભાર :

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=28987

http://gujaratisahityasangam.wordpress.com/2012/08/04/sharifa-vijaliwala/