Tag Archives: ગુણવંત શાહ

શું ગાંધીજી એક અવ્યવહારુ મહાત્મા હતા? – ગુણવંત શાહ

આપણી વચ્ચે એક એવો મહામાનવ થઇ ગયો, જે પોતાની જાતને છેતરવા તૈયાર ન હતો. જે મનુષ્ય પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરી શકે ખરો? એ મહામાનવ મરવા તૈયાર હતો, પરંતુ કોઇને મારવા માટે તૈયાર ન હતો. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એ માણસનો એક્સ-રે આખી દુનિયાને જોવા મળ્યો. ફોટોગ્રાફ છેતરે, પરંતુ એક્સ-રે કદી ન છેતરે. એણે લોકોને કહ્યું: ‘મરતાં પણ સત્ય ન છોડવું.’ ૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીની સાંજે એણે દેહ છોડ્યો, પણ સત્ય ન છોડ્યું. એના પવિત્ર જીવનનો છેલ્લો ઉદ્ગાર હતો: ‘હે રામ.’
.
ઇ.એમ. ફોસ્ર્ટરની માન્યતા હતી કે આપણી શતાબ્દીના શ્રેષ્ઠત્તમ પુરુષ તરીકે ગાંધીજીને માનવામાં આવે. આર્નોલ્ડ ટોયાન્બીને દ્રઢ વિશ્વાસ હતો કે એવું જ માનવામાં આવશે. ડૉ. એ. એમ. હોમ્સે કહ્યું હતું: ‘ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઇસુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવી હતા.’ આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૩૧ને દિવસે લખેલા પત્રમાં જણાવ્યું:
.
આદરણીય મિસ્ટર ગાંધી,
.
મારા ઘરે આવેલા તમારા મિત્ર સુંદરમની હાજરીનો લાભ લઇને હું તમને થોડીક લીટીઓ પાઠવી રહ્યો છું. તમે તમારાં કાર્યો દ્વારા એવું બતાવી આપ્યું છે કે હિંસા સિવાય પણ સફળ થઇ શકાય છે. આપણે આશા રાખીએ કે તમારું ઉદાહરણ તમારા દેશની સરહદો પાર કરીને બધે પ્રસરી જશે અને એક એવી આંતરરાષ્ટ્રીય સત્તાની સ્થાપનામાં મદદરૂપ થશે, જેને સૌ આદર આપે અને જે નિર્ણય લેશે તથા યુદ્ધમૂલક સંઘર્ષોનું સ્થાન લઇ શકશે.
.
તમારો,
.
એ. આઇન્સ્ટાઇન
.
મને એવી આશા છે કે હું તમને કોઇ દિવસ રૂબરૂ મળી શકીશ.
.
‘‘‘
.
શું ગાંધીજી અવ્યવહારુ મહાત્મા હતા કે?  જો સાચું બોલવાની ટેવ અવ્યવહારુ બાબત હોય તો એક વર્ષ માટે કાયમ જૂઠું બોલવાનો સંકલ્પ કરી જુઓ! એક જ વર્ષમાં તમને ખબર પડી જશે કે તમારા મિત્રો તમારા પર ભરોસો મૂકવા તૈયાર નથી. કદાચ તમારી પત્ની કે બહેન કે માતા પણ તમારા પ્રત્યે અણગમો ધરાવવા લાગશે. એક જ વર્ષમાં તમે બિઝનેસમાંથી કે નોકરીમાંથી લગભગ ફેંકાઇ જશો. જો અહિંસા કરતાં હિંસા વધારે વ્યવહારુ હોય તો જીવનમાં ડગલે ને પગલે હિંસા આચરવાનું શરૂ કરી જુઓ! કદાચ એક જ મહિનામાં તમે જેલભેગા થશો અને તમારી કિંમત ફૂટી કોડીની થઇ જશે. શું સ્વચ્છતાનો આગ્રહ રાખનારા ગાંધીજી અવ્યવહારુ હતા? તો તમારે અસ્વચ્છતા જાળવવાની ઝુંબેશ શરૂ કરવી જોઇએ.
.
જો શરાબનું વ્યસન વ્યવહારુ હોય તો ગરીબ લત્તાઓમાં જઇને માંડ ગુજરાન ચલાવતી પત્નીઓની અવદશા નજરે નિહાળજો. જો સાદો આહાર અવ્યવહારુ જણાય તો કેવળ પાંચ વર્ષ માટે મિષ્ટાન સાથે તળેલો અને તીખો તમતમતો આહાર જ લેવાનો સંકલ્પ કરી જુઓ! શું કોઇ પણ શાણો મનુષ્ય શાંતિને ‘અવ્યવહારુ’ ગણીને મારામારી અને કાપાકાપીથી ભરેલા હુલ્લડ કે યુદ્ધને વ્યવહારુ ગણી શકશે? તો તો જગતના સૌ ડાહ્યા મનુષ્યોએ અફઘાનિસ્તાન, લિબિયા, ટ્યુનિશિયા, સિરિયા કે યેમનમાં સેટલ થવા માટે પડાપડી કરવી જોઇએ.
.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો બાળકોને માનવ-બોમ્બ તરીકે ઉપયોગમાં લે છે. બોલો ક્રૂરતા વ્યવહારુ કે કરુણા? ખરી વાત એ છે કે: સત્ય જ વ્યવહારુ છે, અસત્ય નહીં. અહિંસા જ વ્યવહારુ છે, હિંસા નહીં. શાંતિ જ વ્યવહારુ છે, યુદ્ધ નહીં. સ્વચ્છતા જ વ્યવહારુ છે, અસ્વચ્છતા નહીં. જે ગામમાં રહેતો પ્રત્યેક માણસ ગુંડો, ચોર કે લફંગો હોય એવું ગામ કદી પણ ટકી ન શકે. ધર્મ જ વ્યવહારુ છે, અધર્મ નહીં. ધર્મ એટલે જ માનવધર્મ.
.
સંસારમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં બે દેશો વચ્ચે યુદ્ધની નોબત ખડી થાય છે. એવે વખતે કોનો પક્ષ લેવો? સત્ય જ્યારે આવી આકરી કસોટીએ ચડે ત્યારે સાપેક્ષતા (relativity) આપણી મદદે આવે છે. ગાંધીજી આવે વખતે શું કરે? સાંભળો:
.
યુદ્ધમાત્રને હું સર્વથા ખરાબ ગણું છું,
પરંતુ લડતના બે પક્ષોના
આશયો તપાસીશું તો આપણને
માલૂમ પડશે કે:
એક સાચો છે અને બીજો ખોટો છે.
દાખલા તરીકે અ જો બ નો
દેશ પચાવી પાડવા માગતો હોય
તો બ દેખીતી રીતે જ અન્યાયનો
ભોગ બન્યો છે.
બંને શસ્ત્રોથી લડે છે.
હિંસક યુદ્ધમાં હું માનતો નથી,
તેમ છતાં ન્યાયી ધ્યેયવાળો બ
મારા નૈતિક ટેકાને તથા આશીર્વાદને પાત્ર છે.
.
(‘હરિજન’, ૧૮-૦૧-૧૯૪૨)
.
અમેરિકાના ‘Time’ મેગેઝિનના કવર (Volume XVII, November ૧૯૩૦) પર ગાંધીજીની તસવીર પ્રગટ થઇ હતી. ગાંધીજી ત્યારે ૬૧ વર્ષના હતા. એમની પાસે સત્ય સિવાયની બીજી કોઇ મિલકત ન હતી, અહિંસા સિવાયનું બીજું કોઇ શસ્ત્ર ન હતું અને પ્રાર્થના સિવાયની બીજી કોઇ શક્તિ ન હતી. આમ છતાં બ્રિટિશ સલ્તનતને સૌથી વધારે ડર ગાંધીજીનો લાગતો હતો. આજની પરિભાષામાં આવી અંદરની તાકાતને ‘સોફ્ટપાવર’ કહી શકીએ.
.
દુનિયાને બંદૂકપાવર, બોમ્બપાવર અને મિસાઇલપાવર કેવો પ્રભાવશાળી હોય તે તો સમજાય છે, પરંતુ સત્યપાવર, કરુણાપાવર અને પ્રેમપાવર કેવો પ્રભાવશાળી હોય તે નથી સમજાતું. પરિણામે માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહેતા કે આજનો જમાનો ‘ગાઇડેડ મિસાઇલ અને અનગાઇડેડ મનુષ્યો’ દ્વારા પેદા થતી સમસ્યાઓની પજવણી પામ્યો છે. આજની અશાંત, અસ્વસ્થ અને અકરુણાવાન દુનિયામાં યુદ્ધ વિનાનો એક મહિનો પણ જતો નથી.
.
કેટલાક ઇસ્લામી દેશો એવા છે, જ્યાં મારામારી કે કાપાકાપી વિનાનો એક કલાક પણ જતો નથી. ઇજિપ્તમાં તખ્તપલટો થયો તેમાં ખૂબ જ ઓછી હિંસા થઇ છે. વિચાર આવે કે: આપણે આજે અફઘાનિસ્તાનના નાગરિક નથી તેથી કેટલા નસીબદાર છીએ! વિશ્વશાંતિ આપણું સમણું છે અને યુદ્ધ દુનિયાની વાસ્તવિકતા છે. હૃદયમાં ઊગેલી પંક્તિઓ આજે ગાંધીજયંતી છે તેથી અહીં પ્રસ્તુત છે:
.
માનવતાને થયું
કે એવરેસ્ટનું આરોહણ કરું.
ગાંધીજીએ એ ઇચ્છા પૂરી કરી!
.
પાઘડીનો વળ છેડે
.
અસહકાર અને અસહકારીઓની
મશ્કરી કરનારાઓ ઘણી વાર
મેલી ટોપી, ઢંગધડા વિનાનાં કપડાં,
વધેલી હજામત વગેરેને
અસહકારીઓનાં લક્ષણો ગણે છે.
પણ મહાત્માજી જેવી સ્વચ્છતા
બહુ ઓછા રાખતા હશે.
શ્રીમતી સરોજિની નાયડુએ એક વાર
કહેલું કે મહાત્માજી
એક યુવતી જેવી ચીવટ
શારીરિક સ્વચ્છતા માટે રાખે છે.
તેમના નખ પણ સ્વચ્છ હોય છે.
તેમની હજામત ચડેલી તો
કોઇએ જોઇ નહીં હોય.- રામનારાયણ વિશ્વનાથ પાઠક
.
(રા. વિ. પાઠક ગ્રંથાવલિ-૩, પાન ૬૫૬)

.

( ગુણવંત શાહ )

.

( સૌજન્ય : દિવ્યભાસ્કર )