Tag Archive | પુસ્તક પરિચય

આદર્શ હિન્દુ હોટલ-વિભૂતિભૂષણ બંદોપાધ્યાય

 

આદર્શ હિન્દુ હોટલ:
વિભૂતિભૂષણ બંદોપાધ્યાય( બંગાળી-૧૯૪૦ ):શિવકુમાર જોશી(ગુજરાતી-૧૯૭૭):
‘આદર્શ હિન્દુ હોટલ’ નવલકથાનો કેન્દ્રવર્તી વિચાર છે ,”અદના આદમીને સપનાં જોવાનો, સાકાર કરવાનો અને આદર્શો-મૂલ્યોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ચરિતાર્થ કરવાનો અધિકાર છે અને એ એમ કરી શકે છે.”પ્રસ્તાવના સાથે લગભગ બસો પાનાંમાં વિસ્તરેલી આ નવલકથા ગ્રામીણ બંગાળી રસોઈઆ હાજારીબાબુની સફળતા-સિદ્ધિની સંઘર્ષકથા છે. હાજારીબાબુ સરળ, સહજ, ભોળી વ્યક્તિ છે પરંતુ પોતાની રસોઈકળા માટે સજાગ,સભાન છે. પોતાના માલિક બેચુ ચોકકોતિ(ચક્રવર્તી)અને ઉપરી સ્ત્રી પદમથી એ સતત ડરે છે કારણ કે તેઓ બન્ને હાથ નીચે કામ કરનારાને ધાકમાં રાખવામાં માને છે. પદમને એ દીદી કહે છે પરંતુ પદમને એની તમા નથી.રસોઈના કામ સિવાય એ ચૂર્ણી નદીને કિનારે વૃક્ષ નીચે પોતાનું હોટલ ખોલવાનું શમણું સાકાર કરવાના વિચારોમાં રમમાણ રહે છે. પોતાનાં ગામની દીકરી કુસુમ હાજારી કામ કરે છે તે રાણાઘાટમાં જ રહે છે. હાજારી એને દીકરી માને છે અને એ એમને પિતા. હાજારીનાં જીવનમાં ત્રણ સ્ત્રીઓ છે આમ તો છ જેટલી પરંતુ પત્ની અને દીકરી ટેંપી-આશા સિવાય કુસુમ, અતસી અને સુહાસિની. ત્રણે એનાં ગામની છે. અતસી ટેંપીની મિત્ર અને સુહાસિની એને દૂર દૂરથી સગપણ કાઢીને ગામનાં ફુવા કહી એમના પ્રત્યે પુત્રીભાવ રાખે છે.હાજારીનું હોટલનું સપનું પૂરું કરવા ત્રણે એને પૈસા આપવા કહેતાં રહે છે પરંતુ નવલકથાના ૧૩૯ જેટલાં પાનાં પર હાજારીની મનોવેદના અને મનોમંથન જ ઉજાગર થતા રહે છે અને છેવટે અતસીનું લગ્ન થવાનું હોય છે ત્યારે એ હાજારીને દબાણપૂર્વક ૨૦૦/૦૦ ₹ આપે છે જેમાં કોઈ શરત નથી. કુસુમ વિધવા છે અને બે બાળકોની માતા છે. એને પણ અપેક્ષા નથી છતાં એ કમાઈને પાછા આપજો કહી આગ્રહ કરતી રહે છે અને સુહાસિનીને તો વળતર મળશે એવી આશા ખરી પણ વિશ્વાસથી પૈસા રોકવા તૈયાર થાય છે. આ ત્રણેને હાજારીની રસોઈકળાની આવડત પર ભરપેટ વિશ્વાસ છે.
પદમનો ત્રાસ વધી ગયા પછી અંતે એને કારણે પોતાને જેલમાં જવું પડે છે, જેલમાં પુરાવાના અભાવે છૂટી પણ જાય છે છતાં એને ફરીથી કામ પર રાખતા નથી એટલે એ અપમાન સાથે હાજારી ગામ જઈ નક્કી કરે છે કે હવે તો એ હોટલ ખોલશે જ. જોકે થોડા વખત એ અન્ય ગામે જઈને પણ ગૃહસ્થને ત્યાં નોકરી કરી આવે છે. અંતે અતસીના આગ્રહને વશ થઈ પૈસા લઈ, કુસુમ પાસે ફરીથી આવે છે અને કુસુમના પૈસા લઈ હોટલ શરૂ કરે છે અને જાતે જ કુશળ રસોઈઓ હોવાથી પ્રથમ દિવસથી જ નફો કરે છે અને ટૂંક સમયમાં પગભર થઈ જાય છે. રાણાઘાટમાં અન્ય હોટલોના ગ્રાહકો પણ એની તરફ વળી જાય છે. રેલ્વે પ્લેટફોર્મ પર હિંદુઓ માટે હોટલનો કોન્ટ્રાક્ટ પણ એને મળે છે અને અંતે સમગ્ર રેલ્વે લાઈન પરની તમામ હોટલોને સજ્જ કરવા હાજારીને તે સમયમાં ૧૫૦/૦૦ ₹.પગાર અને અન્ય સગવડ સાથે નોકરી મળે છે. પોતાની દીકરી ટેંપીને મનગમતા યુવક નરેન સાથે પરણાવે છે. એને પહેલાં પોતાની હોટલમાં મેનેજર તરીકે કામ પર રાખ્યો હોય છે. નવલકથાનાં અંતે કામ પર જતાં પહેલાં બેહાલ દશા પર આવી ગયેલા બેચુ ચોકકોતિ અને પદમને પોતાની હોટલમાં કામ આપે છે ત્યારે પદમને વાસ્તવિકતાનું ભાન થાય છે અને એ હાજારી સામે પગે પડે છે. એક સફળ વ્યક્તિ તરીકે હાજારીને કોઈ અભિમાન નથી. એને તો પદમ,બેચુ અને જદુ ત્રણ વ્યક્તિ સારી રીતે બોલાવે અને કદર કરે એટલે જ સંતોષ થઈ જતો હોય છે.
મને આ નવલકથા પ્રિય થઈ પડી છે. સાત પગલાં આકાશમાં પણ પ્રિય છે કારણ કે એમાં મનુષ્ય થવાની વાત છે. આ નવલ એટલે પ્રિય છે કે અહીં અદના આદમીનું મનુષ્યત્વ સહજપણે ઉજાગર થયું છે. નવલકથા વાંચતાં વાંચતાં શેખચલ્લી, મુંગેરીલાલ કે હસીન સપને, વાગલે કી દુનિયા યાદ આવે તો સાથે વિઠ્ઠલ કામતની જીવનકથા ઈડલી, ઓર્કિડ અને હું પણ યાદ આવે.આ દાધારંગી દુનિયામાં કોઈપણ વ્યક્તિ સતત ખરાબ અનુભવનાં કારણે આત્મવિશ્વાસ ખોઈ બેસે, ડરપોક બને, હિંમત જતી રહે અને અંતે ગુલામ બનીને રહી જાય પણ એને આશા હોય, આવડત પર ભરોસો હોય અને કુદરત સાથ આપે તો એ સપનાં સાકાર કરી શકે. આ નવલકથા ૧૯૪૦ માં લખાયેલી છે. ભારત દેશ આઝાદી આંદોલનમાં ગળાડૂબ હતો ત્યારે બંગાળનાં કોઈ નાના ગામમાં કેવું જીવન જિવાઈ રહ્યું હતું. એ સમયે માનવીય અને સ્ત્રીઓનો દરજ્જો કેવો હતો, લોકો બદલાતા વાતાવરણમાં કેવી એકલતા અનુભવતા હતા એનું તાદ્રશ ચિત્રણ વિભૂતિભૂષણજીએ કર્યું છે. અહીં ટેંપી અને નરેન સિવાય ખાસ કોઈ પ્રેમકથા નથી.પરંતુ પ્રેમનો જે સંદેશો છે તે મનુષ્યો વચ્ચે સંવાદિત સંબંધોનો. સ્ત્રીઓ પોતાની આવક અને બચત કરી શકતી હતી, ભાવુક હતી છતાં એમને માણસની પરખ હતી તો સામે છેડે એક ભલાભોળા માણસની માસુમિયત હતી. હાજારીને પોતાની કમાણી માટે કોઈ અધિકાર ભાવ ન હતો. એ પોતાની ત્રણે દીકરીઓને પોતાની આવકમાં ભાગીદાર બનાવે છે તો પોતાના જૂના શેઠને પણ આર્થિક રીતે સહાયભૂત થવા તત્પર રહે છે. રેલ્વે કેન્ટિન માટે ટેન્ડર માટે જે કાવાદાવા થાય તેમાં પણ હાજારી તો નિર્લેપ. ગીતામાં કહ્યું તેમ સ્થિતપ્રજ્ઞ.એને ફક્ત ને ફક્ત એ રસોઈકલામાં પારંગત હોવાનાં કારણે જ વિકસવાની તક મળે છે. જેઓ કામને મહત્ત્વ આપે છે,મહેનતુ હોય છે તેઓ છેવટે સફળ થાય છે આ વાત મને તો ખાસ્સી સ્પર્શી છે એટલે હું આ નવલકથાને મારી પ્રિય કથાઓમાં ગણું છું.
એ સમય હતો જ્યારે બ્રાહ્મણને લોકો માન આપતા,અડકાબોળાનો ખ્યાલ રાખતા. હાજારી ગરીબ બ્રાહ્મણ રસોઈઓ છે છતાં દરેક જગાએ એને આવકાર છે.સામે હાજારી પણ નમ્ર, વિવેકી, પ્રેમાળ અને ભોળી વ્યક્તિ તરીકે જ વ્યક્ત થતો રહે છે. એની પત્ની પણ એવી જ શ્રમજીવી, મહેનતુ અને ભોળી છે. નાની દુનિયા છે અને નાનાં નાનાં સુખની ચાહત છે. જોકે હાજારીની પત્નીને તો એવી કોઈ ઈચ્છા નથી એટલે એને શેઠિયાને ત્યાં મળતું હોય તેવું નોકરચાકર અને સાધન-સગવડનું સુખ મળે છે કે એ રાજીરાજી. તો પણ એને અંતે તો ગામ જ યાદ આવે છે અને એ ગામનાં ઘરે રહેવા ઈચ્છે છે. ભલે,હાજારી મુંબઈ જાય.અતસીને વૈધવ્યવેળા આવે છે,એ દુ:ખી છે પરંતુ એનો જીવનરસ જીવંત છે એટલે એને મુંબઈ જવું છે , જોવું છે,હરવું-ફરવું છે. લગ્ન પહેલાં પણ એને હાજારી પાસે રસોઈ શીખવી હતી.હાજારી પર પદમની તુમાખી ભરપૂર હતી છતાં જ્યારે એ હાજારીને પોતાની વાસ્તવિક સચ્ચાઈ બતાવે છે ત્યારે એને માટે જે નકારાત્મક છાપ ઊભી થાય છે ત્યાં સહાનુભૂતિ જાગે છે જોકે હાજારીને હવે એવી કોઈ વાતમાં રસ નથી પણ પદમદીદીને એ મદદ કરવા ઉત્સુક રહે છે. એ સતત સજાગ છે કે ભલે પોતાનું સતત શોષણ થયું પરંતુ બેચુ અને પદમ પાસે એને હોટલ ચલાવવા માટેની નાનીમોટી વાત શીખવાની મળી.પ્રસ્તાવનામાં ક્ષિતીશ રોય નોંધે છે કે લેખકને પાકશાસ્ત્ર અને હોટલ સંચાલનની નાની નાની વાતો વિશે જે જ્ઞાન છે એ જાત અનુભવ વગર ન આવે. જો કે તેઓ તો લેખકની પથેર પાંચાલીને વધારે સક્ષમ માને છે.
આ નવલકથામાં ૧૯૪૦ એટલે કે આજથી એંશી-બ્યાસી વર્ષ પરનું વાતાવરણ બતાવ્યું છે જેમાં ઉલ્લેખ છે કે બંગાળનાં ગામોમાં મચ્છર-મેલેરિયાનો કેર વર્તાયેલો અને મધ્યમવર્ગમાં એ જીવલેણ સાબિત થયેલો જ્યારે ગરીબ-શ્રમિક વસાહત એનાં કાળા કેરમાંથી કંઈક અંશે બચી ગયેલી. આજે ૨૦૨૧માં કોરોના મહામારીનું રૂપ પણ કંઈક આવું જ છે( પાનું:૧૭૨ ) . તે રીતે આ નવલકથા શહેરીકરણનાં કારણે ખાલી થતાં ગામડાં, વર્તાતી એકલતાનો પણ ખાસ્સો અણસાર આપે છે. તો સામે હાજારી કે એની પત્ની જેવાં સંતુષ્ટ જીવો પોતાની પાસે જે છે તેનો પણ આદર કરે છે.અહીં નારી પાત્રો વચ્ચે વિકસતા માનવીની કથા છે જ્યાં પિતૃસત્તાક વાતાવરણ હોવાં છતાં સ્ત્રીઓ પોતાનું વજૂદ જાળવીને રહે છે. આ નવલકથા આમ આદમીનાં જીવનની છે એટલે વધારે બળકટ છે.
મયૂર પટેલની વોલ પર તમને ગમતી નવલકથાના નામ આપો એવું વાંચીને મેં મને ગમતી નવલકથાનાં લખેલાં નામોમાં ‘આદર્શ હિન્દુ હોટલ’નું નામ હતું અને કેટલાક મિત્રોએ એ વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી તેમને માટે આ લખાણ. કલકત્તામાં વસેલા શિવકુમાર જોશીએ સરસ અનુવાદ કર્યો છે. શિવકુમાર જોષીની ‘ શ્રાવણી’ ( મને યાદ રહ્યું છે તે મુજબ) પણ મને ગમે છે. અવલોકન થોડું લાંબુ છે પરંતુ રસ ધરાવનારાંને ગમશે.
આદર્શ હિન્દુ હોટલ
નેશનલ બુક ટ્રસ્ટ
વસંત કુંજ, નવી દિલ્હી
કિંમત:₹૯૦/-
છેલ્લી આવૃત્તિ:૨૦૧૯
( બકુલા ઘાસવાલા )

આઝાદી કે દીવાને-ધનંજય રાવલ

આજે ૨૩મી જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ. અને તેમના વિશે ન લખું તેવું તો અશક્ય છે. પણ ઓછા શબ્દોમાં નેતાજી વિશે વધુ માહિતી કયા પુસ્તકમાં મળશે તેનું ચયન કરતો હતો ત્યારે વોટ્સએપના એક સમૂહથી મિત્ર બનેલા તેવા શ્રી ધનંજયભાઈ રાવલ દ્વારા સંકલિત પુસ્તક ‘આઝાદી કે દીવાને’ હાથમાં આવ્યું. તેમનાં આ પુસ્તકમાં ૧૧૧ એકથી એક ચડિયાતા ક્રાંતિકારીઓના શ્વાસ થંભાવી દે તેવા કારનામાઓનો માત્ર ૧૨૩ પાનાઓમાં સમાવેશ કરવામાં આવેલો છે.

 

આ પુસ્તકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી આપતાં ધનંજય રાવલજી લખે છે કે…

 

“કોંગ્રેસના અધિવેશનમાં સશસ્ત્ર ક્રાંતિના આગ્રહીની ભૂમિકાથી મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ સાથે મતભેદ થયો. ત્યારે નેતાજીએ કોંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ફોરવર્ડ બ્લૉક પક્ષની સ્થાપના કરી.

સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે જૂન ૨૨, ૧૯૪૦ના રોજ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. અંગ્રેજોની નજરકેદમાંથી તે અત્યંત રોમાંચકપણે ઝિયાઉદ્દીન નામથી ફરાર થયા. અફઘાનિસ્તાન-રશિયા માર્ગે તે જર્મનીમાં દાખલ થયા. હિટલર, મુસોલિની, ડી. વિલેરા વગેરે મોટા નેતાઓ સાથે નેતાજીએ સંપર્ક સ્થાપ્યો. નેતાજી જાપાન પહોંચ્યા બાદ ત્યાં ક્રાંતિકારી રાસબિહારી બોઝ સાથે સંપર્ક કર્યો. ‘આઝાદ હિંદ ફોઝ’ની આગેવાની લીધી.

 

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન સાથે મળી અંગ્રેજોના કબ્જામાંના આંદામાન નિકોબાર ટાપુ જીતી લીધા. જેનાં નામ ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’ રાખ્યાં.”

 

આ પુસ્તકમાં વાક્યરચનાઓમાં થોડી ભૂલો છે પણ સંકલિત માહિતી અમૂલ્ય છે. વાંચતાં રહેજો. નેતાજી સુભાષચંદ્ર બોઝને વંદન સાથે.

 

પુસ્તક : આઝાદી કે દીવાને-ધનંજય રાવલ

પ્રકાશક : હેમેન્દ્ર ભોગીલાલ શાહ, બુકશેલ્ફ

પૃષ્ઠ : ૧૨૩

કિંમત : ૧૨૫ રૂ.

એક શ્રાવણીની હ્રદયાંજલિ : એટલે : પ્રિય મમ્મી-પ્રિય પપ્પા

 

એક શ્રાવણીની હ્રદયાંજલિ : એટલે : પ્રિય મમ્મી – પ્રિય પપ્પા

“ હાલરડું એટલે
મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત “

-અજ્ઞાત

હિના પારેખે મમ્મી- પપ્પા માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે એક સરસ પ્રયાસ કર્યો અને સ્વજનો, મિત્રો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ દ્વારા વ્યક્ત થયેલી શબ્દાંજલિ દ્વારા એક ઉમદા, મહેનતુ, પ્રમાણિક, હોશિયાર, પ્રેમાળ, સમર્પિત શિક્ષક દંપતીનો પરિચય પ્રાપ્ત થયો. એમાં ફરજ પરસ્તિ, શિસ્તનો આગ્રહ, તટસ્થ વર્તનવ્યવહારની વાતો સાથે પ્રેમાળ માતા, બહેન, સખી, પત્ની, પુત્રી, પુત્રવહુ,  કાકી, મામી, ભાભી, નાની, પડોશી તરીકે હંસાબહેનનું વ્યક્તિત્વ ઉજાગર થાય છે. સાથે સતત મદનભાઈના દાંપત્યપ્રેમ અને સખ્યની વાતો વણાયેલી છે. સરેરાશ ભારતીય, ગુજરાતી પરિવારમાં એક શિક્ષિત દીકરી અને પત્ની આજથી પચાસ-સાઠવર્ષના સમયખંડમાં કેવી રીતે ઢાલ બની ઊભી રહે અને પોતાની ભૂમિકાને ન્યાય આપે તેની કથા એટલે હંસાબહેન મદનભાઈ પારેખનું જીવન અને કવન. કોકિલાબહેન, હિના, મદનભાઈ, રાજ, પ્રીતિ, દીપ્તિ, બંસરી, ચાંદની અને મારા સહિત પિસ્તાળીસ ભાવકોએ પોતાની ભાવના અહીં હંસાબહેન અને મદનભાઈ માટે વ્યક્ત કરી છે. દરેકને કદાચ એક વાત સતત કહેવી છે કે તેઓ અમારી નજીક હતાં અને છે તેની એમને ખાતરી છે. ગામમાં પિયર અને ગામમાં સાસરું સાથે સગાંસંબંધીઓમાં અંદરોઅંદર લગ્નસંબંધથી બનતો બૃહદ પરિવાર તેને સાચવવો અને છતાં સ્વચ્છ પ્રતિભાને અકબંધ રાખવી એ લોઢાના ચણા ચાવવા જેવી જ વાત છે પરંતુ પારેખ દંપતીએ એ ચણા ચાવીને પચાવી જાણ્યા છે તે પુસ્તકમાંથી પસાર થતાં અનુભવી શકાય છે.

આ પુસ્તકમાં ઘણા લેખો એવા છે કે જેની વાત કરવી જોઈએ પરંતુ મને સૌથી વધારે સ્પર્શ્યો તે લેખ છે, “રોટલી બા”. બંસરી શુકલ તો પાડોશીની દીકરી પરંતુ સમગ્ર મહોલ્લાનું એક જ પરિવારના હોવાનું દ્રશ્ય અહીં તાદ્રશ થાય છે. ત્યારે કોઈ બેબી સીટર કે ઘોડિયાઘરની જરૂર પડતી નો’તી. માતપિતા ઘરમાં ન હોય તો બાળક ભૂખ્યું ન રહે. પડોશમાં તમને દાદી અને ફુઈ મળી જ જાય. પડોશી દાદા વાર્તા કરે, દાદી ખવડાવે અને ફુઈ હાલરડાં- ખાયણાં- ગીતો ગાય અને માતપિતા નચિંત મને કામ પર જાય ! એઓ વળી એ દાદાદાદી ને ફુઈના દીકરા વહુ ને ભાઈભાભી બની રહે ! તે રીતે જ્યાં પડોશીની દીકરીના આવાં લાલનપાલન હોય ત્યાં દોહિત્રો ને દોહિત્રી તો માથે જ હોય ! અહીં એવું જ પરંતુ કોઈને પણ સંસ્કાર આપવામાં બાંધછોડ નહીં. મને એટલે જ બંસરીની સાથે “મારા પ્રેમાળ માસી- પાર્થ રાવલ”, “માસીની ચોથી દીકરી- અમી રાવલ” તથા દોહિતરાં રાજ અને ચાંદનીના લેખો પણ ખૂબ જ ગમ્યા. કોકીલાબહેન અને હિનાનું તર્પણ તો લાજવાબ છે.

હંસાબહેન જમનાબાઈનાં વિદ્યાર્થિની અને પછી શિક્ષિકા આ વાત મારાં માટે અગત્યની છે. હું પણ જમનાબાઈની વિદ્યાર્થિની. વળી જમનાબાઈ મારાં તો વડદાદી. જોકે અમે ક્યારેય જમનાબાઈને જોયાં નહીં પરંતુ જમનાબાઈની એક એક વિદ્યાર્થિની, આચાર્યા અને ટીચર એટલે ખુદ જમનાબાઈ એવો અહેસાસ મને કાયમ રહ્યો અને હિનાએ જે વિશ્વાસથી મને હંસાબહેન વિશે લખવા ઈજન આપ્યું તેથી તે બેવડાયો.
મારે તો હિના વિશે પણ ખૂબ લખવું છે કારણ કે પરાણે વહાલી અને મીઠડી લાગે તેવી આ શ્રાવણીએ જે સંકલન કર્યું છે તેમાં નિર્ભેળ પ્રેમ જ વણાયેલો છે. હિનાને ધન્યવાદ.

( બકુલા ઘાસવાલા )

એક નોખું અનોખું પુસ્ત ક : ધી સિવિક કોડ

IMG-20151023-WA0032

‘‘મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, મગર મેરી પીડા સહી હૈ”

લેખક ડો. ગોરા નવીનચંદ્ર ત્રિવેદી એમના પુસ્તરક વિશે લખે છે કે મારી મેઈન સ્ટ્રીલમ બુક ‘ધ સિવિલ કોડ’ માટે છેલ્લા ૨ વર્ષથી મુદ્દા ભેગા કરતી હતી. ૫ લીગલ બુકસ લખી, પછી આર્ટીકલ્સિ-બ્લોમગ-પોસ્ટડની યાત્રા શરૂ થઈ, મજા આવતી ગઈ તેમ લખતી ગઈ. મેં એક વાત નોંધી કે એક મોટો વર્ગ દેશમાં-સમાજમાં બદલાવ ઈચ્છેત છે અને તે માટે પ્રયત્નત કરવા પણ તૈયાર છે, પણ કોણ કરે અને શું કરે તે સવાલ હોય છે મેં આ જ વિષય હાથ પર લીધો. ‘દેશ માટે-સમાજ માટે’ આપણે શું કરી શકીએ.?

આ બુકમાં મેં કોઈના વિચારો-મંતવ્યોલ નથી લીધા, ત્યાં સુધી કે મારા વિશે પણ લખવાનું ટાળ્યું છે, ‘લેખક’ નો પરિચય એટસેટરા… ફકત અને ફકત મુદ્દાની જ વાત. મારો હેતુ હતો કે તમામ ઉંમર-સમજણના લોકો વાંચે. સારો વાચક તો એક જ બેઠકે બુક પૂરી કરી શકે તેમ હોય.

દિવાળી પહેલા લોન્ચ કરવાનું ખાસ કારણ એ છે કે આપણે દિવાળીમાં મિત્રોને, કર્મચારીઓને, અધિકારીઓને, વડીલોને ગીફટ આપવામાં ઘણા કન્ફણયુઝડ હોઈએ છીએ. બુકે, મિઠાઈ, ચોકલેટ્સ‍, રોકડા કે કોઈ પણ ફોર્મલ ટીપીકલ ગીફટ એવા પણ લોકો હોય છે કે જેમને કંઈ પણ દેવુ અઘરું હોય છે. આ વખતે આ બુક લોકોને ગીફટ કરજો. ફકત મારી બુક છે એટલે નહિં. આ વાંચીને દેશ – સમાજમાં લોકો જે સારું ઉમેરી શકે તે આ દેશને-સમાજને દિવાળીની ગીફટ રહેશે.

રાજકોટવાસીઓ રાજેશ બુક સ્ટોંર, લોધાવાડ ચોક, રાજકોટનો સંપર્ક કરી શકે છે. મારા ઘરે ચા પીને બુક લઈ જવાનો વિકલ્પુ છે જ. બાકીના તમામ મિત્રો આ પુસ્તજક માટે (+૯૧) ૭૪૦૫૪૭૯૬૭૮ નો સંપર્ક કરવા જણાવ્યુંં છે.

પ્રસ્તાજવનામાં લેખક લખે છે કે આપણે ભારતના લોકો… વી ધ પીપલ ઓફ ઈન્ડિ યા… અમે ભારતના લોકો… આપણા બંધારણના સૌથી પહેલા શબ્દો . મારું ખૂબ ગમતું વાકય કે સ્લો૭ગન હું આ રીતે જ શરૂ કરવાનું પસંદ કરું. અહીં આ બુકની વાત કરીએ તો… વી ધ પીપલ ઓફ ઈન્ડિમયા એટલે આપણે ભારતના લોકો. અહીં મારે આપણી વાત કરવી છે. આપણી એટલે કે ભારતના લોકોની ! કેવા છે ભારતના લોકો? આપણે આપણા ભારત દેશ જેવા છીએ, પંચરંગી!

કયારેક આપણે તદ્દન મિડીયોકર એટલે કે મધ્યરમવાદી છીએ તો અમુક વાતોમાં આપણે અંતિમવાદી છીએ. આપણે આપણા મોરલ અને એથિકસ સમય સંજોગો પ્રમાણે બદલી નાખીએ છીએ. સારું છે કે ખરાબ તે ખબર નથી! હા, પણ એક વાત ચોક્કસ છે કે આપણે દેશપ્રેમી નથી! આ વાત જાણે સદીઓથી સાચી હતી અને આજે પણ સાચી જ છે. આ દેશના ઈતિહાસમાં ગદ્દારોની કોઈ કમી નથી. આટલા તાકાતવાળા અને આટલા વધુ સંખ્યાદમાં હોવા છતાં આપણે અનેક લોકોને આપણા પર રાજય કરવાનો મોકો આપ્યોા છે અને દુઃખની વાત તો એ છે કે આપણે ઈતિહાસમાંથી કંઈ શીખ્યાજ જ નથી.

આજે દેશ આઝાદ થયે ૭૦ વર્ષ થવા આવ્યાઅ. પણ હજુ આપણે આપણી જવાબદારી સમજતા નથી. જવાબદારી એટલે શું? તમારે અને મારે બોર્ડર પર જઈને યુદ્ધો નથી કરવાના. આપણે આપણા સમાજમાં આપણા ભાગે આવતી ફરજો જ નિભાવવાની છે, પણ….

જે દેશમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકશાહી સાચવવા ચૂંટણી થતી હોય અને ૫૦% થી ઓછું મતદાન થતુ હોય તે દેશના લોકો પાસે બીજી કઈ જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખી શકાય? લોકશાહી આપણને ખૂબ ગમે છે. કારણ આપણે આપણને વ્યાેજબી લાગે એમ વર્તી-જીવી શકીએ છીએ. પણ લોકશાહીના નિભાવ માટે મત આપવા જવા જેટલી તસ્દીે લેવા પણ આપણે તૈયાર નથી. ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે. એ કંઈ બોલીવૂડનું મુવી નથી કે જેની પ્રસિદ્ધિ-જાહેરાત-ભલામણ કરવી પડે, ભાગ લેવા લોકોને લલચાવવા-શરમાવવા-સમજાવવા પડે?

પરિવર્તન-બદલાવ-સુધારો બધાને જોઈએ છે, પણ એ માટે પોતાનો કોઈ જ ફાળો આપવો નથી, થોડા પણ શિક્ષિત લોકો ભેગા થાય એટલે ‘આ દેશમાં આ ખામી છે’ આ તકલીફ છે ની કાગારોળ શરૂ કરી દેશે. ઉગીને ઉભા થતા જુવાનીયાઓ, જેમને પોતાના વાહનનું પંચર થયેલુ ટાયર બદલતા પણ નથી આવડતુ તેમને પણ દેશ બદલી નાખવાની જરૂર છે તે ખબર પડે જ છે.

પોતાના દેશ-સમાજ કે કુટુંબને પાંચ પૈસાની મદદ ન કરી શકતો માણસ પણ દેશ કેમ ચલાવવો જોઈએ તે વિશે વિદ્વત્તાભર્યું ભાષણ આપી શકે છે.

દુનિયા બદલાઈ રહી છે અને ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આપણા પછી આઝાદ થયેલા કે ઉભા જ થયેલા દેશ આપણા કરતા ઘણા આગળ દોડવા લાગ્યાષ છે. વોર્નીંગ સિગ્નલ વાગી ગયું છે. ‘દોડો કે હારો’ આપણે બધા જ અંદરથી સમસમી ગયા છીએ કે, ‘હા ! હવે કંઈક નક્કર કરવું રહ્યું’ પણ શું? અને કોણ કરે? (યસ! શું કામ કરે? એ પ પ્રશ્ન ઘણાને હશે જ, પણ અહીં આપણે વિદ્વાનોને આરામ આપીશુ અને કર્મિષ્ઠ( લોકોની જ વાત કરીશું.)

આ દેશમાં બે વાતની મોટી ખોટ છે. એક સારા નેતૃત્વકની અને બીજી દેશદાઝની! દરેક વ્યપકિત કોઈક બીજુ સમાજ માટે કંઈક કરે એની રાહ જુએ છે.

આપણે નવું કંઈક વિચારવુ અને અમલમાં મૂકી દેવું એવો કન્સેનપ્ટા જ નથી. દરેક વાતની ચર્ચા- વિચારણા કરવી, પાંચ લોકોના મત લેવા (જેથી આપણે કામનો પ્રયત્નન કર્યો હતો એવો જવાબ આપણી જાતને આપી શકીએ અને પાંચની વાત આવશે એટલે નક્કર તો કંઈ થશે જ નહિં એટલે ચિંતાનો તો વિષય જ નથી) અને પછી બધા સર્વાનુમતે નક્કી કરે તેમ કરવુ એટલે કે ઓલમોસ્ટ્ કંઈ જ ન કરવું. નેતૃત્વવ ટાળવાના કારણોમાં સૌથી પહેલા તો પોતાની જાત પરના વિશ્વાસનો જ અભાવ છે અને બીજું આ દેશે ઉમદા નેતૃત્વાને ઈતિહાસમાં ખોટું જ પાડયુ છે. હવે શું કરીશું? ઈતિહાસ જ વાગોળતા રહીશું? ના! આજે શરૂઆત કરીએ, તમારા અને મારાથી શરૂઆત કરીએ, આપણા રસ્તાા લોકો મળે અને ટીમ બને તો ‘હરીકૃપા’ અને જો આપણે એકલું જ ચાલવાનું આવે તો ‘હરી ઈચ્છાક’. જો કે એવું થશે નહીં.

હું આ બુક લખું છું અને તમે આ બુક વાંચો છો એટલે આપણે બે તો થયા જ ને? ! એટલે હવે એકલાની વાત અહીં પૂરી થઈ. મને વિશ્વાસ છે કે તમારા અને મારા જેવા કરોડો લોકો આ દેશમાં જે ‘હકારાત્મ ક પરિવર્તન’ લાવવા માગે છે અને પોતાનો ફાળો આપવા પણ તૈયાર છે, પણ રસ્તો‘ નથી. અહીં હું મારા અવલોકન, સમજણ અને અનુભવને આધારે અમુક મુદ્દા મુકું છું. ચાલો ! અહીંથી અને આ રીતે શરૂ કરીએ

પુસ્તીક : ધ સિવિક કોડ
પાના : ૧૮૦
કિંમત : ૨૨૫ રૂ.
પ્રકાશક- :ડો. ગોરા એન. ત્રિવેદી (પી.એચ.ડી, એલ. એલ. એમ. બી.એસસી, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-, શ્રી એચ. એન. શુકલા કોલેજ ઓફ લીગલ સ્ટાડીઝ, રાજકોટ.
પ્રકાશન : શ્રદ્ધા, શ્રી રામ પાર્ક મેઈન રોડ, આરએમસી સ્વીલમીંગ પુલ, આત્મીાય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૦૨૮૧-૨૫૭૭૧૭૮- ૭૪૦૫૪ ૭૯૬૭૮-૮૯૮૦૦ ૯૨૨૫૫)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિશે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં સળંગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખકની બુકનું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને અને તેના લેખકને જાય છે, જેના માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તક નું નામ છે ‘એલ્કેમીસ્ટ’ અને લેખક છે પોલો કોએલો. એલ્કેમીસ્ટ એટલે કીમિયાગર-સામાન્ય ધાતુને સોનામાં પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામાન્ય છોકરાની અસામાન્ય સફરની છે. દૂરના પર્વતીય પ્રદેશના નાના ગામમાં રહેતા એક યુવાનની વાત. યુવાન જે એક ઘરેડનું જીવન જીવે છે તેનાથી કૈંક વિશેષ ઈચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકોની છે જે પોતાના અંત:કરણ ના અવાજ ને અનુસરવાની તૈયારી બતાવે છે. યુવાનને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પિરામિડોમાં તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરતના સંકેતોને સમજે છે અને પોતાના વતનથી ખુબ જ દુર આવેલા પિરામિડો સુધી જવા તૈયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેતના આધારે આમ અજાણી લાંબી મુસાફરી કરવાનો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેનાથી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરીવાળા પર્વતો છોડી રણમાં પ્રવેશે છે. તેની તમામ મૂડી લૂંટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયાની જરૂર છે અને તેમાટે તે એક કાચની દુકાને કામ કરે છે. ત્યાં કાચના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મનની નકારાત્મકતા પણ સાફ થઇ જાય છે. થોડા જ સમયમાં તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પિરામિડો તરફ આગળ વધવા લાગે છે. રણમાં હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાનને કૈક શીખવે છે. યુવાન રણમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાનાના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહીં રહી જઈને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરુ એટલે કે એલ્કેમીસ્ટ–કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તું સંકેત ને અનુસરે છે એટલે ખુશ છે. જો તું સંકેતોને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’. સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપના ની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણા નું કામ કરે છે.

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંત:કરણ ના અવાજને અનુસરે છે અને આગળ વધે છે. એલ્કેમીસ્ટ યુવાનને શીખવે છે કે ‘જો તું તારા સ્વપ્નને પુરું કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટી તને તારા સ્વપ્ન સુધી પહોંચવાના કામે લાગી જશે.’ અને એમ જ બને છે, કુદરતના સંકેતો આ યુવાનને દરેક મુશ્કેલીમાંથી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એને શીખવાની હોય છે.

આપણે બધા જીવનમાં કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંત:કરણ આપણને આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે. પણ મોટાભાગના લોકો પોતાના અંત:કરણ ને અનુસરવાની, અશક્ય લાગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જીવાતું હોય તેમ જીવવા ટેવાઈ જઈએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન–ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પુરું કરવાની જવાબદારી કુદરતની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવનમાં આપણા સ્વપ્ન સુધી પહોંચવામાં જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતા નો ડર. જો આપણે આ ડરને દુર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. અલ્કેમીસ્ટના ઉદાહરણથી આ વાર્તાંમાં એક સરસ વાત કહેવાઇ છે. અલ્કેમીસ્ટ એટલે ધાતુ ને સોનામાં રૂપાંતરિત કરનાર નહીં, એલ્કેમીસ્ટ એટલે પોતાની જ અંદરની શક્તિઓ ને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવાનું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચી- ખોટી, સારી-ખરાબ વાતના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરતમાં રહેલી દરેક વસ્તુ આપણી સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈક કહે છે. કુદરતની પોતાની એક ભાષા છે. તમે જો સાચા રસ્તા પર હોવ અને કુદરત સાથે ચાલતા હોવ તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગતના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તકમાં હિંમત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમની કસોટી સમજાવાઈ છે. જીવનનો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાનની સાહસ કથાથી વધુ જીવન જીવવાની રીતની વાત છે. આ પુસ્તકમાંથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધીમાં તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાત ને વાર્તા ને બદલે જીવનની મુસાફરીની વાત સમજવી.

તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

(ડો. ગોરા ત્રિવેદી)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો
પ્રકાશક : આર.આર.શેઠની કું
પૃષ્ઠ :
કિંમત : રૂ. ૧૦૦/-

આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

મિત્રો, આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ?

Savitri

કથા તંતુ

‘સાવિત્રી’ની સમગ્ર કથા મહાભારતના આરણ્યક પર્વમાં ૨૪૮ અધ્યાયથી શરૂ થાય છે.

 .

સંતાન વિહોણો રાજવી અશ્વપતિ અઢાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાને અંતે ભગવતી સાવિત્રી દેવી પ્રસન્ન થઈ વરદાન આપે છે કે તેને ત્યાં અદ્વિતિય પુત્રી થશે. સાવિત્રી દેવીના વરદાનથી પ્રાપ્ત થયેલી પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવે છે. સત્યવાનના અલ્પાયુષ્યને જાણવા છતાં તે તેને જ જીવનસાથી તરીકે પસંદ કરે છે. લગ્ન પછી એક જ વર્ષમાં મૃત્યુ જેના ભાવિમાં છે એવા સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાન પાછો મેળવે છે. આ સમગ્ર કથાતંતુને ગૂંથીને શ્રી અરવિંદે તેમની અમર ‘સાવિત્રી’ રચી છે.

 .

સાવિત્રી આંકડાશાસ્ત્રમાં

‘સાવિત્રી’ ૮૧૬ પાનાનો ગ્રંથ છે.

‘સાવિત્રી’માં ૧૨ પર્વ છે.

‘સાવિત્રી’માં ૪૯ સર્ગ છે.

‘સાવિત્રી’માં ૪૯માંથી ૨૨ સર્ગ એકલા અશ્વપતિની યાત્રાના છે. એટલે કે ૮૧૬માંથી ૩૭૦ પાનાં માત્ર અશ્વપતિને ફાળવ્યાં છે.

‘સાવિત્રી’માં ૨૩૮૬૪ પંક્તિઓ છે.

બરાબર ૩૬૫મી પંક્તિએ સત્યવાનનું મૃત્યુ થાય છે.

સાવિત્રીનું ટાઈટલ ૨૪ અક્ષરોનું બનેલું છે.

શ્રી અરવિંદે સાવિત્રીનું પાંચ વખત પ્રૂફરીડિંગ કરેલું છે.

સાવિત્રીની કેટલીક પંક્તિઓ ૧૧ વખત મઠારવામાં આવી છે.

૪૦૦ પંક્તિઓ એવી છે જે શ્રી અરવિંદે એકીસપાટે ઉતરાવી છે.

૧૬૪૬માં ‘સાવિત્રી’ પર ૪૬૦ ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું.

સાવિત્રીમાં ૭ પ્રકારનાં અજ્ઞાનની ચર્ચા થઈ છે.

 .

સાવિત્રી શું નથી ?

(૧) સાવિત્રી મહાકાવ્ય સામાન્ય અર્થમાં જેને સાહિત્યકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તેવી કોઈ સાહિત્યકૃતિ નથી.

(૨) મહાકવિ શ્રી અરવિંદનો કેવળ કલ્પનાવિહાર નથી.

(૩) મનોમય ચેતનાના સ્તરે સર્જાયેલી કોઈ કવિતા માત્ર નથી.

(૪) શબ્દોની સુમેળભરી લયબદ્ધ રચનામાત્ર નથી.

.

શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ

એક તફાવત

‘સાવિત્રી’ મહાકાવ્યનો અભ્યાસ કરતી વખતે શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ વચ્ચેનો તફાવત સમજી લેવો ખૂબ જરૂરી છે. આ અંગે ટૂંકમાં ત્રણ મુદ્દા યાદ રાખવા જેવા છે.

(૧) ‘સાવિત્રી’ મહાકાવ્યમાં ‘અશ્વપતિ’ નામ સતત આવ્યા કરે છે. ‘સાવિત્રી’ ઉપર લખાયેલાં લગભગ તમામ પુસ્તકોમાં આ શબ્દપ્રયોગ થતો રહ્યો છે. અને હવે તો તેમ કરવું એક પરંપરા થઈ ગઈ છે. સામાન્ય વાચકો પરંપરાને સત્ય તરીકે સ્વીકારતા થઈ જાય છે.

(૨) વાસ્તવમાં અશ્વપતિની જગ્યાએ શ્રી અરવિંદ એક વંચાવું જોઈએ. અશ્વપતિ શબ્દપ્રયોગનો અભ્યાસ આપણને સતત પ્રાચીન વાર્તા તરફ લઈ જાય છે. ખરા અર્થમાં મહાકાવ્યનો પહેલો અર્ધો ભાગ અને એક મહાન ભાવિના પાયા નાખવાની મથામણરૂપે આલેખાયો છે. અશ્વપતિ ભૂતકાળની દંતકથાનું પાત્ર છે. જ્યારે શ્રી અરવિંદ માનવીના મહાન ભાવિનું પ્રતીક છે.

(૩) અશ્વપતિ એ વાર્તાનું એકમાત્ર પાત્ર છે જ્યારે શ્રી અરવિંદે સાવિત્રીમાં પોતાની નક્કર આધ્યાત્મિક અનુભૂતિનું વર્ણન કર્યું છે. તે તેમના અનુભવો અથવા તેમની આત્મકથા છે. આમ શ્રી અરવિંદ અશ્વપતિ કરતાં વિશેષ એવી બાબત છે જેનું વર્ણન થઈ શકે એમ નથી.

.

મહાકાવ્યનાં પ્રતીકો અને પાત્રસૃષ્ટિ

સાવિત્રી:

મહાકાવ્યમાં સાવિત્રી જગદંબાના અવતારનું પ્રતીક છે. પ્રકાશ અને જ્ઞાનની દેવી છે. અને તે સત્યવાનને મૃત્યુના સકંજામાંથી મુક્ત કરવા અને વિશ્વને દિવ્ય જીવન બક્ષવા અવતાર લે છે.

 .

સત્યવાન :

સાવિત્રીનો પતિ છે. તેનો આત્મા મૃત્યુલોકમાં અવતરે છે. તે જગત આત્માનું પ્રતીક છે.

 .

અશ્વપતિ :

સાવિત્રીનો પિતા છે. તે સમગ્ર માનવ સમાજનો પ્રતિનિધિ છે. તે મા ભગવતીને પ્રસન્ન કરે છે. તે પૃથ્વી પર દિવ્ય જીવન અવતરે તે માટે અંધકારનાં પરિબળો સામે લડે છે. તે યોદ્ધાનું પ્રતીક છે.

 .

રાણી:

રાજા અશ્વપતિની પત્ની અને ‘સાવિત્રી’ની માતા છે. તે સામાન્ય સ્ત્રીનું પ્રતીક છે. મહાભારતમાં તેનું નામ માલવી છે. સાવિત્રી મહાકાવ્યમાં તેનું નામ નથી.

 .

નારદ :

ત્રિકાલજ્ઞ નારદમુનિ, સાવિત્રી અને સાવિત્રીની માતાને અલગ અલગ રીતે અસર પહોંચાડે છે. તે સાવિત્રીના તેજસ્વી ધ્યેયને આકારબદ્ધ કરી આપે છે. પ્રેમની શક્તિ મારફતે અજ્ઞાન પર વિજય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને ક્રિયાવંત કરે છે. નારદ ટીખળનું પાત્ર નથી.

 .

દ્યુમત્સેન :

સત્યવાનનો પિતા છે. સાલ્વા દેશનો રાજવી છે. તેનું રાજ છીનવી લેવામાં આવ્યું છે. તે અંધાપો ભોગવે છે. તે માનવ અંધકારનું પ્રતીક છે. તે માનવ મનનું પ્રતીક છે.

 .

રાણી :

સત્યવાનની માતા અને સાવિત્રીના સાસુ છે. તે પણ અંધાપો ભોગવે છે.

 .

યમદેવ :

ભારતીય સંસ્કૃતિમાં યમને પણ દેવ ગણવામાં આવ્યા છે. યમ માત્ર મૃત્યુનું પ્રતીક નથી, અજ્ઞાનતા, અંધકાર અને દિવ્યતા સામે લડનારું કોઈ પણ તત્વ યમ છે. યમદેવનું બીજું નામ ધર્મરાજા છે.

 .

‘સાવિત્રી’ મહાકાવ્યમાં જુદી જુદી ઋતુઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. શ્રી અરવિંદને વસંત ઋતુ ઘણી ગમતી હતી. આ બધી ઋતુઓ પણ પ્રતીક છે.

 .

ઉનાળો : પૃથ્વીની અભીપ્સાનું પ્રતીક છે.

 .

ચોમાસું : સ્વર્ગમાંથી ઊતરતું વરદાન.

 .

વચગાળાની મોસમ : વિકાસની પ્રક્રિયાનું પ્રતીક છે.

 .

વસંત ઋતુ : ફળ અથવા નવા બાળકના જન્મનું પ્રતીક

 .

સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ : ૧૩૮

કિંમત : ૧૦૦/-

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૧, પુન:મુદ્રણ : ૨૦૦૩

આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – હૈયું, કટારી અને હાથ

2-Image (25)

 

1-Image (26)

.

આપણી પોલીસ આજે પણ ‘મે આઈ હેલ્પ યુ’નાં બોર્ડ પ્રદર્શિત કરવા છતાં સમાજને બહુ ખપમાં આવતી ન હોય તેવો વ્યાપક અનુભવ અને માન્યતા છે. ક્યાં તો તે રાજકારણીનું કહ્યું કરે છે, ક્યાં તો તે પૈસા ખાઈને કામ કરે છે, પરંતુ સામાન્ય માણસની મુશ્કેલીના સમયે તે ભાગ્યે જ મદદે આવે છે. જુવાનસિંહ જાડેજા ૧૯૫૧માં કચ્છમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે જોડાય છે અને ૩૮ વર્ષની નોકરી બાદ ડેપ્યુટી કમિશનર પોલીસ તરીકે ૧૯૮૮માં નિવૃત્ત થાય છે. તેમણે જે હિંમતપૂર્વક અને કોઈની શેહશરમ ભર્યા વિના સમાજહિતમાં જે કામગીરી બજાવી તેની કારકિર્દી ગાથા ઉપર લખી તે વ્યાપક લાગણીને ખોટી ઠેરવે છે. પુસ્તકના વાચન પછી એવું કહી શકાય કે પોલીસ હોય તો આવી ! અથવા આવા પોલીસો તંત્રમાં વધુ પ્રમાણમાં હોવા જોઈએ વગેરે વગેરે.

 .

૮૦ પછીની ઉંમરે જુવાનસિંહ પોતાની સ્મૃતિનો કબજો લઈ બેઠેલા નોકરીના પ્રસંગો અકબંધ અને અંકોડાબદ્ધ રીતે જાતે લખે છે જે કચ્છ અને સૌરાષ્ટ્રનાં બે દૈનિકોમાં હપ્તાવાર પ્રગટ થાય છે. જાણીતા અને અજાણ્યા વાચકોનો પ્રેમાદર મેળવી જાય છે. અને છેલ્લે તેમનાં જીવનસાથી, જાણીતાં લેખિકા અરુણા જાડેજા, આખા પ્રકલ્પને પુસ્તક રૂપે પ્રગટ કરી તેને પૂર્ણતા બક્ષે છે. વિવિધ તબક્કે આત્મવિશ્વાસ અને હિંમતની કેવી કસોટી થાય છે અને તેમાંથી જુવાનસિંહ સફળતાપૂર્વક કેવી રીતે બહાર આવે છે એ ઘટનાઓ તો જાતે વાંચીએ તો જ મઝા આવે.

 .

સૌથી મહત્વની વાત એ છે કે બધી ઘટનાઓ અને અનુભવો ખૂબ પારદર્શક રીતે રજૂઆત પામ્યા છે. ક્યાંય આત્મશ્લાઘા કે દિલચોરી કરી હોય તેવું જણાતું નથી. ભાષા પણ અત્યંત સાદી-સીધી અને સામે બેસીને વાતચીત કરતા હોય તેવી. તેમણે લખ્યું છે કે તેમના આદર્શ તેમના પિતાશ્રી શિવુભા મેરજીભા જાડેજા (ખેડોઈ) અને મોકાજીભાઈ ડોશાજીભાઈ જાડેજા (નળિયા) હતા. એમના આદર્શોનું પાલન કરતા હોવા છતાં તેઓ પ્રમાણસરના પ્રામાણિક હતા તેવો એકરાર તેમણે કર્યો છે. પૈસો એ જરૂરિયાત છે. પણ વૈભવ નથી અને સ્વમાન કે આબરૂના ભોગે થતું વર્તન શોભનીય નથી. એટલે કે સ્વમાન ગીરવે ન મૂકવું જોઈએ તથા પોલીસની ફડક લોકો પર રહેવી જોઈએ. આવી પોતાની માન્યતાઓ તેમણે પ્રગટ કરી છે. છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પોલીસખાતાની બદીઓ વિશે તેમણેવિચારપૂર્વક અને નિખાલસતાભર્યા જવાબોમાં પોતાના વિચાર પ્રગટ કર્યા છે.

 .

(૧) ‘પોલીસખાતામાં લાંચનું પ્રમાણ ઓછું હોય છે પણ લાંચ આપનારને લાંચ આપ્યા પછી એનો કોઈ નાણાકીય લાભ મળતો નથી એટલે પછી એ લાંચ આપનાર પોતે જ બૂમાબૂમ કરી મૂકતો હોય છે, પોલીસને વગોવી મૂકે છે.’

 .

(૨) ‘હું તો માનું છું કે ગુનેગાર પર બને તેટલો ત્રાસ ગુજારીને ગુનો શોધી કાઢવાનો પ્રયત્ન થવો જોઈએ જેથી બીજી વાર ગુનો કરતી વખતે એના પર ગુજારવામાં આવેલો આ ત્રાસ એની નજર સામે રહ્યા કરે.’ (પાન – ૭૮થી ૮૦)

 .

કેટલેક ઠેકાણે રાજકારણીઓનાં અને અધિકારીઓનાં નામો અપાયાં છે તો કેટલેક ઠેકાણે અપાયાં નથી, તેમાં જુવાનસિંહનો વિવેક પ્રગટ થાય છે. સારા પોલીસ અધિકારીએ ધ્યાને રાખવા જેવી બાબતો લેખકે પરિશિષ્ટ રૂપે રજૂ કરી છે. આમ નવા અને કામ કરતા પોલીસો માટે આ પુસ્તકનું શૈક્ષણિક મૂલ્ય ઘણું બધું છે. પોલીસતંત્રની આંટીઘૂંટી અને કાવાદાવા વચ્ચે એક બહાદુર અને હિંમતવાન અધિકારી કેવું બેનમૂન કામ કરી શકે છે તે જાણવા અને પ્રેરણા મેળવવા આ પુસ્તક વાંચવું રહ્યું.

 .

( ડંકેશ ઓઝા )

 .

આ પુસ્તકમાંથી મને ગમતા અંશો :

 .

અમારા પોલીસખાતાના એમણે (મોકાજીભાઈએ) થોડાક મહત્વના સિદ્ધાંતોનો પાઠ મને આપેલ જેનું મેં હંમેશાં પાલન કરેલ. જેમાં મુખ્યત્વે…

–     એક તો જ્યાં મોત એટલે ખૂન, આપઘાત, અકસ્માત હોય ત્યાં બીજા કોઈની વાત સાંભળવી નહીં, આત્મા કહે એ જ કરવું.

–     લૂંટ, ચોરી, વિશ્વાસઘાત, ઠગાઈ, ધાડ જેવા મિલકતા વિરુદ્ધના ગુનાઓમાં ગુનેગાર પાસેથી ક્યારેય પૈસા લેવા નહીં.

–     કોઈ પણ ગુનામાં પૂરેપૂરી ચકાસણી કરીને જ ગુનેગારને પકડવો પણ ત્યારે કોઈ ખોટો એટલે નિર્દોષને જાણીજોઈને પકડવો નહીં, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું.

–      કોઈ પણ, બાઈમાણસ જો એ ખરેખર ગુનેગાર ના હોય તો એની સાથે હંમેશાં સારો જ વ્યવહાર કરવો.

–     કોઈને ખોટાં વચન આપવાં નહીં અને જો કોઈને વચન આપો તો એ પાળી બતાવો.

–     કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, તમારા બોલ પર દરેકને ભરોસો પડે તેવું કરો.

 .

હું કચ્છમાં હતો ત્યારથી મિયાણા કોમના ઘણા માણસો તેમજ ગુનેગારોના સંપર્કમાં આવવાનું થયેલ. એ બધા રીઢા ગુનેગારો અને ખતરનાક ખરા પણ સામે મારા જન્મજાત સંસ્કારોને લીધે અને જિંદગીના થતા ગયેલા અનુભવોને લીધે મનમાં એવી પાકી ગ્રંથિ બંધાતી ગઈ છે કે તમારું મોત લખાયું હશે તો કોઈ બચાવી શકશે નહીં અને મોત નહીં લખાયું હોય તો કોઈ મારી શકે નહીં. એ સત્તા તો ફક્ત ઈશ્વરના હાથમાં રહેલી છે. હું તો એમને મોઢે કહેતો, ‘હું તમારા બધાની રગેરગ જાણું છું. તમે લોકો ખૂન કરી શકો છો, બહારવટું ખેડી શકો છો, ચોરીચપાટી કરી શકો છો, મોટી મૂછો કે થોભિયાં રાખો, હાથમાં ધારિયાં અને ખભે કુહાડી રાખીને સુરેંદ્રનગરની બજારમાંથી નીકળો, તમારી ઘરવાળી અને છોકરીઓ ઘરે દારૂ વેચે કે દારૂ પીવાવાળા તમારા ઘરે આવે પણ તમારામાં સાચા મરદ કેટલા નીકળે ! મને તો તમે ક્યારેય બિવડાવી નહીં શકો.’

 .

હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા

પ્રકાશક : સ્વાતિ પ્રકાશન

પૃષ્ઠ : ૧૬૮

કિંમત : ૨૦૦/-

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શ્યામની બા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

1-1

2-2

.

અક્ષરધનનું અમૃત

 .

પૂણેમાં દત્તા પુરાણિક નામે એક દાદાજી છે. એમની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે. હાલમાં જોકે પથારીવશ છે. પણ હજી હમણાં સુધી એમનું એક વ્રત હતું. દિવસમાં ઓછામાં ઓછી શ્યામચી આઈ નામના પુસ્તકની એક નકલ વેચવી. એક પણ પ્રત વેચાય નહીં તે દિવસે જમવાનું નહીં. ઉપવાસ કરવાનો. ભાગ્યે જ એમને ઉપવાસ કરવાનો વારો આવ્યો છે. આવી ભક્તિથી શ્યામચી આઈ વેચનારા હોય ત્યારે એ મરાઠી પુસ્તકની પંચાવન આવૃત્તિ થાય એમાં શી નવાઈ ?

 .

શ્યામચી આઈ એટલે સંત જેવા શિક્ષક અને સમાજકારણી સાને ગુરુજીએ લખેલું માતૃપ્રેમનું મહામંગલ સ્તોત્ર. સાને ગુરુજીએ નાસિક જેલમાં પાંચ જ દિવસમાં એમનાં માતૃશ્રી યશોદાનાં વત્સલસ્મરણોનો બસો જેટલાં પાનાંનો ગ્રંથ લખ્યો. તે ગ્રંથ ૭૫ વર્ષ પહેલાં ૧૯૩૫માં પ્રગટ થયો. ૨૦૧૦માં મહારાષ્ટ્રમાં ઠેર ઠેર શ્યામચી આઈનો અમૃતમહોત્સવ ઉજવાયો. શ્યામચી આઈનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. આ વર્ષે મરાઠીમાં નવી આવૃત્તિ થઈ. અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ થયો; ગુજરાત પણ કંઈ પાછળ રહ્યું નથી.’સ્વમાન પ્રકાશન’, અમદાવાદે ૨૦૧૧માં અરુણા જાડેજાએ કરેલો અનુવાદ શ્યામની બા પ્રગટ કર્યો અને પુસ્તક પરથી દોઢ કલાકનું નાટ્યરૂપાંતર કર્યું. એ નાટકના સાતઆઠ પ્રયોગ થયા.

 .

સાને ગુરુજીનું આ પુસ્તક મહારાષ્ટ્રમાં ઘરે ઘરે વંચાય છે. આ પુસ્તક વાંચવું કે વંચાવડાવવું એ મહારાષ્ટ્રનો એક સાંસ્કૃતિક ભાગ થઈ ગયો છે. સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે, ‘આપણી મરાઠી ભાષામાં અમૃત સાથે હોડ બકવાનું સામર્થ્ય છે.’ આચાર્ય અત્રેએ કહ્યું છે કે, ‘આવું સામર્થ્ય શ્યામની બામાં છે.’ આચાર્ય અત્રે કહે છે, ‘કેટલાક લેખકો લોહીની શાહી કરીને પછી લખતા હોય છે, પણ સાને ગુરુજીએ આ પુસ્તક પોતાનાં આંસુથી લખ્યું છે. એમાંનો અક્ષરેઅક્ષર ગુરુજીએ ભરાઈ આવેલા હૈયે અને આંખે લખ્યો છે.’

 .

શ્યામની બાના અમૃતમહોત્સવ પ્રસંગે નાસિક જેલમાં જ્યાં ગુરુજીએ પુસ્તક લખ્યું ત્યાં જ ‘મા’ની વિભાવના સાથે સંકળાયેલો કાર્યક્રમ યોજ્યો. કેદીઓએ ભીની આંખે અને ભીનાં હૈયે એમની બાનાં સંભારણાં કહ્યાં. સાંજે નાસિકના હુતાત્માચોકથી કાલિદાસ મંદિર સુધી આ પુસ્તકનું સરઘસ કાઢવામાં આવ્યું.’ શ્યામની બાથી માંડીને ‘મેક્સિમગોર્કી’ના ‘Mother’ સુધી, વસંત બાપટથી માંડી ઉત્તમ  કાંબલે સુધીની કવિતાઓનું પઠન અને ગાન થયું. મોટી મોટી હસ્તીઓ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી.

 .

મરાઠી ભાષામાં શ્યામચી આઈનું બોલપટ બન્યું છે. તેને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળેલો. હમણાં સાને ગુરુજીના જીવન પર ફિલ્મ બની છે. કોઈ ગુજરાતી પુસ્તકનો આવો આદર-સત્કાર ક્યારે થશે તેની રાહ જોઉં છું.

 .

( મહેશ દવે )

 .

દત્તા પુરાણિકે જે પુસ્તકની દિવસમાં ઓછામાં ઓછી એક નકલ વેચવાનો ભેખ લીધો એ પુસ્તકમાંથી મને ગમતાં અંશો :

 .

 મિત્રો, જું જ્યારે ઘરે હોઉં અને જો વટસાવિત્રીનું વ્રત ત્યારે આવે તો હું અચૂક વડની પ્રદક્ષિણા કરવા જતો. મારી બાના શબ્દો હું કેમ ભૂલી શકું ! ‘પાપ કરવામાં શરમ હજો, સારું કામ કરવામાં નહીં.’

 .

મારામાં જો કોઈ સારપ કે વત્સલતા હશે તો એમાં મારા માતૃનિષ્ઠ ભાઈ અને બાળકોનાં ચારિત્ર્યનું જતન કરનારી બાનો ફાળો મોટો છે. એવી બા અને એવો ભાઈ મળવા માટે પૂર્વજન્મનાં પુણ્યો હોવાં જરૂરી છે. જેમ સત્સંગ પામવા માટે પુણ્યો જોઈએ તેમ ઊંચેરાં માતાપિતા, ઊંચેરાં ભાઈબહેનો મળવા માટે પણ પુણ્યો તો જોઈએ જ.

 .

હું અંદર ગયો અને પૂજાનાં ફૂલ કાઢ્યાં. બા દીવી લઈને આવી. એણે કહ્યું. ‘શ્યામ, પગ ગંદા ના થાય એનું આટલું ધ્યાન રાખે છે તો મન પણ ગંદુ ના થાય એનું પણ એટલું જ ધ્યાન રાખજે હં કે ! ભગવાનને કહેજે તને ચોખ્ખી દાનત આપે.’

 .

મિત્રો કેટલી સરસ વાત ! આપણાં શરીર અને કપડાંને ચોખ્ખાં કરવા માટે આપણે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ ! કપડાં ચોખ્ખાં કરવા માટે ધોબી છે, બુટપૉલિશ કરનારા છે, શરીર માટે સુખડનો સાબુ છે. આ બધી માથાકૂટ શરીર અને કપડાં મેલાં ના થાય તે માટેની. પણ મનને ચોખ્ખું રાખવા આપણે ક્યારેય રડીએ છીએ ? પોતાનું મન નિર્મળ નથી એ માટે રડનારો તો કો’ક વિરલો જ. એવાં ઉમદા આંસુ આ દુનિયામાં જોવા મળતાં નથી. કપડાં નથી, અનાજ નથી, પરીક્ષામાં નાપાસ થયા, કોઈ મરી ગયું- તો બધાં આવીને રડે. આ બધી વાતો માટે એમની પાસે આંસુનાં હોજ ભરેલા છે જ. પણ ‘હું હજી શુદ્ધ કે નિષ્પાપ થયો નથી.’ એ માટે કોઈ તરફડ્યું છે ખરું ?’ ‘હજી મારું મન ગંદકીથી ખરડાયેલું છે’ એવું જાણીને કેટલાને દુ:ખ થાય છે ?

 .

મીઠાશ વસ્તુમાં નથી હોતી, એ વસ્તુ માટેની લીધેલી મહેનતમાં હોય છે, આનંદ તો કર્મમાં જ છે.

 .

દરેક વાતમાં સંસ્કૃતિ તો રહેલી જ છે. દરેક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિઓ હોય છે. બધાની સંસ્કૃતિ મળીને રાષ્ટ્રીય સંસ્કૃતિ થતી હોય છે. દરેક રીત-રિવાજમાંય સંસ્કૃતિની સુગંધ હોય છે જ. એ આપણને પારખતાં આવડવું જોઈએ. જે નકામા રીતરિવાજ હોય એને નહીં અપનાવવાના. પણ સંસ્કૃતિનું સંવર્ધન કરનારા રીતરિવાજને મરવા દેવાના નહીં. આપણા દેશનો, આપણા સમાજનો દરેક રિવાજ એટલે એક કેળવણી જ છે.

 .

મારી બા ભલે વાત્સલ્યમૂર્તિ હતી પણ સમય આવ્યે કઠોર પણ બની શકતી હતી. એની કઠોરતામાં જ સાચું વહાલ હતું, સાચી મમતા હતી. ક્યારેક કઠોર પ્રેમથી તો ક્યારેક મીઠા પ્રેમથી બધાં સાથે વર્તતી. ક્યારેક વહાલેય કરે અને ક્યારેક વઢેય ખરી. બંને રીતેએ મને ઘાટ આપતી. મારા જેવા બેડોળ અને આળસુને એ ઘડી રહી હતી. ટાઢ અને ગરમાટો – એ બંનેથી વિકાસ થાય છે. દિવસ અને રાત બંનેથી વધુ થાય છે. નર્યો પ્રકાશ જ હોય તો નાશ જ.

 .

આ દુનિયામાં ફક્ત મમતા કે દયાથી જ નભતું નથી. જીવનને સુંદર અને સફળ કરવા માટે ત્રણ ગુણોની જરૂર રહે છે. પહેલું તો પ્રેમ, બીજું જ્ઞાન અને ત્રીજું શક્તિ એટલે કે બળ. જેની પાસે આ ત્રણેય ગુણ છે એ આ દુનિયામાં કૃતાર્થ થઈ શકે છે. પ્રેમ વગરનું જ્ઞાન નકામું છે તેમ જ્ઞાન વગરનો પ્રેમ પણ નકામો છે. પ્રેમ, જ્ઞાન વગરની શક્તિ કે શક્તિ વગરનાં પ્રેમ અને જ્ઞાન પણ નકામાં જ. આપણા જીવનમાં આ ત્રણે ગુણોનો વિકાસ જરૂરી છે. પ્રેમ એટલે હૃદયનો વિકાસ, જ્ઞાન એટલે બુદ્ધિનો વિકાસ અને શક્તિ એટલે શરીરનો વિકાસ.

 .

સ્વાવલંબન એ પાશ્ચાત્ય શિક્ષણનો પાયો છે. એના લીધે ગરદન ઊંચી રહે છે. પરાવલંબનથી નીચી થઈ જાય. મહેનત સિવાય કોઈ પાસેથી કશું લેવું નહીં અને મહેનત કરાવ્યા સિવાય કોઈને કશું આપવું નહીં. ‘તુકો ભણે : દેતો લેતો બેય નરકે પળે.’ આળસુને પોષનારોય પાપી અને આળસુય પાપી. કામ વગર કોઈને પોસવામાં ભગવાનનું પણ અપમાન છે. એટલું જ નહીં ભગવાને આપેલા હાથપગ અને બુદ્ધિનું અપમાન છે.

 .

જે રાષ્ટ્રમાં સમાજસંવર્ધક, સમાજરક્ષક, સમાજપોષક એવા શ્રમની પૂજા થાય તે રાષ્ટ્ર વૈભવના પગથિયે ચઢે છે. બાકીના ભીખના રસ્તે પડે છે.

 .

માણસ મરી જાય પણ એમના સદ્દગુણ ચમકતા રહે છે.

 .

વિચારો પ્રમાણેનાં આચરણમાં જ ભૂષણ છે.

 .

ચોરીચપાટી કરીને ક્યારેય ભાગીશ નહીં. ખરાબ સંગતિ માટે ભાગીશ નહીં. ગભરાઈને ભાગીશ નહીં.

 .

જો, ભગવાને આપણને હાથપગ, આંખકાન બધું આપ્યું છે, તો પછી આપણા પગ પર કેમ ના ઊભા રહેવું ? જેનામાં બુદ્ધિ છે, જેનામાં મનોબળ છે એની પાસે બધું જ છે, આવી જ રીતે મહેનત કરીને જ મોટો થજે હોનેં બેટા, ક્યારેય પરાવલંબી ના થઈશ. પણ એમાંય એક વાત યાદ રાખજે. અભિમાન રાખીને કોઈને હીણા દેખાડવું નહીં, કોઈને તુચ્છ લેખવું નહીં. બીજાનેય આપણી પાસે હોય એ આપવું અને એનેય આપણા જેવો કરવો, બધું આવડે એવો.’

 .

પ્રત્યક્ષ ઉદાહરણથી જે શિક્ષણ મળે છે તે કેટલાંય વ્યાખ્યાનો સાંભળીને નથી મળતું. કાર્ય ચૂપચાપ બોલ્યે જાય જે શબ્દો કરતાંય અસરકારક હોય છે.

 .

ભારતીય સંસ્કૃતિ સંયમ અને સંતોષ એ બે સદ્દગુણો તેમ જ કાર્યકુશળતાના આધાર પર રચાઈ છે.

 .

જે દિવસે સાસરીપક્ષમાં વહુને વેઠવી પડતી હાડમારી બંધ થશે એ સપરમો દહાડો.

 .

ચકમક ઝરે નહીં ત્યાં સુધી તણખો થતો નથી.

 .

માણસ અનાજ સિવાય જીવી શકે પણ પ્રેમ સિવાય કઈ રીતે જીવી શકે ? પ્રેમ એ તો જીવનનું સત્વ છે.

 .

સ્થિર અને છલોછલ એવો પ્રેમ જીવનવૃક્ષને પોષે છે. જેમ વૃક્ષનાં પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ અને આખાંય થડમાં મૂળિયાંસોતો જીવનરસ ભરેલો હોય છે; બસ પ્રેમ તેવો હોવો જોઈએ. સોડાવોટરની બોટલ ફોડો કે ફુસ્સ કરતુંક ફીણ બહાર નીકળે પણ એ તો બીજી જ પળે ઊભરાઈ જનારું. આવો બીજી જ પળે અદ્રશ્ય થઈ જનારો પ્રેમ જીવનને તાજગી, સૌંદર્ય અને ઉલ્લાસ બક્ષી શકતો નથી.

 .

દરેક વાત સમજીવિચારીને કરવી, સત્ય-હિત-મંગળ ભાવના માટે કરવી એટલે જ ધર્મ. બોલવું-ચાલવું, ઊઠવું-બેસવું, ખાવું-પીવું, નહાવું-ધોવું, સૂવું-સાંભળવું, આપવું-લેવું બધામાં જ ધર્મ છે. ધર્મ એટલે હવા, ધર્મ એટલે પ્રકાશ. આપણે ગમે ત્યાં જઈએ પણ આ ધર્મની હવા આપણા જીવ સાથે જડાયેલી હોવી જોઈએ.

 .

‘ભણે તુકો થાવું સત ધર્મે સહયક’ એટલે સારાં કામમાં કોઈને પણ મદદ કરીએ. સારા કામમાં કોઈને નિરુત્સાહ કરવું એ મોટું પાપ છે.

 .

‘ભય પમાડવો, નરકમાં જાવું’ એટલે કોઈ પણ સારાં કામમાં કોકને બિવડાવવું એટલે નરકમાં જવું પડે.

 .

મિત્રો, ઘણાનો એવો સ્વભાવ હોય છે કે ઘરની બહાર બહુ જ ભલા દેખાય, બીજાને ત્યાં કામ કરે પણ ઘરે આટલુંય ના કરાવે. બહારના લોકો વખાણ કરે એ માટે માણસ લલચાતો હોય છે. ઘરનાને તરફડતા રાખીને બહારનાની વાહવાહ મેળવવા એ ત્યાં જતો હોય છે.

 .

બા અને દાદીના ઝગડા અમારા માટે નવા નહોતા. એ થતા રહેતા પણ બહુ ટકતા નહીં. એ તો અચાનક આવી ગયેલું વાવાઝોડું હોય. એકબીજા માટે મનમાં જે ઝેર ભરાયું હોય એ બહાર નીકળી જાય એટલે મન પાછું ચોખ્ખું થઈ જતું. આવાં વાવાઝોડાં આવતાં હોય છે એ મનને શાંત કરવા માટે જ. રોગ થાય છે એ શરીરનો કચરો બહાર કાઢવા માટે જ થતા હોય છે. મૃત્યુ થાય છે એ ફરીથી જીવનરસ આપવા માટે જ.

 .

ભૂલ એ માનવીનું અને ક્ષમા એ પ્રભુનું ભૂષણ છે.

 .

બાને મદદ કરાવનાર પર જે હસે એ તો જંગલી જ કહેવાય.

 .

જેને ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય એ એનું સ્મરણ કરીને જે કામ કરે એમાં ભગવાન પોતે આવીને મદદ કરે જ.

 .

ભગવાન મળે એ માટે તો ઘણાં પુણ્ય કરવાં પડે. પુણ્યશાળીને જ ભગવાન મળે. ખૂબ પુણ્ય કરવાનાં, બધાંને મદદ કરવી, બધાને ઉપયોગી થઈ પડવું એટલે ભગવાન જરૂર મળે.

.

મિત્રો, બાના એ સ્ફૂર્તિલા શબ્દો મને આજેય સાંભરે છે – પુરુષોના હૃદયમાં કોમળતા, પ્રેમ, સેવાવૃત્તિ, કષ્ટો સહેવાની તૈયારી, ચૂપચાપ કામ કર્યે જવું- એ બધી બાબતો ઉદ્દભવે નહીં ત્યાં સુધી એમનો સંપૂર્ણ વિકાસ થયો છે એવું કહી શકાય નહીં. એવી જ રીતે સ્ત્રીઓનાં હૈયાં પણ ધીરભર્યાં હોય, વખત આવ્યે કઠોર પણ બની જાણે કે પુરુષની ગેરહાજરીમાં ધીરતાથી ઘર પણ ચલાવી લે એવા ગુણસભર હોય તો જ એનો સર્વાંગી વિકાસ થયેલો ગણાય.

 .

ભગવાન રીસે ના ભરાય. એમને તો વિદુરજીની ભાજીય ભાવે, એય કેટલા સ્વાદથી ! ચાટી ચાટીને થાળી સફાચટ કરી નાખેલી, તોય જાણે ધરાય નહીં. ભગવાને સુદામાના ભાવભર્યા પૌંઆ પણ કેટલા પ્રેમથી ખાધેલા. જાણે કોઈ દિવસ જોયા જ ના હોય તેમ.  જોને, રુક્મિણીને પણ આપવા તૈયાર નહોતા. ભગવાન ભૂખ્યા જ હોય છે, પણ એને ભાવથી કોણ ધરે ? લાખોમાં કો’ક જ. ભાવથી ધર્યું હોય એ જ એના પેટમાં જાય. ભૂખ્યા ભગવાન ખાલી પાંદડું ખાઈનેય ઓડકાર ખાય. એને જે કાંઈ ધરો એ ભાવે ધરો, એ એને માટે દૂધના દરિયાથીય વધુ છે.

 .

ભગવાનને બધા જ રૂપ ગમે. એણે માછલાનું, કાચબાનું, ડુક્કરનું, સિંહનું-બધાનું રૂપ લીધું. ભગવાનને દરેક રૂપ પવિત્ર લાગે. ભગવાન તો દરેક દેહમાં છે જ. એ ગજેન્દ્ર માટે દોડીને આવે, ઘોડાને ખંજવાળે-પસવારે, ગાયો ચારે. એને કુબ્જાય ગમે અને શબરીય. એને ગુહ નાવિક ગમે, જટાયુ પક્ષી ગમે, હનુમાનજી જેવો વાનર પણ ગમે. શ્યામ, ભગવાનને બધાં વહાલાં હોય છે, કારણ કે બધાં એનાં જ છે. મને જે ગમે છે એ તું કરે છે તેમ ભગવાનને ગમે એવું પણ કરતો રહેજે હોં કે. પણ શ્યામ, એક વાત છે કે જે પોતાનાં ભાઈબહેનોને પ્રેમ ના કરે એ ઊતરતા લોકોને કઈ રીતે પ્રેમ કરી શકે ? પહેલાં ઘરના સભ્યોને પ્રેમ કરો. પછી સંત એકનાથની જેમ કો’ક દલિતની દીકરીને આશરો આપવાની હિંમત પણ આપોઆપ આવશે.

 .

મારા ભારતમાં દેવ જ ના રહ્યો રે

સઘળો અંધકાર ભારતમાં જ ભર્યો રે

જ્યાં નથી દયા ને સ્નેહ ત્યાં દેવ કેમ વસે ?

જ્યાં નથી જરાય બંધુભાવ ત્યાં દેવ કેમ વસે ?

દેવ નથી રે મંદિરે

દેવ નથી રે અંતરે

દેવ તો સાવ મર્યો રે… મારા ભારતમાં.

 .

હું ભાઈને પ્રેમ નહોતો કરતો અને ઝાડને પ્રેમ કરવા નીકળ્યો હતો. આ તો છેતરપિંડી જ. જે ભાઈને પ્રેમ ના કરે એ ઝાડને શું કરવાનો !

 .

જે શિક્ષણ માણસને બીજાના હૃદય સુધી લઈ જતું નથી, બીજાના હૃદયમંદિરની સત્યદ્રષ્ટિનાં દર્શન કરાવતું નથી એ શિક્ષણ શિક્ષણ નથી. શિક્ષણને લીધે દરેક વસ્તુ, દરેક વ્યક્તિ એટલે જ્ઞાનમંદિર છે એવું થવું જોઈએ. આ બધા બાહ્ય દેખાવની અંદર જે દિવ્ય-ભવ્ય સૃષ્ટિ રહેલી છે એનાં દર્શન જ્યાં સુધી થતાં નથી, ઝાંખાપાંખાંય થતાં નથી ત્યાં સુધી આપણને મળેલું શિક્ષણ વ્યર્થ સમજવું. હૃદયનો વિકાસ એ એક મહત્વની, અતિ મહત્વની અને જીવનમાં સુંદરતા તેમ જ મૃદુતા લાવનારી વાત છે.

 .

આપણી પહોંચ બહારનું કામ કરવુંય બરાબર નહીં. આપણાથી થાય તેટલું કરવું. એટલું ના કરીએ અને એદીની જેમ પડી રહીએ એય સારું નહીં. કામચોરી તો બહુ જ ખરાબ.

 .

સામુદાયિક કામમાં આપણાથી જે થાય એટલું આપણે આળસ છોડીને કરવું જોઈએ. એમાં શેની શરમ ? કીડીએ કીડી પ્રમાણે કામ કરવું, હાથીએ હાથી પ્રમાણે કામ કરવું.

 .

ભણજે ભલે. પણ સારો થજે. ભણેલું માણસ બગડી જાય એની બહુ બીક લાગે. ભલે બહુ ના ભણો, બહુ મોટા ના થાઓ.કશો વાંધો નહીં પણ મનથી ચોખ્ખા રહેજો. હું તો ભગવાનને રોજ કહું કે મારા છોકરા મોટા માણસ ના થાય તો ચાલશે પણ એમને ગુણવાન બનાવજે.

 .

અનુભૂતિ એ જ અનુભવ. જીવનમાં જે અનુભવીએ, એ જ જ્ઞાન.

 .

નાનપણમાં મેં તને માર્યો હશે પણ એ તારા ભલા માટે જ ને ? તો પછી ભગવાન તો મારા કરતાં કેટલોયગણો દયાળુ છે. એના પર ભરોસો રાખવો. ઝેરનો પ્યાલો આપે કે અમૃતનો એના પર શ્રદ્ધા હોવી જોઈએ.

.

પુસ્તક વાંચ્યા પછી ‘શ્યામચી આઈ’ ફિલ્મ જોવાનું મન થાય તો…

.

. .

શ્યામની બા – સાને ગુરુજી, અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : સ્વમાન પ્રકાશન

પૃષ્ઠ : ૨૦૮

કિંમત : રૂ. ૨૦૦/-

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- પેલે પારનો પ્રવાસ

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

 .

પેલે પારનો પ્રવાસ (એક અમેરિકન સ્વામીની આત્મકથા) – રાધાનાથ સ્વામી

.

.

.

લેખકનો પરિચય :

 

રાધાનાથ સ્વામીનો જન્મ ૧૯૫૦માં શિકાગોમાં થયો હતો. તરુણાવસ્થામાં એ આધ્યાત્મિક ખોજ માટે વિશ્વભ્રમણે નીકળી પડ્યા અને છેવટે એ ભક્તિયોગને પામ્યા. હાલમાં એ ભક્તિના જ્ઞાનની વહેંચણી કરવા નિયમિતરૂપે એશિયા, યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડે છે. જો કે એ મુંબઈમાં એમના સમુદાય વચ્ચે પણ ઘણો સમય વિતાવે છે. રાધાનાથસ્વામીને ઓળખતા લોકો એમની બીજાઓને ભગવાનની સમીપ લઈ જવાની પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. એમની હળવાશ, સાદગી અને વિનોદવૃત્તિની પણ આ લોકો એટલી જ સાક્ષી આપે છે. મુલાકાતીઓ અને મિત્રો એમના નિરભિમાની-નમ્ર સ્વભાવમાંથી પ્રેરણા મેળવે છે. આ લોકો રાધાનાથસ્વામી જે સત્કાર્યોના પ્રેરક બળ બન્યા છે એનું શ્રેય લેવાની સ્વભાવદત્ત નામરજીથી પણ પ્રભાવિત થાય છે. રાધાનાથસ્વામીએ કેટલાય સમુદાયોનું સર્જન કર્યું છે, જરૂરિયાતમંદ બાળકો માટે મોટા પાયે મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી છે, સેવાભાવી ઈસ્પિતાલો, પર્યાવરણને અનુકૂળ ખેતી, શાળાઓ, આશ્રમો અને સંકટ સમયની રાહત કામગીરીઓના પણ એ પ્રેરકબળ રહ્યા છે.

.

પુસ્તક વિશે :

શ્રેષ્ઠ પુરુષની આત્મકથા આપણને દીવાદાંડીની માફક માર્ગદર્શન આપે છે. ‘પેલે પારનો પ્રવાસ’ એ રિચાર્ડ નામના અમેરિકન યુવાનની આધ્યાત્મિક માર્ગના પ્રવાસની કથા છે. એ કથા સંકટો અને સંઘર્ષોથી ભરપૂર છે. એ તપશ્ચર્યાની કથા છે. કસોટી સોનાની જ થાય, કથીરની નહીં. કૃષ્ણભાવના કે કૃષ્ણચેતનાના સંસ્પર્શથી રિચાર્ડ રાધાનાથસ્વામી કેવી રીતે બની શક્યા એની એ પ્રેરક અને પ્રોત્સાહક આત્મકથા છે. કથા વાંચતા આપણે જોઈએ છીએ કે સ્વામીજીએ હંમેશા વિનમ્રતા, ધૈર્ય, સર્વ પ્રત્યે સમભાવ, પ્રેમ અને આદરનાં જ દર્શન કરાવ્યાં છે. સ્વામીજીએ આ કથામાં પોતાના અહમ કે અભિમાનને ક્યાંય પેસવા દીધું નથી. જુદા જુદા પંથ કે સંપ્રદાયના સંતો, યોગીઓ, મહાત્માઓ અને ધર્મગુરુઓ પ્રત્યે એમણે જે પૂજ્યભાવ-કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કર્યો છે એમાં જ સ્વામીજીની ઉદારતા છે. એ સંતો-મહંતોના સ્વામીજીના ધ્યેયની પ્રાપ્તિ માટેના આશીર્વાદ છેવટે યોગ્ય સમયે ફળીભૂત થયા પણ ખરા. આ આત્મકથાના વાચક કે સાધકને નૂતન જીવનદ્રષ્ટિ પ્રાપ્ત થશે, અજ્ઞાન દૂર થશે અને સેવા તથા ભક્તિનો સાચો આનંદ પ્રાપ્ત થશે.

 .

-પ્રવીણ શર્મા, શિક્ષણવિદ

.

આ પુસ્તકમાંથી મને ગમતા અંશો :

.

મને અચંબો થતો કે આ અદ્દભુત વ્યક્તિ કોણ છે, જેને ઈશ્વર કહેવામાં આવે છે ? શું એ એક પ્રચંડ વાદળ કે પડછાયો છે ! કે પછી અદ્રશ્ય તત્વ છે ? અથવા તો એક એવા મિત્ર, જે મારી દરેક પ્રાર્થના સાંભળે છે, જે એટલા તો વાસ્તવિક છે કે મારા વિચારો દ્વારા હું એમને સ્પર્શી શકું છું.

 .

બાઈબલમાંના એક ખાસ વાક્યને મેં મારા હૃદયમાં સંઘરી લીધું. ભગવાન ઈસુએ એમના અનુયાયીઓને આપેલ ઉપદેશનું એ વાક્ય હતું :’મનુષ્યોમાંથી બહાર આવ અને ભિન્ન બન.’ મેં આની ઉપર લાંબો સમય કાળજીપૂર્વક વિચાર કર્યો. શાને માટે મારે મારું જીવન મારા સાથીઓની સામાજિક શૈલીમાં બંધબેસતું કરવાના પ્રયાસોમાં વ્યર્થ કરવું ? શા માટે હું મારું જીવન મારી પોતાની રીતે જીવવાનો પ્રયાસ ન કરું ? કોઈ દિવસ ભવિષ્યમાં ભગવાનની ઈચ્છા મુજબ જીવવાની આશા હું કેમ ન રાખું ?

 .

ઊંચે દેવળના ઘુમ્મટ તરફ નજર ફેરવી મેં મારા બન્ને હાથ જોડી પ્રાર્થના કરી : હું ખરેખર નથી  જાણતો કે તમે કોણ છો, પણ હું એ માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળો છો. તમારી હાજરી અનુભવવા હું ઝૂરી રહ્યો છું. ઘુમ્મટની અંદરની છત પર દેવદૂતોની વચ્ચે પુનર્જીવિત થયેલા ઈસુનું સુંદર ચિત્ર હતું. એ જોઈ નાનપણમાં સાંભળેલા ઈસુએ કહેલા શબ્દો મારા હૃદયમાં ઊગી નીકળ્યા : સૌપ્રથમ ભગવદ્દધામ રૂપી ખજાનો પ્રાપ્ત કર, બાકીનું બીજું બધું આપોઆપ મળી જશે, કેમ કે જ્યાં તારો આ ખજાનો છે ત્યાં જ તારું હૃદય હશે.

 .

જે રીતે વેસુવીઅસ જ્વાળામુખી ફાટ્યો હતો અને એની ધગધગતી લાવાએ એક આખી સંસ્કૃતિને રાખ કરી દીધી હતી એ રીતે મારા હૃદયમાં પણ ફક્ત અને ફક્ત આધ્યાત્મિક માર્ગ લેવાના નિર્ણયનો સ્ફોટ થયો અને બાકીની દરેક વસ્તુ એની ધખધખતા લાવામાં ભૂતકાળ બનીને રાખ થઈ ગઈ.

 .

આખી જિંદગી વાસ્તવિકતાને હું મારા ઉછેરના આધારે મૂલવતો રહ્યો હતો. આપણને-માણસોને શા માટે રાષ્ટ્રીયતા, વંશ, ધર્મ કે સામાજિક દરજ્જાને આધારે બીજા કરતાં ચઢિયાતા માનવાની આદત હશે ? આપણે આપણી સ્થિતિને ચઢિયાતી માનીએ છીએ અને બીજાની વિચિત્ર કે આપણાથી ઊતરતી કક્ષાના માનીએ છીએ. બીજા પ્રત્યે આવી એકપક્ષી ધારણા બંધાવતો અહમ, પૂર્વગ્રહ કે સાંપ્રદાયિકતામાં પરિણમીને ધિક્કાર, ભય, શોષણ અને યુદ્ધ સુદ્ધાંને જન્મ આપે છે. મેં પ્રાર્થના કરી કે મારી આ સફર મારા મનને આ બધા પૂર્વગ્રહોથી મુક્ત કરે, જેથી જીવન, દુનિયા તથા ભગવાન પ્રત્યેના ઈતર સંસ્કૃતિના અભિપ્રાય તરફ હું સહાનુભૂતિ ધરાવતો થાઉં.

 .

એક દિવસ સૂરજ આથમી રહ્યો હતો. દરિયાના મુખમાં ગરક થઈ રહેલા રાતા સૂર્યએ સાગરના તરંગો પર જાણે સોનેરી ચાદર પાથરી દીધી હતી. તરંગો પણ આ સોનેરી સ્પર્શથી રાજી થઈને જાણે નૃત્ય કરી રહી. કિનારાના ડુંગરા પર આ સોનેરી આભા પરાવર્તિત કરવા માંડ્યા. મારી ઉપરના આકાશ રૂપી ગુંબજમાં પીળો, લાલાશ પડતો કેસરિયો અને આછો જાંબુડી રંગ પથરાઈ રહ્યો હતો. એ ઘડીએ મારા હૃદયમાંથી એક મધુર આદેશ સંભળાયો : ‘ભારત જા.’

 .

જ્યારે જ્યારે હું એ દિવસ યાદ કરું છું ત્યારે મને યાદ આવે છે કે પ્રાર્થનાનો ઉત્તર આપણે કલ્પી ન શકીએ એ રીતે મળતો હોય છે. વિકસવા માટે કદાચ છેક મૂળ સુધી ખળભળી ઊઠવું જરૂરી છે. હેરાતની સડક પર એ રાત્રે હું ઘૂંટણિયે બેઠો હતો ત્યારે મારી અંદર કંઈક મરી પરવાર્યું હોય એવું લાગ્યું અને એને લીધે મારા પથ પર આગળ વધવા માટે જરૂરી એવા સાક્ષાત્કારનો જન્મ પણ થયો. આગળ ચાલવા માટે ઊંટ જેમ પગ હેઠળની સ્થિર રેતી પરથી પોતાની ખરી ઊપાડી લે છે અને સાગર સુધી પહોંચવા નદીનાં વહેણમાં ભળી જવા માટે પ્રત્યેક નાના મોજા એ પોતાની વર્તમાન સ્થિતિ છોડી દેવી પડે છે. મારો આ પ્રવાસ પણ કંઈક એવો જ હતો.

 .

મને સમજાયું કે આપણી સ્વતંત્ર વિચારધારા કોઈ શાપને આશીર્વાદમાં અને આશીર્વાદને શાપમાં ફેરવી શકે છે. મુશ્કેલીઓ સહન કરતાં ઈશ્વર પ્રત્યે વળવું એ એક અમૂલ્ય વરદાન છે. સંકટને એક તકમાં ફેરવી નાખવામાં જ ખરું શાણપણ રહેલું છે.

 .

જીવનનો આશય ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે છે. જો તમે ભગવાનનો સાક્ષાત્કાર કર્યા વગર મૃત્યુ પામશો તો એ જીવન વ્યર્થ છે. તમને ભગવાને આપેલી આ મનુષ્યજન્મની કીમતી ભેટ તમે વેડફી નાખી છે.

 .

જમીન ફળદ્રુપ કરવા માટે આપણે જેમ નકામું ઘાસ, પથ્થર-કાંકરા, કાંટાળા છોડ ઈત્યાદિ ઉલેચી દૂર કરીએ તો જ એ ભોંયમાં આપણે સુંદર ફૂલનો બગીચો ખીલવી શકીએ. એ જ રીતે સદ્દગુણ સંપાદન કરવા માટે આપણે સંકુચિત સ્વાર્થવૃત્તિને ઉલેચી દેવી જોઈએ.

 .

ભગવાનના નામનો જપ કરવાથી જ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકશે. તમારે ભગવાનના નામના જપનો સતત અભ્યાસ કરવો જ રહ્યો અને તમે એવી અવસ્થામાં પહોંચો કે જપ તમારા મનમાં ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ચાલતાં, કામ કરતાં, જાગતાં, સૂતાં સતત ચાલ્યા જ કરે.

 .

આપણે પર્વત પર આરોહણ કરવા ઊભા હોઈએ તે ધરતીને પાછળ છોડવી પડે તેમ ભગવાનના હૃદય સુધી પહોંચવા માટે આ જગતનાં પ્રતિકૂળ બંધનો આપણે છોડવા પડે. ગંભીર આધ્યાત્મિક અભ્યાસ એ પર્વત ચઢવા સમાન મુશ્કેલ છે અને રસ્તામાં ગમે તેટલી મુસીબતોનો સામનો કરવો પડે તો પણ પરવા ન કરતાં આપણે આશા સાથે ધ્યેય તરફ ઉપર નજર રાખી પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પર્વતની ટોચ પર પહોંચવા માટે જે પ્રયત્નશીલ રહે છે એને પર્વત સંપૂર્ણ સહકાર આપે છે તે જ રીતે આપણે આપણા પ્રયત્નોમાં પ્રામાણિક રહીશું તો ભગવાન એમના સર્વોત્તમ કૃપાળુ હૃદય સુધી પહોંચવા માટે આવશ્યક બધી જ સહાર પૂરી પાડશે.

 .

આ જગતનું સૌંદર્ય હંમેશા બદલાતું રહે છે. કાંઈ પણ સ્થિર નથી. દરેક ક્ષણે આપણી વાસ્તવિકતા બદલાતી રહે છે. કુદરતની માફક ગંગામાતા સતત વહેતી રહે છે. પણ એનું કોઈ એક સ્વરૂપ નિત્ય નથી રહેતું તે જ પ્રમાણે આ જગતમાં આપણને પ્રિય એવી દરેક વસ્તુ ધીરે ધીરે અપ્રત્યક્ષ રીતે નાશ પામે છે. આપણે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી પકડી રાખી નહીં શકીએ. પણ આ બધાની ભીતરની સચ્ચાઈના પ્રવાહને જો સમજી શકીએતો સુખ અને દુ:ખના છીછરા આનંદ કરતાં સાચી વાસ્તવિકતાનો ઊંડો આનંદ માણી શકીએ.

 .

ગંગામાતા આપણને શિખવાડે છે કે આપણે આપણી મહત્વાકાંક્ષા રૂપી સમુદ્રને પામવા માટે ખંતપૂર્વક આપણા લક્ષ તરફ પ્રયાસ કરવો જોઈએ અને વિઘ્નો આપણા માર્ગમાં આવે તો પણ એનાથી હિંમત હારવી ન જોઈએ. આપણા જીવનના બધા અંતરાય નદીનાં વહેણમાં આવતા આ ખડકો જેવા છે. આપણે કદી પણ હિમંત ન હારતાં એની આજુબાજુમાંથી વહેતાં શીખવું જોઈએ. ભગવાનની સહાયથી હંમેશા માર્ગ નીકળી આવે છે.

 .

પાણીના પ્રવાહને નિહાળવું એ જીવનના વહેતાં વહેણને નિહાળવા જેવું છે. જો કોઈ નદીની અંદર હોય તો પાણીના પ્રવાહની એના પર ઊંડી અસર થાય છે. પરંતુ જો કોઈ નદીના કિનારે બેઠો હોય તો વિરક્ત ભાવથી તે પ્રવાહને નિહાળી શકે છે. ગંગામાતા શીખવે છે કે જો આપણા અહંકાર, મન, ઈન્દ્રિયોનાં હવાતિયાં અને આજુબાજુની દુનિયાથી વિરક્ત થઈને ધીર સ્વભાવે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ તો ઊંડું જ્ઞાન મેળવી શકીએ.

 .

આધ્યાત્મિક માર્ગ અને આધ્યાત્મિક ગુરુ ગંગામાતાના પ્રવાહ જેવા છે અને અનુયાયીઓ નદીના પ્રવાહમાં રહેલી વસ્તુઓ જેવા છે. જે અનુયાયી પવિત્ર ઉપદેશના પ્રવાહમાં એકનિષ્ઠ રહેશે તો એ આપોઆપ આધ્યાત્મિક સત્યના મહાસાગર સુધી પહોંચી જશે, પરંતુ કિનારા પર સુખ અને આનંદ રૂપી અનેક પ્રલોભનો અનુયાયીને એના હૃદયના ધ્યેયથી દૂર લઈ જવા તત્પર હોય છે. કદાચ દરેક સાધક એકનિષ્ઠ રહી નહીં શકે, પરંતુ જે એકનિષ્ઠ રહે છે એ આધ્યાત્મિક આનંદના મહાસાગર સુધી પહોંચી શકે છે.

 .

કૃપાને લાયક ન હોવા છતાં જ્યારે કોઈ અણમોલ ભેટ મળે ત્યારે આપણે કૃતજ્ઞ થવું જોઈએ. કૃતજ્ઞતા જ હૃદયને ભગવાનના આશીર્વાદ મેળવવા લાયક બનાવે છે.

 .

બધાં જ દુ:ખોનું મૂળ કારણ આપણે ભગવાન સાથેની આપણી ઓળખ ભૂલી ગયા છીએ એ છે. એને અમયા અથવા ભ્રમ કહેવાય. ભગવાન બધે જ છે. એને તમારે શોધવાની જરૂર નથી. જો તમે ખરા હૃદયથી એમને પોકારશો તો એ તમારી સમક્ષ પ્રગટ થશે. ભગવાન બાહ્ય આવરણને જોતા નથી, પરંતુ હૃદયની અંદર જુએ છે. તમારામાં દંભ ન હોવો જોઈએ. તમે પૂર્ણ આયુષ્યભર જંગલોમાં ભટકાતા રહો, છતાં પણ ભગવાન તમને નહીં દેખાય. એ તમને દેખાશે તમારા હૃદયમાં અને જ્યારે તમે એમને તમારા હૃદયમાં બિરાજમાન જોશો ત્યારે એમનું અસ્તિત્વ સર્વવ્યાપી છે એ જણાઈ આવશે.

 .

બીજાના ઉપરછલ્લા દેખાવ પરથી એમના વિશે અભિપ્રાય બાંધવાનું અને એમના નકારાત્મક ગુણો જોવાની આપણી એ વૃત્તિ આ નદી છતી કરી રહી હતી, પરંતુ જો આપણે ઉપરછલ્લા દેખાવની નીચે જોવા પ્રયાસ કરીશું તો આપણે જોઈ શકીશું કે ચારિત્ર્યમાં રહેલા અનેક અનુભવો એકબીજા સાથે મિશ્રિત થવાથી વ્યક્તિનો એક ખાસ સ્વભાવ નિર્માણ થાય છે. આપણને જે દોષો દેખાય છે એ સામેની વ્યક્તિ કયા સંજોગોના અનેક ઊંડા પ્રવાહોમાંથી પસાર થઈ છે એના પર આધારિત છે. આ પ્રવાહો એટલે માનસિક આઘાત, યાતનાઓ, નિંદા, ઉપેક્ષા, હૃદયભંગ, અસલામતી, પીડા, મૂંઝવણ અને રોગ ઈત્યાદિ એ સંજોગોની પ્રતિક્રિયા રૂપે એક ખાસ સ્વભાવ તૈયાર થાય છે.

 .

જો આપણે કોઈને ખરાબ સમજતાં પહેલાં એના મૂળમાં રહેલાં કારણને જાણી લઈશું તો એનો દ્વેષ કરવાને બદલે આપણે એની પ્રત્યે સહાનુભૂતિ બતાવીશું. શું પ્રત્યેક જીવ મૂળભૂત રીતે સારો નથી ? સંત પુરુષ રોગને ધિક્કારશે, પણ રોગીને પ્રેમ કરશે.

 .

જ્યાં સાચો પ્રેમ છે ત્યાં હંમેશાં ક્ષમા છે. એ ક્ષમા અંત વગરની, શાશ્વત છે. દરેક વસ્તુનો સંબંધ પૂર્ણ સાથે જોવો તેમાં જ વિદ્વત્તા રહેલી છે. આપણે જ્યારે સમજી શકીશું કે દરેક વસ્તુ એ પૂર્ણ પરુષોત્તમની માલિકીની છે ત્યારે આપણે બધાં આપણી એ અમાલિકી ભાવના બોજાથી મુક્ત થઈશું.

 .

હું અને મારુંની ભાવના એ જ બધાં દુ:ખોનું મૂળ છે. ઈશ્વરથી આ અંતર જ સર્વ દુ:ખો આણે છે અને એ અંતર દૂર થતાં સર્વ દુ:ખો નષ્ટ થાય છે. ભગવાન દુ:ખો દ્વારા દુ:ખ દૂર કરે છે અને સંકટ મોકલીને સંકટ દૂર કરે છે અને એમ થઈ ગયા બાદ ભગવાન વધુ દુ:ખો અને સંકટ નથી મોકલતા. આ વાતનું આપણને સદાકાળ સ્મરણ રહેવું જોઈએ.

 .

આ વિશ્વ સુખ અને દુ:ખ વચ્ચે લોલકની જેમ અવિરત ઝોલાં ખાઈ રહ્યું છે. અહીં કોઈ સુરક્ષિતતા કે સ્થિરતા નથી. એ ફક્ત ઈશ્વરમાં જ મળી શકે છે. દુ:ખો આપણા વિચારોને ઈશ્વર તરફ વાળવા માટે મોકલવામાં આવ્યા છે, છેવટે તેઓ જ આપણને સધિયારો આપશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે ભગવાનના નામજપનો પ્રવાહ સતત ટકાવી રાખવો. એમના નામનું સતત સ્મરણ કરવાથી ઈશ્વરનું સાન્નિધ્ય મેળવી શકાય છે. આ રીતે આપણા પરમ મિત્રના સંગાથે રહેવાથી એક દિવસ એમનું સાચું સ્વરૂપ તમારી સમક્ષ પ્રગટ કરશે.

 .

મારા ઉત્સાહી મિત્ર હવામાંથી હાથમાં રુદ્રાક્ષ ઉત્પન્ન કરતા, પરંતુ આજે મને એ ખાતરી થઈ ગઈ કે આવી શક્તિઓમાં આધ્યાત્મિકતાનો અભાવ હતો. જે લોકો કુદરતના દેખીતા નિયમોને બદલી શકતા એ કુદરતી રીતે મારા મન પર ઊંડી અસર કરતા અને અત્યાર સુધી મેં જે જોયું એ બધું ચમત્કારિક હતું એ ખરું, પરંતુ આજે મેં જોયું કે આવી સિદ્ધિઓ ભગવાનની અર્થપૂર્ણ ખોજમાં મદદરૂપ નથી થતી. હું કોઈક એવી વસ્તુની શોધમાં હતો, જે આ બધાથી પર હતી.

 .

આપણા ચારિત્ર્ય અને જગત તરફ જોવાના મૂળભૂત દ્રષ્ટિકોણના ઘડતરનો આધાર આપણે પસંદ કરેલી સંગત અને વાતાવરણ પર છે.

 .

સત્તાનો લોભ કેવી દયાજનક પરિસ્થિતિ નિર્માણ કરે છે. જે હૃદય સ્વાર્થી લોભનું બીજ સંઘરી રાખતું હોય એ હૃદયમાં પ્રેમનું પુષ્પ કદી ન ખીલી શકે. પોતાના લોભ, કામ અને ઈર્ષા પર જીત મેળવવી એ જ ખરો વિજય છે અને એ જ વિજય એક ચિરસ્મરણીય સ્મારક બની રહે છે.

 .

લોકો શરીરને પ્રેમ નથી કરતા, પરંતુ આત્માને કરે છે. શરીર એ અશાશ્વત વાહન છે. આત્મા વિનાનું શરીર એ વાહનચાલક વગરનું વાહન છે. હું આંખો દ્વારા જોઉં છું, નાક દ્વારા સૂંઘું છું, જીભ દ્વારા ચાખું છું, કાન દ્વારા સાંભળું છું, ત્વચા દ્વારા સ્પર્શું છું, મગજ દ્વારા વિચારું છું અને હૃદય દ્વારા પ્રેમ કરું છુ, પણ હું કોણ છું ? મારા શરીરને કાર્યરત રાખનાર સુખ-દુ:ખનો ભોક્તા કોણ ? અને બધાનો સાક્ષી કોણ ?

 .

ગરીબી એટલે ફક્ત શરીર પર કપડાં ન હોવાં એ નથી, પરંતુ ગરીબી એટલે માણસાઈની ગરિમા અને ચારિત્ર્યની શુદ્ધતા ન હોવી એ છે. ગરીબાઈ એટલે એકબીજા તરફ સન્માન ન હોવું એ છે. ખરું ઐશ્વર્ય એ હૃદયમાં છે, જેમાં ઈશ્વરના પ્રેમ પર પૂર્ણ વિશ્વાસ હોય. આ જગતમાં એવા લોકોની સખત જરૂર છે, જે આ ઐશ્વર્યવિહિન હૃદયના લોકોમાં આ વિશ્વાસ જાગૃત કરે.

 .

ઈશ્વર અને માનવજાતની સેવા કરવી એ એક સન્માનીય વસ્તુ છે, એ કોઈ કામ નથી. ઈશ્વરની સેવા કોઈ પણ પ્રકારની હોય, એમાં ઊંચાપણું કે નીચાપણું નથી.

 .

મારી બધી શક્તિ મને ઈશ્વરના પવિત્ર નામમાંથી મળે છે.

 .

જો તમે નમ્ર હશો તો તમને માન કે અપમાન કંઈ જ અસર નહીં કરે, કારણ કે તમે જાણો છો તમે કોણ છો, ઈશ્વર એના સાક્ષી છે. તમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હોય ત્યારે કોઈ પણ પ્રકારની નિષ્ફળતાથી નિરાશ નહીં થતા.

 .

ભગવાનને પ્રેમ કરવો એ આપણો સ્વભાવ છે. પણ એ પ્રેમ આપણે લાંબા કાળથી ભૂલી ગયા છીએ. ભગવાન માટે એ પ્રેમ પૂર્ણ રીતે બિનશરતી હોવો જોઈએ તો જ એ આત્માને શાશ્વત આનંદ આપી શકે. આપણે ભગવાનના અંશ છીએ. પણ અજ્ઞાનને લીધે આપણે પોતાને આ અશાશ્વત શરીર તરીકે ઓળખીએ છીએ.  આપણા બધાં દુ:ખોનું મૂળ આપણે ભગવાન સાથેનો આપણો સંબંધ ભૂલી ગયા છીએ એને લીધે છે અને એ ભુલાયેલો સંબંધ આપણે ફરીથી ભગવાનના નામનો જાપ કરવાથી સ્થાપી શકીએ છીએ. આ પ્રક્રિયા જે આપણા સુષુપ્ત ભગવદ્દપ્રેમને ફરીથી જાગૃત કરે છે એને ભક્તિયોગ કહેવાય છે.

 .

આપણે બધા દૈવી ચેતનાથી છૂટી પડેલી આ માછલી જેવા છીએ. ઈશ્વર સાથેના નૈસર્ગિક પ્રેમથી વિમુખ થઈને સુખી થવાની કોશિશ કરવી એ પાણીની બહાર સૂકી રેતીમાં સુખી થવાનો પ્રયાસ કરતી માછલી જેવું છે. સંત પુરુષો ઈશ્વરપ્રેમના આનંદ રૂપી સાગરમાં જીવોને પાછા મોકલવા અથાગ પ્રયત્ન કરે છે, પણ માયા રૂપીજાળ (માયાજાળ) લોકોનાં મનને એ સમુદ્રથી દૂર સૂકી રેતીરૂપી દુ:ખમાં પાછા ખેંચી જાય છે.

 .

હૃદયમાં જામેલા અહંકાર રૂપી મેલને કારણે જ કદાચ આપણને અંતરમાંથી આવતો પ્રભુનો સાદ સંભળાતો નહીં હોય. જ્ઞાન રૂપી સળીથી ગુરુ આપણા હૃદયનો મેલ દૂર કરે છે. જે બહાર નીકળે છે તે દેખાવે બિહામણું લાગે, પણ ધીરજ રાખીએ તો અંતરની સફાઈ થતી રહે છે.

 .

ક્યારેક ભગવાન આપણને ધાર્મિક અનુભવનો અંશ વિનામૂલ્યે આપી દે છે, પરંતુ હૃદયની વધુ સ્વચ્છતા માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. એ કિંમત છે સ્વચ્છતાની આ પ્રક્રિયા પ્રત્યેનું સંનિષ્ઠ સમર્પણ.

 .

ભગવાનના નામે થતું દ્વેષી આક્રમણ પણ આ દુનિયાની જ એક સચ્ચાઈ હતી. તત્વ સમજ્યા વિના બાહ્ય રૂપને મહત્વ આપતાં લોકો આ દ્વેષભર્યો માર્ગ સ્વીકારેછે. જ્યારે સાચા અનુયાયીનું લક્ષણ તો શ્રદ્ધા, આત્મનિયંત્રણ, પ્રેમ અને દયા છે.

 .

આપણે નિષ્કાળજીભરી ભૌતિક જરૂરિયાતોમાં સમાધાની જીવન સામે સાવચેત રહેવું અને આધ્યાત્મિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવું. જો માછલી ઊંડે તરી રહી હોત તો બાજ એના સુધી પહોંચી શક્યો ન હોત. એ જ રીતે જો આપણે ભગવાન સાથેના સંબંધમાં ઊંડા ઊતરીએ તો ઊંડાણભરેલું અને સંતોષપ્રદ આંતરિક સત્ય આપણી આત્મચેતનાને એટલા ઉન્ન્ત સ્તરે પહોંચાડશે કે જ્યાંથી આપણે અકળ પ્રારબ્ધના પરિણામનો સ્થિર અને અનાસક્ત મનથી સામનો કરી શકીશું.

 .

સંજોગોથી પ્રભાવિત વ્યક્તિ દ્વેષી અથવા તો પ્રેમાળ બની શકે છે. આપણી ફરતેનું વાતાવરણ અને સંગ આપણી આત્મચેતના પર નિર્ણાયક પરિણામ લાવે છે. એકબીજાના દુર્ગુણો બહાર લાવવા કરતાં સારપ બહાર લાવવામાં નિમિત્ત બનવું કેટલું મહત્વપૂર્ણ છે.

 .

બળવાન શક્તિ સામે સીધાં શીંગડા ભેરવવાથી આપણે સફળ ન પણ થઈ શકીએ.

 .

હા, હું રડી રહ્યો હતો. એની માન્યતા અનુસાર કદાચ આભારવશ થઈને જ. બીજાને ખુશ કરવાનું હંમેશાં સહેલું નથી હોતું. જો કે એમ કરવાની ઈચ્છા હંમેશા મારા સ્વભાવના ઊંડાણમાં હતી. દઝાડી નાખતી એ વેદના તો આ સાધુને રાજી કરવા માટેની બહુ નજીવી કિંમત હતી.

 .

માલિક ગમે તેવાં કપડાં પહેરે, પણ પાળીતો શ્વાન તેને ઓળખી જ જાય છે. માલિક ઝભ્ભો પહેરે, સૂટ અને ટાઈ પહેરે કે નગ્ન રહે, પણ શ્વાન એને ઓળખી કાઢે છે. બીજા ધર્મનો વેશ પહેરીને આપણા પ્રિય પાલનહાર ભગવાન આપણી સામે આવે અને જો આપણે એમને ઓળખી ન શકીએ તો આપણે શ્વાન કરતાં પણ ઊતરતી કક્ષાના છીએ.

 .

દરેક હૃદયમાં બે શ્વાન વસે છે. દુર્ગુણી શ્વાન અને સદ્દગુણી શ્વાન. બન્ને એકબીજા સાથે લડતા રહે છે. દુષ્ટ શ્વાન આપણા ચારિત્ર્યમાં રહેલાં ઈર્ષ્યા, ક્રોધ, કામ, લોભ, ઘમંડ અને અજ્ઞાનનું પ્રતીક છે તો સદ્દગુણી શ્વાન આપણા દૈવી સ્વભાવ એટલે કે ક્ષમાશીલતા, કરુણા, આત્મનિયંત્રણ, ઉદારતા, નમ્રતા અને ડહાપણનું પ્રતીક છે. આપણા સમયના સદ્દઉપયોગ, દુરુપયોગ તથા જીવનના વિકલ્પોની પસંદગીના આધારે જે શ્વાનનું પોષણ કરીએ એને જોરથી ભસવાની-બીજા શ્વાન પર વિજય મેળવવાની શક્તિ મળે છે. દુષ્ટ શ્વાનને ભૂખે મારીને સદ્દગુણી શ્વાનનું પોષણ કરવું એ સદાચાર છે.

 .

ભક્તની કૃપા રૂપી લાકડી આપણને અત્યંત ભયાનક સંકટમાંથી ઉગારી શકે છે.

 .

અસલી સાથે નકલીનું અસ્તિત્વ સદા રહેવાનું જ. ઈતિહાસ સાક્ષી છે કે ઢોંગ, દંભ, મિથ્યાચાર અને પાખંડે સદાય લોકોની શ્રદ્ધા પાંગળી બનાવી છે. એક સાધુને દર વખતે કંઈ એના બાહ્ય દેખાવથી ન પારખી શકાય.

 .

ભગવદ્દગીતા બોધ આપે છે કે કામ ન કરવા માગતા આળસુ માટે ત્યાગનો માર્ગ છે જ નહીં. એ તો ભક્તિમાર્ગ પર કાર્યરત રહેનારાઓ માટે છે.

 .

ઢોંગી સાધુ કરતાં કપટ વિનાના ઝાડુવાળા બનવું વધું સારું.

 .

વ્યક્તિએ ઘાસના તણખલાથી પણ વધુ નમ્ર થવું જોઈએ. વૃક્ષથી પણ વધુ સહનશીલ થવું જોઈએ અને અન્યોને બધુંજ માન-સન્માન આપીને પોતાનાં માન-સન્માનની જરા પણ અપેક્ષા ન રાખવી જોઈએ. આ રીતે આપણે પ્રભુના નામનો ઉચ્ચારણ સતત કરી શકીશું.

 .

તમે આ ઘાસને જોઈ રહ્યા છો ? એ નમ્રતાપૂર્વક આપણા પગની હેઠળ રહીને પણ સર્વેની સેવા કરવામાં અત્યંત આનંદ અનુભવે છે. કોઈ એને પગ તળે કચડી નાખો તો પણ એ આપણી સેવા હેતુ પાછાં ઊભાં થઈ જાય છે. આપણે એમની પાસેથી નમ્રતા શીખી શકીએ છીએ.

 .

પેલા વૃક્ષને જુએ છે ? એ ઉનાળાના તપતા સૂર્યને સહન કરે છે અને આપણને છાંયડો આપે છે. એ શિયાળાની કાતિલ ઠંડી સહન કરીને આપણને ગરમી પ્રદાન કરવા માટે લાકડું આપે છે અને મહિનાઓ પાણી વગર ઊભા રહીને આપણી તરસ બુઝાવવા માટે રસીલાં ફળ અર્પણ કરે છે. આ બધું એ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના કરે છે. આપણે વૃક્ષ પાસેથી સહનશીલતા શીખવી જોઈએ. આપણે સદૈવ ભગવાનના સેવકના પણ સેવકના નમ્ર સેવક થવાની ઈચ્છા રાખવી જોઈએ. કેવળ આ પ્રમાણે જ આપણે ભગવદ્દનામનું અમૃતપાન કરી શકીશું.

 .

પ્રત્યેક મનુષ્યએ એના જીવનમાં એને પોતાને જે સૌથી પવિત્ર માર્ગ જણાય એને અનુસરવો જ રહ્યો. જો મનુષ્ય જેને સત્ય માને છે એને ન અનુસરે તો એના જીવનનું કંઈ જ મહત્વ નથી. મારા પૂર્ણ હૃદયથી અને આત્માથી હું માનું છું કે જીવનનો સૌથી મહત્વનો ઉદ્દેશ એ છે કે આપણું જીવન આપણે એ એક ભગવાનની ભક્તિમાં વિતાવવું જોઈએ, જે આપણા બધા પર પ્રેમના અધિકારથી રાજ્ય કરે છે. આપણે બધા એ એક જ ઈશ્વરના સેવક છીએ. મારા માનવા પ્રમાણે મનુષ્યોની વચ્ચે ઝગડા અને દુ:ખનું મૂળ કારણ એ છે કે આપણે બધા આ પરમ સત્યને ભૂલી ગયા છીએ.

 .

સાધારણ સમાજમાં મર્યાદાભંગની ભાગ્યે જ નોંધ લેવાય છે, પણ ભક્તિની સંસ્કૃતિમાં હૃદયની કોમળતા તથા પ્રામાણીકતાને પવિત્ર માનવામાં આવે છે. આ ભક્તિની સંસ્કૃતિ ખરેખર છે શું ? એ એકદમ સૂક્ષ્મ છે, પરંતુ એ હૃદયના ખેતરને ફળદ્રુપ કે રસાળ બનાવે છે, જેથી એમાં સાચા પ્રેમનું બીજ ઊગી શકે.

 .

આપણા હૃદયમાં સ્થિત ભગવાન પ્રત્યેના ભાવોન્માદવાળા પ્રેમને આપણે માયાના પ્રભાવ હેઠળ ભૂલી ગયા છીએ. આ ભૌતિક દુનિયામાં રહેલો પ્રેમ એ તો માત્ર એનું પ્રતિબિંબ છે. આપણે અનેક રીતે સાચા પ્રેમની શોધ કરીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે એ તો આપણા હૃદયમાં જ સ્થિત છે.

 .

બાળક એની માતાને અસહાયતાપૂર્વક પોકારતું હોય એવી નમ્રતાથી આપણે ભગવાનનું નામ લેવું જોઈએ.

 .

નમ્ર બનવું એટલે અહંકારને મારવો નહીં, પણ ઈશ્વરના પ્રેમમાં વિકસિત સાચા અહંકારને બંધનમુક્ત કરવો.

 .

કોઈને પ્રેમ કરવાની ઊંડી ઈચ્છા એ જીવન જીવવાનું મૂળ તત્વ છે. બીજાને પ્રેમ કર્યા વિના કોઈ જીવી ન શકે. દરેક જીવમાં આ મૂળભૂત વલણ છે, પણ ખૂટતો ઘટક એ છે કે આપણા પ્રેમને કઈ દિશામાં દોરવો, જેથી એમાં સહભાગી થઈને દરેક જણ ખુશ રહી શકે. આજની સ્થિતિમાં મનુષ્યસમાજ આપણને આપણા દેશ, કુટુંબ અને જાતને પ્રેમ કરવાનું શિખવાડે છે, પણ બધા જ ખુશ થઈ શકે એના માટે આ પ્રેમને કઈ દિશામાં દોરવો એ બાબતની કોઈને જાણકારી નથી. આ ખૂટતો મુદ્દો કૃષ્ણ પ્રત્યેની આપણી મૂળભૂત પ્રીતિને જાગૃત કરવાથી જ મળી શકે. આપણે કૃષ્ણને પ્રેમ કરવાનું શીખીએ તો સાથે સાથે બધા જ જીવાત્માઓને પ્રેમ કરવાનું સરળતાથી શીખી શકીએ, જેમ કે વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી વૃક્ષનાં બધાં જ અંગોને છે. એ અવસ્થામાં આપણે સ્થિત થઈશું ત્યારે જ આનંદમય જીવનને પામી શકીશું.

.

પેલે પારનો પ્રવાસ – રાધાનાથ સ્વામી

પ્રકાશક : તુલસી બુક્સ

પૃષ્ઠ : ૩૪૯

કિંમત : રૂ. ૨૦૦/-