કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે,
દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી રે,
મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
નથી મારા શ્રીગોપાળ, કરવા કૌરવ કુળ સંહાર,
દેજે સિંહ સરીખી ફાળ, તારી કોણ લેશે સંભાળ ?- કુંતા
અભિ : માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : દીકરા પહેલે કોઠે દ્રોણ ગુરુ આવી ઊભા હશે રે.
પહેલે કોઠે ગુરુ દ્રોણ, તેને જગમાં જીતે કોણ ?
કાઢી કાળ વ્રજનું બાણ, તેના પળમાં લેશે પ્રાણ-કુંતા
સાખી : એક બે ત્રણ ચાર ને પાંચ છ ને વળી સાત;
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર-કુંતા
અભિ : માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : દીકરા બીજે કોઠે કૃપાચાર્ય ઊભા હશે રે,
મારા કોમળ અંગકુમાર, તેને ત્યાં જઈ દેજે માર-કુંતા
સાખી : સાત આઠ નવ દશ અગિયાર ને વળી બાર;
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર-કુંતા
અભિ : માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : દીકરા ત્રીજે કોઠે અશ્વત્થામા ઊભા હશે રે.
તેને થાજો કુંવર સામા, તેના ઉતરાવજો જામા-કુંતા.
સાખી : તેત્રીસ છત્રીસ અડતાળીસ ઓગણપચાસ બાવન સાઠ;
એટલા દેવ રક્ષા કરે, દિનમાં દશ દશ વાર-કુંતા.
અભિ : માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : ચોથે કોઠે કાકો કરણ; તેને દેખી ધ્રુજે ધરણ;
તેને માથે આવ્યાં મરણ, તેના ભાંગજે ચરણ-કુંતા.
સાખી : બેઠા ને વળી ઊભેલા, ભીતર ને વળી બહાર,
એટલા દેવ રક્ષા કરો, દિનમાં દશ દશ વાર-કુંતા.
અભિ : માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : પાંચમે ઊભો દુર્યોધન પાપી, તેને રીસ ઘણેરી વ્યાપી.
તેને શિક્ષા સારી આપી, તેના મસ્તક લેજો કાપી-કુંતા.
સાખી : બે જળચર બે નભચર બે બે રાજકુમાર;
એટલા તુજ રક્ષા કરો, દિનમાં દશ દશ વાર-કુંતા.
અભિ : માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : છઠ્ઠે કોઠે મામા શલ્ય, તે તો જનમનો છે ખલ;
તેને ટકવા ના દઈશ પલ, તેનું અતિ ઘણું બળ-કુંતા.
સાખી : જોશી ને ફાતડા ભાંડ અને ભરવાડ
એટલા તુજ રક્ષા કરો, દિનમાં દશ દશ વાર-કુંતા.
અભિ : માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
કુંતા : દીકરા સાતમે કોઠે જયદ્રથ તો ઊભા હશે રે.
સાતમે કોઠે જયદ્રથ, તે તો લડવૈયો સમરથ,
તેનો ભાંગી નાખજે રથ, તેને આવજે બાથોબાથ-કુંતા.
સાખી : કુંતાએ કાર ઝાલી કરી, વાળી વ્રજની ગાંઠ,
દાસ મગન એમ બોલિયા, ડોસીએ વાળ્યો દાટ.
શ્રીકૃષ્ણના ઉરમાં ફાળ પડી છે તે ઘડી રે-કુંતા.
ચેત્યા ચૌદ ભુવનના ભૂપ, વ્હાલે ધર્યું બ્રાહ્મણ રૂપ,
રાખડી તોડાવી અનુપમ, રણમાં પડ્યા અભિમન્યુ ભૂપ-કુંતા.
(લોકગીત)
[ સૌજન્ય : ભાનુબેન ચૌહાણ ]