Tag Archives: શ્રદ્ધાંજલિ

ચાંદરણા (૧૨) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પોતીકી ગલી છે, નેશનલ હાઈવે નથી.

 .

પ્રેમમાં મગજ બંધ પડે છે અને હૃદય ચાલે છે.

 .

પ્રેમમાં પ્રોમિસરી નોટ, વટાવવા માટેના ચેક થઈ જાય છે.

 .

‘રમણી’થી વિસ્તરીને ‘રમણીય’ થઈ જાય તે પ્રેમ !

 .

જે સ્વયં ઉગવો જોઈએ, જેને આરોપવો પડે તે પ્રેમ નથી !

 .

આકૃતિ સ્થિર હોય પણ પડછાયા લાંબા ટૂંકા થાય તે પ્રેમ !

 .

યુવાનીમાં પ્રેમ ઊગે એ ભરબપોરે બીજો સૂર્ય ઊગવાની ઘટના !

 .

ગીતામાં પ્રેમપત્ર છુપાવી રાખવાથી તેને ‘આધ્યાત્મિક રક્ષણ’ મળે છે !

 .

યૌવન કાળે ઉઘડતો વિસ્મયલોક તે પ્રેમ !

 .

ઉદાર પ્રેમ જાણે છે : પ્રત્યેક પથ્થરમાં મૂર્તિ બનવાની શક્યતા ન હોય !

 .

પ્રેમના પાઠ ભણવામાં માસ્તરની ગેરહાજરી અનિવાર્ય.

 .

પ્રેમ એવી ‘એર’ છે, જે માણસની ‘કન્ડિશન્ડ’ નક્કી કરે છે.

 .

‘મોઢામોઢ થતાં પ્રેમ’ને આ ટિખળી ભાષા ‘ચૂંબન’ કહે છે !

 .

પ્રેમ એ એકલા જવાની ‘દિશા’, અને સાથી સાથે પાછા ફરવાનો માર્ગ છે.

 .

આભલામાં પોતાનું પ્રતિબિંબ જોવાથી સૂર્ય અને પ્રેમ નાના થઈ જતા નથી !

 .

પ્રેમ દુર્વાસા નથી, છતાં એ પણ એપોઈન્ટમેન્ટ લીધા વિના જ આવે છે !

 .

આંતરમન ક્યારેક સ્વપ્નમાં એક ચહેરાની પરેડ યોજે છે !

 .

‘ગમન-આગમન’ તો પ્રેમના પગરવના ‘આરોહ અવરોહ’ હોય છે !

 .

જુદા જુદા ક્લોઝઅપો જ પ્રેમની સંપૂર્ણ છબિ રચે છે.

 .

પ્રેમ એક એવો સ્પર્શવાદ છે, જે સ્મૃતિ બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

 

ચાંદરણા (૧૧) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી !

 .

પ્રેમાળ રોષમાં હેતાળ તેજસ્વિતા હોય છે.

 .

પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.

 .

પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની !

 .

અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો !

 .

પ્રેમ ઈન્દ્રધનુષ છે, પણ ઈન્દ્રધનુષ્ય જેવો અલ્પાયુ ન હોય !

 .

વિગ્રહરેખા ભૂંસીને બે શબ્દના સમાસ બનાવે તે પ્રેમ !

 .

પ્રેમના સ્વર્ગમાં એક જ અપ્સરા હોય છે !

 .

પ્રેમ ઋષિ નથી એટલે સોમરસ પીધા વિના જ મસ્ત રહે છે !

 .

વિરહ એટલે પોતે સર્જેલા ચિત્રને દૂરથી જોયા કરતો ચિત્રકાર.

 .

પ્રેમ વનવાસે જાય છે ત્યાં પણ ઝાંખરા દૂર કરી પુષ્પ ક્યારી રચે છે.

 .

ફુલ તો સાવ શાંત પણ એની તીવ્ર ગંધ તોફાની હોય છે.

 .

પ્રેમ છલકાતો રહીને પોતાને અધૂરો અનુભવ્યા કરે છે.

 .

અખંડ પ્રેમમાં પણ એક શયનખંડ હોય છે.

 .

‘પ્રેમ’ શબ્દ ડિક્ષનરીમાં પણ એનો અર્થ હૃદયમાં હોય છે.

 .

પ્રેમમાં કોઈ આકાશે જાય છે, કોઈ આકાશને નીચે આણે છે.

 .

પ્રેમ ઈતિહાસ બને ત્યારે વર્તમાન હાજરીપત્રક બની જાય છે.

 .

પ્રેમ એક ઉષ્મા છે, તે દઝાડતો અગ્નિ પણ બની શકે છે.

 .

પ્રેમની ભાષા હોય છે, વ્યાકરણ નહીં, પ્રેમની ભૂમિ હોય છે, ભૂમિતિ નહીં.

 .

પ્રેમનો સંયમ ને સાધના સાધુબ્રાન્ડ નથી હોતાં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૦) – રતિલાલ ‘અનિલ’

કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષ પર પ્રેમ જ માળો બાંધે છે.

 .

હૈયામાં પ્રેમ હોય તે આ જગત પાસે માત્ર માળાનું ઘાસ જ માંગે છે !

 .

પ્રેમ દિશા નથી, દિશાઓ વિહોણું આકાશ છે.

 .

પ્રેમ, પ્રયોજન વગરનું ઈજન પણ હોય !

 .

સૂર્યનો દિવસ પ્રકાશથી, માણસનો દિવસ પ્રેમથી ઊગે છે !

 .

‘અંગત’ બાબતમાં પારંગત હોય તો તે પ્રેમ !

 .

પ્રેમ શરૂ થતો નથી, માત્ર ગુપ્તવાસમાંથી બહાર આવે છે.

 .

પ્રેમ ક્ષણને સમય અને સમયને ક્ષણ બનાવી દે છે !

 .

પ્રેમ પ્રવાહની જેમ પસાર થાય છે અને સરિતાની જેમ રહે છે.

 .

પ્રેમ ઉજાગરાની મશાલને દીવો બનાવી દે છે.

 .

ઓ પ્રેમ ! તું તો તાજી કબર પર તાજું ઈંડું પણ મૂકી શકે છે !

 .

પ્રેમમાં વાયદાનો વેપાર નહીં, વ્યવહાર થાય છે !

 .

દરેકની સામે જિંદગી ‘પડી ’છે, કોઈક જ તેને ‘ઊભી’ કરે છે.

 .

કશું ન કરી શકાય ત્યારે પ્રેમ તો કરી જ શકાય છે !

 .

પ્રેમ એવો પ્રકાશ છે, જેમાં માત્ર બે જ જણ દેખાય છે !

 .

પ્રેમમાં ઘડિયાળ બંધ પડે છે અને સમય ચાલે છે !

 .

પ્રેમ અંધ નથી હોતો, તે એક વ્યક્તિને અવશ્ય જુએ છે !

 .

પ્રેમ એવી સુવાસ છે, જે ત્રીજી વ્યક્તિ માટે નિર્ગંધ હોય છે.

 .

ગણિતથી દૂર રહ્યા વિના પ્રેમની નજીક પહોંચી શકાતું નથી.

 .

પ્રેમ એ સહિયારી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’

પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે !

 .

પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે !

 .

શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે !

 .

રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે !

 .

પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે.

 .

કોઈ જુદાં પડવા માટે મળે છે, કોઈ ફરી મળવા માટે જુદાં પડે છે !

 .

પ્રેમ એવો સોનામહોર સિક્કો છે, જેની પરની મુદ્રા બદલી શકાતી નથી.

 .

‘પ્રેમ’ પુરુષજાતિનો શબ્દ હોવાથી તે અર્ધસત્ય છે !

 .

પ્રેમ, શૂન્યમાંથી સર્જન કરે છે, તેમ પોલા શૂન્ય વચ્ચેની હવા પણ કાઢી નાખે છે !

 .

પ્રેમનું ગુરુત્વાકર્ષણ ધરતી પર આણીને આકાશે લઈ જાય છે !

 .

પ્રેમ આષાઢી મેઘની જેમ ઘેરાય છે ત્યારે અનરાધાર વરસે પણ છે !

 .

પ્રેમ પેઈંગ ગેસ્ટ હોવાથી એનું સરનામું કેર ઓફ જ હોય !

 .

સંવનન તો મધપુડો રચવાની પ્રક્રિયા હોય છે !

 .

પ્રેમના દરિયામાં પણ ચાંચિયાનાં વહાણ ફરતાં હોય છે !

 .

પ્રેમને કાળીચૌદશ નહીં, ચૌદશિયા નડે !

 .

કોઈ પ્રેમનું મંદિર બાંધતું નથી, કેમ કે મંદિર ‘સાર્વજનિક’ હોય છે !

 .

પ્રેમ ઊર્જા હોવાથી પ્રેમીઓ હૂંફાળા હોય છે !

 .

પ્રેમ આખું ગીત ગાતો નથી, માત્ર ધ્રુવપંક્તિ દોહરાવ્યા કરે છે : ‘હું તને ચાહું છું !’

 .

પ્રેમ : અગિયાર અગિયાર અમાસ પછી દિવાળી આવે છે !

 .

પ્રેમ એટલે સાથીની શોધમાં આગળ જતી એકલની પગદંડી !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !

 .

પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !

 .

પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !

 .

પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !

 .

ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.

 .

સામેની આંખો પ્રતિબિમ્બ ઝીલે તો કોઈ અરીસા પાસે જતું નથી.

 .

પ્રેમમાં સાત તાળી પણ સપ્તપદી થઈ જાય છે.

 .

પ્રેમ હિમાલય છે, અને પહાડ સિસોટીનો પડઘો પાડતો નથી.

 .

શુદ્ધ અંતર માટે પારદર્શક આકાશ પણ અસહ્ય બની જાય છે.

 .

પ્રેમમાં મુઠ્ઠી વાળે છે તે આંગળીના ટેરવાનો સ્પર્શ રોમાંચ ગુમાવે છે.

 .

પ્રેમ એ જળમાં વિસ્તરીને પોતે જ મટી જતું વર્તુળ છે.

 .

પ્રેમનું સૌંદર્ય અરીસાના માપનું નથી હોતું !

 .

કાંટા ખેરવી નાખ્યા વિના પ્રેમ ‘કેવડિયો’ થઈ શકે નહીં.

 .

પ્રેમ પોતે જ વાસંતી સૌંદર્ય અને મહેક હોય છે.

 .

પ્રેમ હોય ત્યાંથી જ વિસ્તરે છે, તે આવ-જા કરતો નથી !

 .

પ્રેમ એવો મહેમાન છે, જે ઘરમાલિક થઈ જાય છે !

 .

પ્રેમ હોય છે પ્રાકૃતિક, પણ તેણે સાંસ્કૃતિક થવું પડે.

 .

પાત્રો બદલાય છે ત્યારે પ્રેમ નાટક થઈ જાય છે.

 .

હિંચકો અને પ્રેમ, બે જ દિશામાં આવ-જા કરે છે !

 .

પ્રેમનું સ્મિત બીજરેખા પાસે હોય છે, પૂર્ણચંદ્ર પાસે નહીં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’

‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે !

 .

પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે !

 .

પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે !

 .

પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે.

 .

પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે.

 .

પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય છે !

 .

પ્રેમ સુ-સંગત હોવાથી ‘અંગત’ હોય છે !

 .

પ્રેમીની ગુડબુકમાં માત્ર એક જ સરનામું હોય છે.

 .

આંસુ : પ્રેમ પણ કોઈવાર લિકવિડ પર ઊતરી જાય છે !

 .

પ્રેમ અને ઝરણું ખૂટ્યા વિના વહ્યા કરે છે.

 .

વિરહમાં જે બાદ થયું હોય તે જ શેષ રહે છે !

 .

વિરહ એ નજીકની દૂરતા અને દૂરતાનું સામિપ્ય હોય છે.

 .

પડછાયો માપ્યા કરે છે તે આકારને પામી શકતો નથી.

 .

પ્રેમ એ કરવા જેવું ‘પેન્ડિંગ કામ’ છે !

 .

એક નામ ન હોય તો ભરેલી ડાયરી પણ કોરી લાગે…

 .

પ્રેમ એક રહસ્ય છે તે ન ઉકેલાવાનો મધુર અજંપો પણ છે.

 .

પ્રેમ આંધળો નથી હોતો, બંધ આંખે જોતી દિવ્ય દ્રષ્ટિ હોય છે.

 .

પ્રેમનું શિક્ષણ પ્રતીક્ષાની ધીરજના પાઠથી શરૂ થાય છે.

 .

પ્રતીક્ષા ખાલી બારીને જીવતી ફોટોફ્રેમ બનાવી દે છે.

 .

પ્રેમ એ બંધ કળીમાં ગુપ્ત રહેલી સુવાસ જેવી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે !

 .

પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી.

 .

પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.

 .

પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.

 .

પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે.

 .

પ્રેમ વમળને પાણી પર રચેલો સાથિયો બનાવી શકે છે.

 .

પ્રેમ અને પ્રકાશને કહેવું પડતું નથી કે અમે શું છીએ.

 .

પ્રેમ એ કોઈ રાગ નહીં, મૂંગો લય હોય છે.

 .

ઔપચારિકતા પ્રેમને પણ કર્મકાંડી બનાવી દે છે.

 .

સોની વીંટી ઘડી રહે ત્યાં સુધી પ્રેમ થોભતો નથી.

 .

પ્રેમ ગોરંભાયેલું આકાશ વરસે એની અધીર પ્રતીક્ષા કરે છે.

 .

પ્રેમ તો સાગરમંથન કર્યા વિના મળી શકે એવું અમૃત હોય છે.

 .

શૂન્યમાં શૂન્ય ઉમેરવાથી તે એકનું બે થતું નથી. સઘન પ્રેમ ઉમેરાતા બેના એક થાય છે !

 .

પ્રેમમાં મૂંગું રહેતું હૃદય ધબકારાની ભાષામાં બોલે છે.

 .

આંખો આવકાર આપતી હોય તો જીભ શું કામ ‘વેલકમ’ બોલે !

 .

વિરહનો પ્રેમપત્ર ‘મેઘદૂત’ના પાનાં વચ્ચે દબાયેલો છે.

 .

‘મેઘદૂત’ નહીં, એનાં પાનાં વચ્ચે છુપાવેલો પ્રેમપત્ર ફરી ફરી વંચાય છે.

 .

પ્રેમના પ્રકાશમાં માત્ર એક જ દિશા દેખાય છે.

 .

પ્રેમ, બેઠો બેઠો ઉછળે છે, ચાલે છે તો દોડે છે !

 .

પ્રેમ, વિસ્તરવા પહેલાં કેટકેટલો સંકોચ અનુભવે છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.

 .

પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.

 .

પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.

 .

પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !

 .

પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.

 .

વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ !

 .

પ્રેમની માટી એક કૂંડામાં મોગરા અને જૂઈને ઉછેરે છે.

 .

પ્રેમપત્ર પાછો ફરે તો યે સરનામું બદલતો નથી.

 .

પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.

 .

નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.

 .

પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.

 .

પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહૂકે છે.

 .

પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.

 .

આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.

 .

સમય પ્રેમને શાંત કરે છે, ઘરડો કરતો નથી.

 .

સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.

 .

પ્રેમનું કોઈ લેખિત કે વાચિક બંધારણ હોતું નથી.

 .

ડિક્ષનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.

 .

પ્રેમ દેવતાઈ હોય તો યે માણસના સ્વરૂપેજ હોય.

 .

પ્રેમ થોભે છે : મૂંઝાય છે : ધરતી સર્જું કે આકાશ ?

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.

 .

સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !

 .

સગપણ હોય એટલે વળગણ તો હોય જ !

 .

પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.

 .

માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.

 .

એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.

 .

ગુસ્સો : મારી બહાર હું !

શરમ : મારી અંદર હું !

 .

અજાણ્યા રહેવા માટે હવે ગુફામાં નહીં, સમાજમાં રહેવું પડે છે !

 .

માણસોને ફૂલ ખરીદવા માટે કોઈના મૃત્યુની રાહ જોવી પડે છે !

 .

છેલ્લાં આંસુ સૌની પાસે અનામત હોય છે.

 .

દરેક આંસુને એક ખાનગી સરનામું હોય છે.

 .

હોઠને એકબીજાનો દ્રઢ સ્પર્શ ગમે તે “મૌન” કહેવાય !

 .

પોતે જીર્ણ કરેલું પોતે જ રફુ કરવું એ જીવન છે.

 .

ગાલ પર પહોંચતા આંસુનું સરનામું બીજું જ હોય છે.

 .

સરનામા વગરની ટપાલ સૌને માટે હોય છે !

 .

જીવવું એટલે જોડામાં કાંકરો રાખીને ચાલવું…

 .

જીવતો માણસ અંધારામાં રહી ગયો એટલે એના મુર્દા પાસે દીવો કર્યો !

 .

વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો !

 .

પ્રેમ જાદુ નથી, એક જ ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.

 .

બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.

 .

આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.

 .

કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.

 .

પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.

 .

પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !

 .

ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.

 .

પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.

 .

ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.

 .

ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !

 .

માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.

 .

ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !

 .

કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.

 .

માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.

 .

તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !

 .

બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.

 .

સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.

 .

છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.

 .

દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.

 .

છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )