Tag Archive | વાર્તા

કંપન-અનુકંપન – સાગર ચૌચેટા ‘સાચો’

વાહનનાં નામે માત્ર સાયકલ અને એ પણ એવી કે ટંકોરીનો અવાજ ન આવે પણ તેનાં બાકીનાં બધા અંગ-ઉપાંગ અવાજ કરતાં હતાં, એ સાયકલની ચેન માત્ર ત્યારે જ ઉતરી જતી જ્યારે કોઈ બમ્પ આવે, બ્રેક તો એવી લાગતી કે ઉભી રાખવી હોય તો મારા ઘસાયેલા ચપ્પલને જમીન સાથે વધુ ઘસડવા પડતા. આવી આઠમી અજાયબી જેવી મારી સાયકલ હતી છતાં મારા મિત્ર જયપાલની નવી સાયકલથી તો તે એક મીટર આગળ ચાલતી.

 

હું અને જયપાલ અવારનવાર રેસ લગાવીને ઘરે જતાં. એક દિવસ સવારે રસ્તાની જમણી તરફ આવેલી શાળાનાં બાળકો રંગબેરંગી ગેસ ભરેલા ફુગાઓ લઈને કોઈ રમત રમતાં હતાં, નાના ભૂલકાંઓને જોઈને થોડો સમય માટે તેનો કાર્યક્રમ માણવાનું નક્કી કરી સાયકલનું સ્ટેન્ડ ચડાવી ઉભા રહ્યા.

 

મારા હૃદયનાં ધબકારા અચાનક વધતા લાગ્યાં, કશું થવાનો ભાસ થઈ રહ્યો હતો, અકળામણ થઈ રહી હતી, શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી ગળું સુકાઈ ગયું, પથ્થર ભરેલા ટ્રકને ખાલી કરતી વખતે આવે તેવો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો. જયપાલને કહ્યું “મને કંઈક થાય છે. આ સાયકલ, મકાનો, પેલી શાળા બધું હલતું હોય તેવું લાગે છે…”

 

જયપાલ મને નીચે બેસાડીને બોલ્યો “એ બધું હલ્લે જ છે, આ ભૂકંપ છે…” મને જયપાલનો અવાજ સંભળાતો નહોતો, પણ તેનો શારીરિક હાવભાવ જોઇને સમજી ગયો કે જેવું હું અનુભવું છું તે પણ અનુભવે છે, મને માત્ર તેનો અવાજ જ નહીં મારી આસપાસમાં ઉભેલા લોકોનો અવાજ, બાળકોની ચિચિયારીઓ, બચાવો… બચાવોનો અવાજ પણ સંભળાતો ન હતો. જયપાલના ખભે હાથ મૂકી ટેકો લઈ નીચે બેસી ગયો, હું કશું બોલું તે પહેલાં તો જે રીતે પહેલવાન મગદળ ખભે મૂકે તે રીતે ઈમારત પાસે ઉભેલા અસહાય વૃધ્ધને ખભા પર ઉપાડીને તે મારા તરફ લાવી રહ્યો હતો.

 

થોડી વારમાં શાળાની દીવાલ પડતી જોઈ સિંહણ તેના નાના બચ્ચાઓને મોઢેથી ઉપાડે તેવી રીતે બાળકોને નુકશાન ન થાય તેમ ઉપાડીને ખુલ્લાં મેદાનમાં મુકવા લાગ્યો.

 

આ વિનાશક ભૂકંપ સમયે હું વિચારશુન્ય થઈ ગયો હતો, મારી આસપાસ શું થઈ રહ્યું હતું તેનો હું જરા પણ અંદાજો લગાવવા સક્ષમ ન હતો. તે સમયે કદાચ હું સ્વાર્થી, નિર્લજ્જ, લાચાર કે ત્રણેય સ્થિતિમાં હતો. એક પણ ડગલું આગળ વધી ન શક્યો એક જ સ્થાને બેઠો રહ્યો.

 

થોડીવાર બાદ જયપાલ ક્યાં હતો? તે શું કરતો હતો? તેવો વિચાર પણ નહોતો આવતો, માત્ર માટીનાં પૂતળાની જેમ આ મહા વિનાશક ભૂકંપનાં કંપનોમાં હું ખોવાઈ ગયો હતો.

 

 

જયપાલ મારી પાસે આવીને મારી હથેળીમાં હાથ મૂકીને બોલ્યો “વાહ તે તો કમાલ કરી નાખી, એક સાથે તેં આટલા લોકોનો જીવ બચાવ્યો, વાહ… તારો મિત્ર હોવાનો મને ગર્વ છે.” હું કશું સમજી ન શક્યો, મારો હાથ કે પગ હલી શકે તેમ પણ ન હતું. જે વૃદ્ધ અને બાળકોને જયપાલે બચાવ્યા તે બધા મને ઘેરીને ઉભા હતાં. મારી આંખો સિવાય શરીરનું કોઈ પણ અંગ હલી પણ નહોતું શકતું. મેં કશું કર્યું નથી છતાં જયપાલને મારા પર ગર્વ કઈ રીતે થાય? કદાચ તે મારો ખાસ મિત્ર છે માટે તેણે જે કર્યું તેનો શ્રેય મને આપવા માંગતો હોય? તે સમયે હું કોઈ હોસ્પિટલમાં હોઉં તેવું લાગતું હતું.

 

મેં જયપાલને પૂછ્યું “હું હોસ્પિટલમાં છું?”

 

મેં સવાલ પૂછ્યો પણ સામે થી કોઈ જવાબ ન આવ્યો. માટે થોડું વધુ જોરથી બોલ્યો “હું અહીંયા હોસ્પિટલમાં કેમ છું?”

 

જયપાલે મારા ગાલ પર હાથ મૂકીને કહ્યું :

 

“તું અત્યારે આરામ કર, મેં તારા ઘરે કહી દીધું છે. તેઓ હમણાં આવે પછી વાત કરીએ. ચિંતા ન કરતો. અમે તારી સાથે જ છીએ. તું કશું ન બોલતો. તને ડૉકટરે બોલવાની ના કહી છે.”

 

“મારી સાયકલ ક્યાં છે? થોડું પાણી પીવું છે, ગળું સુકાય છે.”

 

“સાયકલ ! કઈ સાયકલ !?” તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. તે મારા શબ્દો સમજી ન શક્યો હોય તેમ જોઈ રહ્યો. તે સમયે સાયકલની ચર્ચાથી વધુ મહત્વ તરસ છીપાવવાનું હતું. માટે ફરી એક વખત પાણી માંગ્યું, પાણી આવ્યું કે નહીં ખબર નથી. પણ દવાની અસરને કારણે ફરી ઘેન ચડી ગયું.

 

 

સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યાને ઘણા દિવસો થઈ ગયા હતાં. ઘણાં દિવસો બાદ મારી સાયકલ જોઈને એ ભૂકંપવાળા દિવસની યાદ ફરી તાજી થઈ ગઈ.

 

તે દિવસે જયપાલે તેના કામનો શ્રેય મને કેમ આપ્યો હતો? તેની જાણકારી મેળવવાની બાકી હતી, હું જયપાલની રાહ જોઇને બેઠો હતો. દરરોજની જેમ તે મારા ઘરે પહોંચ્યો

 

“ભૂકંપનાં દિવસે મને શું થયું હતું?” મેં તેને આ સવાલ પૂછતાં સાથે જ તેણે વાત બદલવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન રહ્યો. મારી જીદથી કંટાળીને તેણે કહ્યું

 

“ખૂબ લાંબી વાત છે, પછી ક્યારેક વાત.”

 

“અરે યાર… તારે કહેવું પડશે. કારણ કે મેં શું કર્યું તેની મને તો જાણકારી હોવી જોઈએ ને?”

 

“ઠીક છે યાર કહું છુ, તું તો ગુસ્સે થઈ ગયો. કાંઈ ખાસ નથી થયું…” તેણે વાત શરૂ કરી.

 

“સાચે તને કશું યાદ નથી?”

 

હું બેભાન થયો તે પહેલાની બધી વાત મેં તેને કરી. પણ તેનો ચહેરો કહેતો હતો કે મારી વાત બનાવટી હોય. આવું કશું બન્યું જ ન હોય.

 

મને અટકાવતા જયપાલ બોલ્યો “એટલે તું હોસ્પિટલમાં સાયકલની વાત કરતો હતો તે આ જ વાત હતી?

 

અરે ભાઈ, તેં જે કહ્યું તેવું કશું બન્યું જ નથી. બે માસથી તો તું હોસ્પિટલમાં દાખલ હતો. હા, ભૂકંપનાં કારણે તું હોસ્પિટલમાં હતો તે સાચી વાત છે.”

 

મને તે દિવસનું કશું જ યાદ નથી તેવું કહેતા તેણે તે દિવસની વાત કરવાની શરૂ કરી.

 

“તે દિવસે ત્રણ માળિયાની ખખડધજ બિલ્ડીંગના ત્રીજા માળે ભરતના ઘરે તું, હું અને ભરત નાસ્તો કરવાં બેઠા હતાં, શોભનામાસી ગરમ ગરમ નાસ્તો પીરસતા હતાં ત્યારે જ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો. આપણે ત્રણે મિત્રોએ ભરતના પથારીવશ બીમાર દાદાને ખાટલા સાથે નીચે ઉતારી બધાંને નીચે ઉતરી જવાનું કહ્યું હતું. જ્યારે આપણે નીચે જઈને જોયું તો આખું બિલ્ડીંગ પડું પડું થઈ ગયું હતું.

 

શોભનામાસી પણ ભૂકંપના ભયથી નીચે ભાગ્યા પણ ગેસનો ચૂલો બંધ કરવાનું ભૂલી ગયા હતાં. ત્રણ માળનાં બિલ્ડિંગને એક તરફ નમેલું જોઈને બધાં ગભરાઈ ગયાં. બિલ્ડિંગની તૂટેલી દીવાલમાંથી ચાલુ ગેસ પર નજર પડતાં શોભનામાસીએ ચીસ પાડી કે ગેસ બંધ કરો નહીંતર સિલિન્ડર ફાટશે અને આખું બિલ્ડિંગ ઉડી જશે. નળીની મજબૂતીને કારણે હવામાં લટકતી ગેસના સિલિન્ડરને સુરક્ષિત જગ્યાએ રાખવાની હિંમત કોણ કરે? હવે શું કરવું? બંધ કરવા કોણ જશે? એક આંચકો આવ્યો છે તો થોડી વારમાં બીજો આંચકો પણ આવશે જ. જે કરવું હોય એ જલ્દી કરવું પડશે. એકઠાં થયેલાં ટોળામાં આવી ચર્ચાઓ ચાલતી હતી. તેવામાં તો તું ઉપર ચડી ગયો અને રેગ્યુલેટર બંધ કરી ગેસના સિલિન્ડરને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો. બધાં તાળીઓ પાડવા લાગ્યાં, ત્યાંથી નીચે આવવા તેં આગળ પગલું માંડ્યું જ હતું તેવામાં ફરી એક ભૂકંપનો આંચકો આવ્યો. એ આંચકામાં બિલ્ડિંગ સાથે તું પણ ઉપરથી નીચે પટકાયો અને હાથ, પગ અને માથાના ભાગે ઘવાયો. તાત્કાલિક સારવાર માટે અમે તને હોસ્પિટલ લઈ ગયા.

 

તારા આ પરાક્રમને કારણે અમે બધાં તારા પર ગર્વ કરીએ છીએ. તું સમયસર ન પહોંચ્યો હોત તો ઘણાં લોકો ઘાયલ થયા હોત.”

 

જયપાલની વાત સાંભળીને મારું ગળું ભરાઈ ગયું. મારું નસીબ સારું ગણું કે ખરાબ? તે દિવસે જે થયું તે મને યાદ નથી. અને જો યાદ હોત તો પણ હું કશું કરી શકું તેમ ન હતો. કદાચ ભૂતકાળ પરિવર્તનનો અવસર મળે તો ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નો એ દર્દનાક દિવસ બદલવા ઈચ્છું છું. જે દિવસે કચ્છનાં હજારો લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા…

 

નોંધ:

આ વાર્તાની ઘટના સત્ય છે. પરંતુ વાર્તારૂપે રજૂ કરવા માટે ઘણાં ફેરફારો કર્યા છે. માટે કાલ્પનિક વાર્તા જ ગણવી…

 

( સાગર ચૌચેટા ‘સાચો’ )