Tag Archives: પ્રસંગકથા

કોઈ ચાર્જ નહીં – સં. સંજીવ શાહ

.

અમારો નાનકડો દીકરો તેની મમ્મી પાસે આવ્યો અને મમ્મીના હાથમાં એક કાગળ પકડાવ્યું. મમ્મીએ હાથ લૂછી કાગળ વાંચવા લીધો. કાગળમાં આમ લખ્યું હતું.

 .

મારો કમરો સાફ કરવા માટે  –  રૂ. ૦૫=૦૦

નાની બહેનની કાળજી રાખવા માટે  –  રૂ. ૧૦=૦૦

ખરીદી માટે સાથે જવા  –  રૂ. ૦૨=૦૦

કચરો ફેંકવા બહાર જવા  –   રૂ. ૦૦=૫૦

સારા ગુણ મેળવવા મહેનત કરી  –  રૂ. ૧૦=૦૦

શાક સમારવાની મહેનત  –  રૂ. ૦૦=૨૫

કુલ ચાર્જ  –  રૂ. ૨૭=૭૫

 .

મમ્મીએ દીકરા સામે મીઠ્ઠી નજરે જોયું. પછી તેણે કાગળ ઊંધો કરી પેનથી તેના પર લખ્યું.

 .

નવ મહિના મેં તને મારા પેટમાં ઉછેર્યો  –  કોઈ ચાર્જ નહીં.

તારી સાથે બેઠી, તારી કાળજી રાખી, માવજત કરી  –  કોઈ ચાર્જ નહીં.

આટલાં વર્ષો દરમ્યાન તારી પાછળ જે પણ આંસુ વહાવ્યાં  –  કોઈ ચાર્જ નહીં.

રાતોની રાતો તારી પાછળ ઉજાગરા કર્યા  –  કોઈ ચાર્જ નહીં.

તને ખોરાક, કપડાં, રમકડાં આપ્યાં  –  કોઈ ચાર્જ નહીં.

અને આવા બધાનો કુલ સરવાળો  –  ખૂબ જ પ્રેમ, કોઈ ચાર્જ નહીં.

 .

દીકરાએ મમ્મીનું આ લખાણ વાંચવું પૂરું કર્યું, અને તેની આંખમાં મોટાં આંસુ આવી ગયા. મમ્મી સામે જોઈને એણે કહ્યું, “મમ્મી,તું ખરેખર કેટલી સરસ છે !” અને પછી પોતાનો કાગળ હાથમાં લઈ મોટા અક્ષરથી એણે લખ્યું – “બધુંજ ચૂકવાઈ ગયું છે – પૂરેપૂરું અને આગોતરું જ !”

 .

( સંકલન : સંજીવ શાહ )