Tag Archives: ગીત

વિજોગણ વેદના રે-કિશોરસિંહ સોલંકી

તમે મળ્યાં આ મનસાના મેળે કે વિજોગણ વેદના રે

અમે ઊભા આંસુના ખોળે કે વિજોગણ વેદના રે

તમે વહેર્યા આ શ્વાસોના પહાડ કે વિજોગણ વેદના રે

અમે રોપશાં મોગરાનાં ઝાડ કે વિજોગણ વેદના રે

તમે ઉગાડી આયખાને ડાળ કે વિજોગણ વેદના રે

અમે બંધાયા વાયરાની પાળ કે વિજોગણ વેદના રે

તમે ભર્યા વાદળ જેવાં કોપ્યાં કે વિજોગણ વેદના રે

અમે દુકાળો લોહીમાં રોપ્યા કે વિજોગણ વેદના રે

તમે આંખોમાં છલકાવ્યા દરિયા કે વિજોગણ વેદના રે

અમે હલેસાં મારતાં તરિયા કે વિજોગણ વેદના રે

તમે ઝરણાંને હૈયે સમાયાં કે વિજોગણ વેદના રે

અમે દાવાનલ જેવા ઓલાયા કે વિજોગણ વેદના રે

તમે ઊડતાં પંખીઓનું આકાશ કે વિજોગણ વેદના રે

અમે કાપેલી પાંખોની આશ કે વિજોગણ વેદના રે

તમે જાઓ છો સમંદર પાર કે વિજોગણ વેદના રે

અમે સુકાતા સરોવરનો ભાર કે વિજોગણ વેદના રે

.

( કિશોરસિંહ સોલંકી )

આ કબૂતરનું શું કરવું ભલા !

આ કબૂતરનું શું કરવું ભલા !

છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગૂપચૂપ ગોઠવે તણખલાં

.

ચોક સમું ભાળે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતાં આવડે

આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતાં આવડે

ધીરેધીરે મુંઝારા ચણે જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાંનું ખરવું સમજાય છે

પોતીકાપણાના જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે

બારી પર સાંજ ઢળ્યે બેસીને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

( સંદીપ ભાટિયા )