Tag Archives: નમસ્તસ્યૈ નમો નમ:

નમસ્તસ્યૈ નમો નમ: (૯)

.

હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં ક્યા કારણે અમે ગાફેલ રહી જીવતરની સત્યતાને વેડફી રહ્યાં છીએ.

.

સંસારની અસારતા સ્પષ્ટ છે. છતાંય એની પ્રત્યેક વસ્તુ તરફની અમારી તૃષ્ણા અને અપેક્ષાઓ અનેકગણી છે. વણ સંતોષાયેલી તૃષ્ણાઓથી જન્મતો અસંતોષ અમારા અડીખમ વિચારોને ખળભળાવી મૂકે છે ત્યારે એમાંથી જન્મતો વિખવાદ, વિવાદ અને વૈચારિક વમળોથી અમે મુંઝાઈ જઈએ છીએ અને ન કરવાનાં કૃત્યો કરી બેસીએ છીએ.

.

મા ! આ સઘળી હકીકતોથી અમે સૌ વાફેફ છીએ. છતાંય નિર્વીર્ય બની અપેક્ષાઓના અનંત આકાશમાં ઉડવા માટેના નિરર્થક પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને અંતે અમને મળે છે ઘોર નિરાશા.

.

ખરેખર તો તું જ બધાં પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે. કેટલી સીધીસાદી વાત ! પણ અમારી સમજ ક્યાં અમારી તમામ તૃષ્ણાઓને જો તારામાં સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય તો તો મા અમારો બેડો પાર થઈ જાય.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

या देवी सर्वभूतेषु तृष्णारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमो नम

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ (સામર્થ્ય)રૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર.

.

માસુમ બાળક એ બાળક છે. પછી એ મેલઘેલા કે ફાટેલાં કપડાંવાળી કોઈ માગનાર સ્ત્રીનો ખોળો ખુંદતું હોય કે કોઈ ગર્ભ શ્રીમંતની બાબાગાડીમાં હોય પણ તેની સહજતા ગમે તે પરિસ્થિતિમાં પણ લોહચુંબક જેવું આકર્ષણ જન્માવે છે.

.

મા ! અમારામાં ઉદ્દભવતી તમામ તૃષ્ણાઓ જો તને સમર્પિત કરવાની અમને શક્તિ મળી જાય કે જીવનની તમામ તૃષ્ણાઓ અને એને સંતોષવા માટે વપરાતી શક્તિ એ પણ તારું જ સ્વરૂપ છે એવી સમજ કેળવાઈ જાય તો અમારું જીવન પણ પેલા બાળકની જેમ ગમે તે પરિસ્થિતિમાં પણ આકર્ષક બની જ રહે કેમ કે ત્યારે અમારા દ્વારા થતાં તમામ કાર્યો અમારા તમામ વિચાર પાછળ તારી જ શક્તિ કામે લાગેલી હશે અને તો અમારી તૃષ્ણાઓનું રૂપાંતર સંતોષમાં થઈને જ રહેશે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૮)

.

હે, મા ! નવરાત્રિના નવે દિવસોની એક એક ક્ષણ તારા નામના જાપથી વિતાવી છે. અમે જાણીએ છીએ કે આ પવિત્ર દિવસો તારી ભક્તિ કરવા માટેના પાવન પર્વ સમાન છે. આ દિવસોમાં કરેલાં સદ્દકાર્યોનાં શુભ ફળ અનેક ઘણાં હોય છે તો જાણે-અજાણે પણ કરેલાં પાપકર્મોનાં અશુભફળ પણ ગુણાકારની રીતે અનેક ઘણાં વધી જાય છે.

.

મા ! વિદ્વાનો, તત્વચિંતકો અને ઋષિમુનિઓના મુખેથી સાંભળ્યું છે કે આત્માના અવાજને અનુસરનાર વ્યક્તિ જ જીવને સદ્દગતિ આપવામાં અગ્રેસર બની શકે છે. મનની ભ્રમણાઓ તો ભમરાળી છે. તારી ભક્તિમાં ઓટ આવે કે તારા નામે નખરાં થતાં હોય ત્યાંથી દૂર રહેવામાં જ જીવનું કલ્યાણ છે. પણ, મા ! આ બધું જાણતાં હોવા છતાં અમને શું થયું છે એ જ સમજાતું નથી. ભ્રમણાઓનાં વમળો આત્માના અવાજ તરફ બેધ્યાન કરી મૂકે છે. જાગૃતિ રાખવાના પ્રયત્નો પણ નાકમિયાબ નીવડે છે અને અમે ગાફેલિયતમાં જ્યાં ટોળાં ઉમટ્યાં હોય ત્યાં પહોંચી જઈ તારા નામના ઓઠા નીચે અમારી સુષુપ્ત લાલસાઓ, કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા મથીએ છીએ.

.

મા ! પવિત્ર વાતાવરણમાં ભક્તિમય સૂરો સાથે ગવાતાં તારાં ગુણલાં રોમરોમમાં તારી શક્તિનો અહેસાસ કરાવે છે. પણ આ જાણકારીમાં અમારો સ્વાર્થ ભળે છે ત્યારે તારા આ પવિત્ર તહેવારોને પણ અમે સેવાના નામે વ્યવસાયમાં ફેરવી નાખીએ છીએ ત્યારે ભક્તિને બદલે ઉત્તેજના, ગુણને બદલે ઘેલછા છવાય છે. પણ તારા જ નામે થતી આજની કેટલીક નવરાત્રીઓની ગરબીઓમાં પણ તારી ગેરહાજરી હશે એમ તો કેમ કહી શકાય અને તેથી જ તારી સૂક્ષ્મ સ્વરૂપની હાજરીની પરવા કર્યા વિના પણ જ્યારે અમે અમારામાં રહેલા ખરાબ વિચારો, દ્વેષ, વૈમનસ્ય, સ્વાર્થ, તૃષ્ણાઓ, વિલાસવૃત્તિઓ જેવા અસુરો સાથે તારા મંડપમાં પ્રવેશ્યાં છીએ ત્યારે જીવનું કલ્યાણ કરવા સમર્થ તેં અમારા આ મહિષાસુરરૂપી રાક્ષસનાં અસુર સૈન્યને હણી નાખ્યું છે. તું બધાં જ પ્રાણીઓમાં ક્ષુધા અને છાયારૂપે રહેલી છે તેથી જ તું અમારી ન માફ થઈ શકે તેવી ભૂલોને પણ માફ કરે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

या देवी सर्वभूतेषु क्षुधारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु छायारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા-પ્રતિબિંબરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

.

ગબ્બરના ગોખે ઘૂમવાવાળી મા અંબા, મા ભવાની, ચોટીલાવાળી ચામુંડા, નવદુર્ગા આ નવે દિવસ અમે તારા સહવાસમાં રહેવા મથ્યાં છીએ અને તેથી જ અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી સર્વપ્રાણીઓમાં રહેલી તારી શક્તિને ઓળખવાની અમારા સ્વભાવમાં સાચી ક્ષુધા-તરસ પ્રગટાવ કે જે તરસ પણ તારું જ સ્વરૂપ હોય તો મા અમારા જીવનની દરેક ક્ષણ નવરાત્રિ બનીને રહે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૭)

.

હે, મા ! તાંતણે તાંતણો ગુંથાય ત્યારે જેમ વસ્ત્ર તૈયાર થાય છે તેમ જન્મ અને મૃત્યુના છેડાને ગાઢ રીતે બાંધતો જીવનરૂપી તાંતણો કેટલા તાણાવાણાથી અદ્દભુત રીતે ગુંથાયો છે એની કલ્પના કરીએ છીએ ત્યારે તારી લીલા નિહાળીને અમારું મસ્તક તારાં ચરણોમાં ઢળી પડે છે.

.

જીવન સુંદર છે કેમ કે તારું સર્જન છે. પણ અમારી અસ્થિર બુદ્ધિને લીધે અમે સુખ અને દુ:ખની અનુભૂતિઓમાં અટવાતાં રહીએ છીએ. અભિમન્યુ તો સાત કોઠામાંથી હેમખેમ પસાર થયો હતો અને આઠમા કોઠામાં અટવાઈ પડ્યો હતો જ્યારે અમે તો વિવિધ કોઠાઓમાં પહેલેથી જ એવા અટવાઈ પડીએ છીએ કે લગભગ અમારી સંવેદના સાવ ગુમાવી બેસીએ છીએ. મા, આ અમારી ભ્રમિત બુદ્ધિનું પરિણામ હોઈ શકે છે. આવું જ મા અમારી નિદ્રાનું છે. જાગવાના સમયે અમે ઘસઘસાટ ઊંઘીએ છીએ અને ઊંઘવાના સમયે અમે ઉજાગરા કરીએ છીએ. જીવનમાં આ જાગૃતિ અને નિદ્રાના અર્થને જ અમે સમજી શકતાં નથી. યોગીઓ જાગતા રહે છે અને સંસારીઓ નિદ્રામાં હોય છે આનો સ્થૂળ અર્થ કરીએ છીએ. આ જાગવું એટલે શું ? ઊંઘવું એટલે શું ?

.

મા ! અમારા જીવનમાં સાચી સમજણ કેમ ખીલતી નથી ? આવું કેમ બને છે ?

.

બુદ્ધિભ્રષ્ટ થાય તો જીવન આખું ભ્રષ્ટ થઈ જાય છે. કર્મના સંસ્કારો મુજબ સુખ કે દુ:ખ આવીને ઉભું રહે છે ત્યારે અમે ગભરાઈ જઈએ છીએ. અમે આનંદિત થઈએ તો પણ અને વિચલીત થઈએ તો પણ અમારી આવી માનસિક સ્થિતિને લીધે અમારી બુદ્ધિ અને નિદ્રા બન્ને બગડે છે….પણ, મા ! આવું કેટલો સમય ચાલશે ?

.

તું અમને તારાથી વિખુટા કેટલો સમય રાખી શકીશ ? મા સંતાનથી અળગી રહી જ ન શકે. તું-હું અને હું-તુંનો ભેદ વધુ સમય ભરમાવે એ પહેલાં અમને સાચી સમજ આપ કે અમારામાં રહેલી બુદ્ધિ અને નિદ્રા પણ તારું જ સ્વરૂપ છે અને પછી જો કે અમારા જીવનની આખી દ્રષ્ટિ કેવી બદલાઈ જાય છે !

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु बुद्धिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु निद्रारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં નિદ્રારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી દ્રઢ સમજણ આપ કે જેથી તારા દ્વારા બનાવેલ જીવનનો વિવિધરંગી આ ધાગો વધુ મજબૂત બને.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ:(૬)

.

હે, મા ! આ સંસાર માયા છે, આ સંબંધો બધા જૂઠ્ઠા છે, સાથે કંઈ આવવાનું નથી….આવું બધું બોલીને પણ અમે એને જ પકડી રાખીએ છીએ. કોઈને સલાહ આપનાર અમને જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે અમે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ. સ્વીકાર ભાવના અમારામાંથી લુપ્ત થઈ ગઈ છે. અમારી તમામ ઈન્દ્રિયો અને ચેતના મલિન બની ગઈ છે. અમારા જીવનમાં માયાનું પડ એવું સજ્જડ રીતે ચોંટી ગયું છે કે સત્યનો સાર અમને સમજાતો જ નથી. આ માયાની મમતા અમે મૂકી શકતાં નથી અને જ્યારે એ પરાણે મૂકાય છે ત્યારે આખું જીવન અસંતોષ અને ઉગ્રતાથી લોહીઝાણ થઈ જાય છે.

.

મા ! માયાના વમળમાં ફસાયેલાં અમને માયા જ સર્વસ્વ લાગતી હોઈ અમારા જીવનમાંથી જાણે કે “માઈ” સાવ વિસરાઈ જ ગઈ છે. માયાનાં પડ એવાં જામી ગયાં છે કે અમે અમારું અસલ સ્વરૂપ જ વિસરી ગયાં છીએ. મારું-તારું તો ઠીક પણ મારું એ મારું અને તારામાં પણ મારો ભાગ એવી વૃત્તિ પ્રબળ બને છે ત્યારે દોસ્તો દુશ્મનો બને છે અને સગાં વેરી બને છે. સ્વાર્થ અમારો સાથી બને છે અને ઈર્ષા અમારી અંગત મૂડી બને છે.

.

આ બધાં પરિણામોનું કારણ માયા છે અને એની અસર અમારા મન, વચન અને કર્મ ઉપર એવી રીતે પડે છે કે અમારી ચેતના સાવ અધમૂઈ થઈ જાય છે. પણ આ સમગ્ર માયા તેં જ મૂકેલી છે એટલું જ જો અમને સમજાઈ જાય – આ બધી તારી જ લીલા છે એવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી અમારામાં રહેલા “હું”ની શી હેસિયત છે કે એ ખોટો હુંકાર કરી શકે. પણ, આ શક્ય ત્યારે જ બને કે જ્યારે અમારી ચેતના શુદ્ધ બને. અમારા જીવનમાં આ શુદ્ધિકરણનો યજ્ઞ પ્રગટે તો બધી જ અશુદ્ધિઓ બળીને ભસ્મ થઈ જાય. હા, મા ! આ માટે અમારે પહેલાં તો એ સમજવાની જરુર છે કે આ માયા અને ચેતના પણ તારું જ સ્વરૂપ છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુમાયાના નામથી કહેવાય છે, તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી સમ્યક બુદ્ધિ આપ કે જેથી સુવર્ણ ઉપર જામેલી મેંશ દૂર થતાં શુદ્ધ સુવર્ણ દેખાય તેમ અમારાં મન-બુદ્ધિ અને ચેતના ઉપર જામેલાં માયાનાં પડળ દૂર થઈ જતાં અમારું જીવન પણ સુવર્ણની જેમ ચમકી ઊઠે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ:(૫)

.

હે, મા ! જન્મ પછી મૃત્યુ અને ફરી જન્મની ઘટમાળ ન જાણે ક્યાં સુધી ફર્યા કરશે અને જીવને એમાં ફેરવ્યા કરશે. મા, અમે મુક્તિની આશાએ જન્મ મેળવ્યો અને હવે આશા અને એષણાઓમાં એવાં અટવાયાં છીએ કે મુક્તિનો માર્ગ અમે વિસરી ગયાં છીએ ભટકી ગયાં છીએ.

.

હા, અમારું જીવન કુદરત સાથે કરાર કરી શક્યું નથી અને મન કૃત્રિમતા તરફ વધુ આકર્ષાય છે એ હકીકત છે.

.

જાણવા કે સમજવા લાયક અનેક વસ્તુઓ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. દરેક ઘટનાઓને અમે અમારા ત્રાજવે તોલવા મથીએ છીએ જેથી ઘણી વખત તારી કરામતો અમને દુ:ખદ પણ લાગે છે. આવું કરનાર તું કુદરત કેમ હોઈ શકે એની મુંઝવણમાં અને ખોટી ગણતરીમાં અનેકવાર ગુંગળાવાથી ઘેરાઈ જઈએ છીએ.

.

મા ! નગારાનો અવાજ સાંભળી ફૂલેકું જોવા નીકળેલા કોઈ નાદાન જેવી અમારી સ્થિતિ છે કેમ કે ડોલીમાં બેઠેલી નવોઢાના આંસુ હર્ષનાં છે કે દુ:ખના એ તરફ અમારું ધ્યાન પણ જતું નથી. કહોને અમે બેધ્યાન જ બની જઈએ છીએ.

.

કોઈના સારાં કાર્યોને જીરવી ન શકનાર અને ખરાબ કાર્યોનો વિરોધ કરવાની શક્તિ ગુમાવી બેસનાર અમે જ છીએ. એટલે જ અમારી સ્વાર્થ વૃત્તિ કહો કે અજ્ઞાનતા – સંકટ સમયે તારા સિવાય કોનું સ્મરણ કરવું ? નાક બંધ હોય કે દમનું દર્દ થયું હોય ત્યારે જ જેમ શ્વાસમાં જતી હવાનું મૂલ્ય સમજાય છે તેમ સારાં કે ખરાબ કાર્યોમાં તાટસ્થ્ય વૃત્તિ ન કેળવવાને લીધે ભોગવવાં પડતાં પરિણામો વખતે તારું સ્મરણ અમોઘ ઉપાય બની રહે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नम:

नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नम:

.

અત્યંત સૌમ્ય તથા અત્યંત રૌદ્રરૂપા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. જગતની આધારભૂતા કૃતિ દેવીને – ક્રિયાશક્તિને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા સૌમ્ય તથા રૌદ્ર સ્વરૂપને ઓળખી શકવાની અમને શક્તિ બક્ષજે કે જેથી સુખની વર્ષા વખતે છલકાઈ ન જઈએ અને દુ:ખના વાવાઝોડા વખતે હિંમત હારી ન જઈએ.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૪)

.

હે, મા ! જીવનમાં ઘટતી ઘટનાઓને સમજવાની અમારી અજ્ઞાનતા અમારા સુખ કે દુ:ખમાં સતત વધારો કર્યા કરે છે. દરેક ઘટના પાછળ ચોક્ક્સ કોઈ રહસ્ય હોય છે પણ અમે એને યથાર્થ રીતે સમજી શકતાં ન હોઈ સુખી કે દુ:ખી થઈએ છીએ.

.

કોઈનો જન્મ અમને આનંદ અર્પે છે તો કોઈનું મૃત્યુ અમને વિવશ બનાવી દે છે. આનંદ કે વિવશતા એ અમારા ચંચળ મનનો સ્વભાવ છે અને અમે એને વશ થઈને જીવતાં હોઈ આત્મીય અનુભવથી સદાય વંચિત રહીએ છીએ.

.

જે કંઈ થાય એ સારા માટે જ થાય છે એ મૂળ વાત અમે જેતે સમયે વિસરી જતાં હોઈ સુખ અને દુ:ખના ઝુલે અમે ઝૂલતાં રહીએ છીએ.

.

મા ! ઘટનાઓના મૂળમાં તારો કોઈ ચોક્ક્સ સંકેત હોય છે એ સમજવાની અમારી અજ્ઞાનતા કે અશક્તિ જ અમને અસ્થિર બનાવે છે. હા, તારો આ સંકેત કે સમજી શકે છે એ આવી પડેલી સ્થિતિને સહજતાપૂર્વક સ્વીકારીને દરેક સંજોગોમાં સ્થિર રહે છે. નરસિંહ કે મીરાં, તુકારામ કે કબીર-આ દરેકના જીવનમાં સંજોગો તો સર્જાયા જ હશે. પણ સર્જાયેલા એ સંજોગોને સમજવાની અને સ્વીકારવાની જે રીત છે એ આ મહાપુરુષોમાં અનોખી હોઈ જીવન વિશેનો એમનો સમગ્ર દ્રષ્ટિકોણ અલગ જણાય છે. જે કંઈ ઘટે છે એ પરમસત્તાની ઈચ્છાને આધીન હોય છે એ સત્ય તેઓ સમજી ચૂક્યાં હોઈ તેઓ દરેક પ્રસંગે વિતરાગ અને સ્થિતપ્રજ્ઞ રહી નિર્લેપ ભાવે જીવ્યા છે અને કર્મોનાં સારાં-માઠાં ફળોથી દૂર રહ્યાં છે.

.

મા ! આ પરમસત્તા કોણ છે એ અમને સમજાય તો અમારાં જ્ઞાનચક્ષુ ખૂલે અને તો જ અમે સુખ કે દુ:ખથી પર થઈ શકીએ.

.

પણ, મા ! અમને કોણ સમજાવે કે જગતની સર્વોચ્ચ સત્તા તું જ છે અને આ સમગ્ર જગત તારી જ માયા અને લીલાના પરિણામ સ્વરૂપ છે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै

ख्यात्वै तथैव कृष्णायै धूम्रायै सततं नम:

.

દુર્ગા, દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનાર, સર્વની સારભૂતા, સર્વકારિણી, જે વિખ્યાત છે અથવા તો યથાર્થ જ્ઞાનરૂપા છે, કૃષ્ણા-શ્યામવર્ણની અને ધ્રુમાદેવીને સર્વદા નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમારાં જ્ઞાનચક્ષુ ખોલજે કે જેથી અમારા જીવનમાં ઘટતી કોઈ પણ પ્રકારની ઘટનાઓ અમને વિચલીત ન કરે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

(.

નમસ્તસ્યૈ નમો નમ: (૩)

3

.

હે, મા! અમારી આંખો અને કાન ખૂલ્લાં છે છતાંય અમને દેખાતું કે સંભળાતું કેમ નથી ? અમે જોવાનો અને સાંભળવાનો ડોળ તો જરૂરથી કરીએ છીએ પણ જે ખરેખર જોવાનું અને સાંભળવાનું છે એ તો અમે જોતાં કે સાંભળતાં જ નથી.

.

સવારે ઉઠીએ ત્યારે ઉષાને નિહાળવાનું તો ચૂકી જ જવાય છે. સૂર્યોદય એ રોજની ઘટના હોઈ અમારી આંખો રોમાંચથી છલકાઈ નથી જતી. સૂર્યાસ્ત સમયે અમે એવાં અટવાયેલાં હોઈએ છીએ કે અમારે મન આથમતા એ સૂરજની કોઈ કિંમત જ નથી. મા ! કલકલ વહેતા ઝરણાને, સાગરની લહેરોને, ખીલતાં પુષોને, ડોલતાં વૃક્ષોને, પાંગરતી લતાઓને, કલરવ કરતાં પક્ષીઓને, પ્રકાશ અને હવાને અને તારા તેમજ ચંદ્રને અમે ક્યાં જોઈએ કે સાંભળીએ છીએ ?

.

મા ! અમને ભૂખ યાદ આવે છે પણ પાચનની પ્રક્રિયાને ભૂલી જઈએ છીએ. નોકરી અને ધંધાની હાયવોયમાં તારી હાજરીને વિસરી જઈએ છીએ. રૂપિયા કમાવવાની લાલચમાં લક્ષ્મીનું સાચું સ્વરૂપ પણ અમને યાદ રહેતું નથી.

.

અમારી દિનચર્યા પણ અમને વિસ્મય પમાડે તેવી છે. સવારથી મોડી રાત સુધી દોડધામ કરીને થાકી જઈએ ત્યારે પથારીમાં ઢગલો થઈ જઈએ અને સવારે ઉઠીએ ત્યારે આળસ મરડવાની સાથે અહંકારને લઈને પથારી છોડતાં અમે કોણે સૂવાડ્યા અને કોણે જગાડ્યાં એનો વિચાર કરતાં નથી.

.

સ્વભાવવશ અમે અમારા સંબંધોને કેવા સ્વાર્થી બનાવી દીધા છે ! અમે દરેક સંબંધોને કોઈને કોઈ નામ તો જરૂર આપીએ છીએ પણ એમાંના ભાવને ભૂલી જઈએ છીએ.

.

મા ! તારી પાસે આ છે અમારી ઓળખાણ ! બજારમાંથી નાળિયેર ખરીદીને સીધું ખાવામાં અને એ જ નાળિયેર તારા ચરણોમાં ધરાવી પ્રસાદરૂપે આરોગવામાં આખી મીઠાશ બદલાઈ જાય છે તેમ અમે સાંભળ્યું છે કે શરીરની વિવિધ ઈન્દ્રિયો દ્વારા થતાં કાર્યો જો તારે કાજ કરવામાં આવે તો એ કાર્યોનું પરિણામ પણ બદલાઈ શકે છે. જીવન આખું સુવાસિત બની જાય છે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नम:

नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नम:

.

શરણાગતોનું કલ્યાણ કરનારી સિદ્ધિરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. રાક્ષસોની લક્ષ્મી નૈઋતી, રાજાઓની લક્ષ્મી તથા શિવપત્ની શર્વાણી સ્વરૂપા જગદંબા તને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમારી સર્વે ઈન્દ્રિયોની શક્તિ તારે કાજ વહે એવી અમને બુદ્ધિ બક્ષજે કે જેથી કુબુદ્ધિ, કુમતિ અને કુકાર્યોથી દૂર રહેવાની અમારી સમજણ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૧)

આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ લેખોને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપવા બદલ હું “મન્નીમા”નો આભાર માનું છું.

(૧)

.

હે, મા ! જાણવાના ભ્રમમાં જીવતાં અમે કંઈ જ જાણતાં નથી. સ્વાર્થ અને મોહમાં સપડાયેલાં અમે અનેકવાર ન કરવાનું કરી બેસીએ છીએ. અનેકવાર તારો અપરાધ થઈ જાય છે. છતાં પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે તારા સિવાય અન્ય કોઈનું શરણ સાંભરતું નથી.

.

સંસારી સંબંધીઓના સહયોગના મૂળમાં રહેલા સ્વાર્થે અમે ખૂબ નિરાશ થયાં છીએ. એમના પ્રેમને પીછાણી લીધો છે. એમના હેતને ઓળખી લીધું છે. કોઈનામાં વિશ્વાસ બેસતો નથી. સંસારના સંબંધો તરફની અમારી દોટ આંધળી છે તેથી સમગ્ર વિશ્વમાં ભટકીને આખરે તારી પાસે જ ક્ષમાની ઝોળી ફેલાવતાં ઊભા છીએ.

.

તું અમારી ભૂલોને ક્ષમા કર. અમને સદ્દબુદ્ધિ આપ અને સન્માર્ગે ચાલવાની શક્તિ આપ. તારી ભક્તિના રંગમાં રંગાવાની અમારી તીવ્ર ઈચ્છા છે. જીવનની ક્ષણેક્ષણ તારા નામ અને કામમાં વ્યતિત થાય એવી અમને તારા તરફથી પ્રેરણા મળી રહે તો જ અમારું જીવવું સાર્થક બને અન્યથા કૂવામાંના દેડકાંની જેમ ફૂલાઈને ફરનાર અમે માત્ર ભ્રમમાં જ જીવ્યા કરીશું.

.

અમે બોલીને તને શું કહીએ ? છતાં લાગણીવશ કેટલુંક બોલવા જેવું અને ન બોલવા જેવું પણ બોલાઈ જાય છે. એને તારી સ્તુતિ સમજીને સ્વીકારજે. ક્ષણેક્ષણ તું રક્ષા કરજે. દુ:ખ અને સુખની વ્યાખ્યા તું મને સમજાવજે.

.

કદાચ અમારા વર્તનથી કોઈને દુ:ખ થતું હોય તો અમને એટલી શક્તિ આપ કે ક્યારેય અમે કોઈનું દિલ ન દુભાવીએ. અમારા હ્રદયનું એવું પરિવર્તન કર કે જેમાં તારો નિવાસ થાય અને અમને ક્ષણેક્ષણના વર્તનમાં સતત જાગૃતિ રહ્યા કરે. તું જ અમને આ બધું શીખવ અને સમજ તેમજ શક્તિ પૂરાં પાડ.

.

કોઈ વાતની તું કસોટી કરે તો એમાંથી પાર ઊતરવાની પણ શક્તિ આપજે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:

नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम

.

દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે. જગત જનની જગતકારણ એટલે કે પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ ભદ્રાને નમસ્કાર છે. અમે તે જગદંબાને નિયમપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

.

મા ! અમારા હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા ચરણોમાં સ્થાન આપજે કે જેથી અહંકારથી અમે ફૂલાઈ ન જઈએ અને અજ્ઞાનથી, ભૂલથી અને બુદ્ધિ ભ્રાન્ત થવાના લીધે તારી ભક્તિમાં ઓટ ન આવે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

( મન્નીમા )

(