Tag Archives: હેપ્પી બર્થડે “મોરપીંછ”

હેપ્પી બર્થડે “મોરપીંછ”

.

૧૨૩૭ પોસ્ટ

૨૭૮૩ પ્રતિભાવ (કોમેન્ટસ્)

૧૦૨૫૧૩ પ્રતિસાદ (ક્લીકસ) અને

૪ વર્ષ

………………

“મોરપીંછ”ના પ્રથમ જન્મદિવસે આંકડાઓની માયાજાળ રજૂ કરી હતી તેમાં ફરી સુધારો કરી મૂકું છું. “મોરપીંછ”ને ગયા મહિનાની દસ તારીખે ચાર વર્ષ પૂરા થયા અને આજે પાંચમા વર્ષમાં પ્રવેશને એક મહિનો થયો.

 .

“મોરપીંછ”ની મુલાકાત લઈ પ્રતિભાવ આપનાર ચાહકોનો…

જેમની રચના આ સાઈટ પર સ્થાન પામી છે તે નામી-અનામી સર્જકોનો…

સાઈટ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપનાર મિત્રોનો…

આ સાઈટને બિરદાવનાર “નેટજગત”ની ટીમનો…

સાઈટ અંગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર મિત્રો અને સ્વજનોનો હું હાર્દિક આભાર માનું છું.

 .

આજના દિવસે ખાસ બે મોરપીંછી કવિતા રજૂ કરું છું.

 .

હિના પારેખ “મનમૌજી”

.

.

મોરપિચ્છ
.
માધવ મોરપિચ્છ અવલોકે,
વારવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે.
.
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે ઉગાડી,
મોરપિચ્છ મહીં અનુખાણ નીરખે અંકિત આંખ ઉઘાડી.
.
ઝીણી ઝલમલ તંતુ તંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી કોમળ કાંચન-કાયા.
.
પરને પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણી કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.
.
મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ દોલત વન વન કુંજે બોલત રાધા! રાધા!
.
( મકરન્દ દવે )

.

.

સખી ! મને મોરપીંછનો ઝોકો વાગ્યો,

કહો, કઈ વિધ હોય કરાર ?

 .

ના કોઈ કાજળ ના કોઈ ટીપું પાંપણને પગથાર,

કાળીધોળી ભૂકી પડીકી કામ ન લાગે લગાર.

કહો ગિરિધર નાગરને,

એની એક જ ફૂંકે પાર.

-મને મોરપીંછનો.

 .

રોઈ રોઈને રાતી અખિયાં, ખટકો ભારોભાર,

ઝાંખપના ઓછાયા ઘેરે, ક્યાં છો રે કિરતાર ?

અંધારા ઊતરે તે પહેલાં

કરી દો આંખો ચાર.

-મને મોરપીંછનો.

 .

કહો ગિરિધરને આણ અમારી અટકો નૈન-દુવાર.

ખળ ખળ ખળ વહી જાયે જમુના, રોકો હો મોરાર !

રાત કેટલી રહી ? સૂરજને

કહો, કેટલી વાર ?

-મને મોરપીંછનો.

 .

( રક્ષા દવે )