Tag Archives: ગુજરાતી કવિતા

હાઈકુ-ધનસુખલાલ પારેખ

રંગફુવારો

છલકે, પતંગિયાં

રંગબેરંગી.

.

આભઝરૂખે

શરમાઈને બેઠો

બીજનો ચંદ્ર.

.

સૂર્યકિરણ

નદીમાં પડી, કરે

છબછબિયાં.

.

ખભે કુહાડી

કઠિયારાને જોતાં

રડતું ઝાડ.

.

કઠિયારાને

આવતો જોતાં, ઊડી

ગયા ટહુકા.

.

પરોઢે બોલે

કૂકડો, આંખો ખોલે

સૂરજદાદા.

.

અનરાધાર

વર્ષા, ખીલતું ભીના

વાને જંગલ.

.

ભરઉનાળે

વાદળનો છાંયડો

શોધે સૂરજ.

.

વળાવી જાન

ઘરમાં બધે ફરી

વળી ઉદાસી.

.

કન્યાવિદાય

કોયલનો ટહુકો

થયો પારકો.

.

ડાહ્યો દીકરો

બાપાને પગે લાગે

ઘરડાંઘરે.

.

ઉપર આભ

નીચે ધરતી, સૂતો

ટૂંટીયું વાળી.

.

કચરો કાઢી

સાવરણી હમેશાં

પાળતી ખૂણો !

.

( ધનસુખલાલ પારેખ )

જાણે હવાને-સુરેન્દ્ર કડીયા

જાણે હવાને બાથમાં જકડી, ઝીણી કરી,

માંડી અગમની વાત મને પંખિણી કરી.

.

હું તો અતિશે સ્થિર સરોવરનું જળ હતી,

એણે કરી કરી પરશ તરંગિણી કરી.

.

મારે તો પાંચ ટેરવાં જ જીતવા હતાં,

સેના શબદની તોય મેં અક્ષૌહિણી કરી.

.

હું તો વિખેરી જાતને વેરાઈ પણ ગઈ,

કોણે ઊભી કરી મને વીણી વીણી કરી !

.

રાધા થવાના ઓરતા તો ઓરતા રહ્યા,

કહી દે કનાઈ ! કેમ મને રુકિમણી કરી !

.

( સુરેન્દ્ર કડીયા )

નીંદર ઊડી ગઈ છે-જીગર જોશી ‘પ્રેમ’

જીવન છે દરિયો ઘૂઘવતો ને મારી જળથી નીંદર ઊડી ગઈ છે,

આ હમણાં હમણાંની વાત ક્યાં છે પ્રથમથી નીંદર ઊડી ગઈ છે.

.

તમારા હોઠો ભીના હો મારા જીવનની બસ એટલી બીના હો,

હૃદયના કોરા ખૂણે ઊછરતી તરસથી નીંદર ઊડી ગઈ છે.

.

ઉજાગરાઓ હસી રહ્યા છે આ મારી આંખોની અવદશા પર,

યુગો યુગોનો છે થાક ભીતર ઉપરથી નીંદર ઊડી ગઈ છે.

.

અરણ્ય આખું ઊભું છે ગુપચુપ; ગગન પર ઝળૂંબે મૂંગું,

શિકારીની પણ આ સાચા-બોલા હરણથી નીંદર ઊડી ગઈ છે.

.

આ રાત શું છે ? શું છે આ સપનાં ? ખરું કહું તો નથી ખબર કંઈ,

‘જીગર’ ખરેખર બહુ જ નાની ઉંમરથી નીંદર ઊડી ગઈ છે.

.

( જીગર જોશી ‘પ્રેમ’ )

અજવાળા કરજે-દેવાયત ભમ્મર

.

અંતર મનમાં આઈ અજવાળા કરજે.
સૌ જન જનમાં આઈ અજવાળા ભરજે.
.
શક્તિ, શક્તિશાળી બને.
પ્રભા એની પ્રભાવશાળી બને.
હૃદય હર એકમાં આઈ કંકુ થઈને ખરજે.
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
દેહ આ છે ગરબો, છેદ સત્યાવીસ.
પ્રગટજે મા તું પ્રજ્ઞા થઈને, ગરબો ગવડાવીશ.
દીવડો એક દિલ મધ્યે જ્ઞાનભક્તિનો ધરજે .
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
સર્જન તું છે, શ્રુષ્ટિ તું છે.
પ્રાણ તું છે ને વળી પૃષ્ટિ તું છે.
વિશ્વમ્ભરી વિશ્વ આખામાં વ્હાલ બની વિસ્તરજે
અંતર મનમાં આઈ અજવાળા કરજે.
.
 ( દેવાયત ભમ્મર )

રસ્તો-દીવાન ઠાકોર

(૧)

પંખીઓ ઊડે છે

આકાશમાં ચિતરાયેલા અદ્રશ્ય રસ્તા પર

મંજિલ સુધી પહોંચવા.

.

(૨)

અજાણ્યાને ભેગા કરે છે

સ્વજનોને છૂટા પાડે છે

-અને રસ્તો રસ્તાને મળે છે.

.

(૩)

થાકીને, હારીને, પરવશ બનીને

ચાલું છું.

બધા માટે છે એક જ રસ્તો

આશાનો.

.

(૪)

આંખો મીંચીને પણ

ચાલી શકાય છે

અદ્રશ્ય રસ્તા પર.

.

(૫)

ક્યા જવાનું છે ?

ખબર નથી

રસ્તાને પૂછો.

રસ્તો કહે,

હું તો તમને પૂછવાનો હતો.

.

(૬)

જર્જરિત રસ્તા પણ

ચાલનારની  રાહ જુએ છે.

.

(૭)

દરેકે શોધવાનો છે રસ્તો

પોતાને માટે

હજુ શોધવાના છે રસ્તા

હજારો માટે

તેઓ હવે નથી

તેમણે શોધેલો રસ્તો છે

ચાલવા માટે.

.

(૮)

જે હૃદયમાંથી પસાર થાય છે

તે રસ્તાને

વીંટો વાળીને

ખિસ્સામાં મૂકી શકાતો નથી.

.

(૯)

ખરેલાં પાંદડા સમ પડ્યાં છે

પગલાં તેના પર

રાખના ઢગલા પડ્યાં છે તેના પર

તેથી જ રસ્તો પરેશાન છે.

.

(૧૦)

આડા, ઊભા, નાના-મોટા

ભરચક, એકાકી રસ્તાઓ

મેં પસંદ કર્યા છે મારે માટે

બધાય રસ્તા ઓગળી જાય છે

અંતે રહે છે કેડી

ચાલવા માટે.

.

(૧૧)

હું ચાલતો હતો

ત્યારે એ પણ ચાલતો હતો,

હું અટક્યો વાટે,

એ પણ

હંમેશને માટે.

.

( દીવાન ઠાકોર )

એ દોસ્ત છે !-રિષભ મહેતા

સ્હેજ ડર; એ દોસ્ત છે !

દૂર સર, એ દોસ્ત છે !

.

એ ભલે નિંદા કરે,

માફ કર, એ દોસ્ત છે !

.

માર્ગ તારો રોકશે,

હમસફર એ દોસ્ત છે !

.

રાહ દેખે ક્યારનો-

ચાલ ખર; એ દોસ્ત છે !

.

એ ભલે ચડતો શિખર,

તું ઊતર; એ દોસ્ત છે !

.

ચાલ એને બેઠો કર,

ઝાલ કર; એ દોસ્ત છે !

.

આવશે પાછો જરૂર-

દ્વાર પર; એ દોસ્ત છે !

.

( રિષભ મહેતા )

છોડ તું-ધ્વનિલ પારેખ

તારી ભીતર હોય અવઢવ છોડ તું,

રોજ વધતી જાય સમજણ છોડ તું.

.

પારદર્શક હોય માણસ સારું છે,

બાકી તૂટી જાય સગપણ છોડ તું.

.

સુખનું એવું કોઈએ ઠેકાણું નથી,

એવું જો લાગે તો સુખ પણ છોડ તું.

.

રાત આખી સળગે દીવો શક્ય નાં,

તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું.

.

ચોતરફથી છે સવાલો સામટા,

હોય ઉત્તર એક, ઉત્તર છોડ તું.

.

શ્વાસની દુકાન છે, રકઝક ન કર,

આપશે એ ઓછું વળતર, છોડ તું.

.

એક ચહેરો બારી થઈને ઝૂરતો,

આખરે એવું ય વળગણ છોડ તું.

.

( ધ્વનિલ પારેખ )

પાણી સ્તોત્ર

પાણીને પાણી ડુબાડે એવું પાણી જોઈએ,

પાણીથી પાણી ઉગાડે એને માણી જોઈએ.

.

પાણીને પણ માનવી જેવું જ મન કૈં હોય છે,

ચાલ, એને હાથ હળવે ઝાલી નાણી જોઈએ.

.

ધોધરૂપે ધસમસ પડે છે, પથ્થરો તોડી રહે,

હોય છે રેશમ સમું એ, ચાલ તાણી જોઈએ.

.

વાદળ ઉપર વાદળ પહેરી ગર્જતું ને દોડતું,

કોની પરે એ કેટલું વરસ્યું પ્રમાણી જોઈએ.

.

બર્ફમાં પામી રૂપાંતર ઊંઘતું ને જાગતું,

એ સમજવા હાથને પણ સ્પર્શની વાણી જોઈએ.

.

સમજાય જીવાનામૂલ્ય તો હાથમાં પાણી લીઓ,

શ્વાસ ને ઉચ્છવાસની સાચી કમાણી જોઈએ.

.

( યોસેફ મેકવાન )

આગ સળગે છે-રાજેશ વ્યાસ “મિસ્કીન”

ગજબ ધ્યાનસ્થ છું બાહર ને ભીતર આગ સળગે છે,

ન આવે ખ્યાલ સુદ્ધાં એમ જબ્બર આગ સળગે છે.

.

ડરી જાશે, તો શ્વાસો જાણતા બધ્ધું ઠરી જાશે,

હ્રદયના નામ પર એવી નિરંતર આગ સળગે છે.

.

પછી રોકાય ક્યાંથી બોલ સંસારી, એ અલગારી,

ગયું દેખાઈ જેને કે ઘરેઘર આગ સળગે છે.

.

પછી અદ્રશ્ય કોઈએ હાથ સાચવતો રહે, એને,

સતત આઠે પ્રહાર જ્યારે ખરેખર આગ સળગે છે.

.

તણખલાને ય આવે આંચ ના સંભાળતો – જોતો,

તકેદારી સ્વયમ રાખે છે ઈશ્વર આગ સળગે છે.

.

અને જે કૈ બચી જાતું બધું સોનું બની જાતું,

આ ચપટી રાખમાં મિસ્કીન સધ્ધર આગ સળગે છે.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ત્રણ કૃષ્ણ કાવ્યો-યોગેશ જોષી

(Devansh Raval, Valsad as Kanha)

.

દૂરથી

વહી આવતા

વાંસળીના સૂરનો

હળવોક

સ્પર્શ થતાં જ

વાંસવનમાં

વાંસ વાંસને

ફૂટ્યા ફૂલ !

*

પહાડ આ ઊઠાવવાને પ્રેમનો;

આંગળી મેં કૃષ્ણની માગી હતી.

*

મારગ

.

નથી મારા માથે ટોપલો.

નથી ટોપલામાં નવજાત કાનુડો.

નદીમાં ઊમટેલાં

ગાંડાતૂર પૂર જોઈને જ

ઝંપલાવ્યું’ તું આ…મ…

ને તોય

કેમ આ પાણી

બે ભાગમાં વહેંચાઈ જઈને

કરી આપે છે મારગ ?!

ક્યાં લઈ જવા ?!

.

( યોગેશ જોષી )