Tag Archives: Friendship Day

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

Happy Friendship Day

એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

.

મૈત્રી એ મનુષ્યની મોટામાં મોટી મિરાત છે. પૃથ્વી પર જન્મેલો કોઈ પણ માણસ આખાય આયુષ્યમાં જો મિત્ર વિનાનો રહે તો હું એને એની વ્યક્તિ તરીકેની મોટામાં મોટી નિષ્ફળતા કહું. મૈત્રીનું પંચાંગ નથી હોતું. મૈત્રી સહજપણે થાય છે. કોઈ પણ પ્રકારના સંબંધમાં સહજતા એ મોટામાં મોટી વસ્તુ છે. આ સહજતાની સાથે સાથે નિખાલસતા પણ હોવી જોઈએ. બે માણસ મળે અને ખુલ્લે દિલે વાત ન કરી શકે અથવા વાત કરતાં એવો ભય હોય કે ‘આમ બોલીશ તો શું લાગશે?’ તો એ સંબંધ કાચનો કહેવાય, સાચનો ન કહેવાય. મૈત્રીએ પણ અનેક અવસ્થામાંથી પસાર થવાનું હોય છે. કોઈ પણ સંબંધની કસોટી કાળ છે. સંબંધ શબ્દ બોલીએ એટલે જ એમાં જાણે અજાણે બંને પક્ષે નાની મોટી અપેક્ષાઓ હોય છે. આના કોઈ કોલ-કરાર નથી હોતા. પણ છૂપા, સૂક્ષ્મ આગ્રહો હોય છે. શબ્દો વિના એકમેકના મનોભાવને પામી જવા એ કદાચ મૈત્રીની પરાકાષ્ઠા છે. વફાદારીનો પણ એક ઋગવેદ હોય છે. આ ઋગવેદ હૃદયની લિપિમાં લખાયેલો હોય છે. હ્રદયની લિપિ ઉકેલી શકે તે મિત્ર. પતિ-પત્નીના સંબંધમાં પણ બે વ્યક્તિ એકમેકના માલિક ન થાય પણ મિત્ર થાય તો તે આદર્શ સંબંધ કહેવાય.

.

મૈત્રી એટલે સંવાદ. સંવાદ એટલે ડાયલોગ પણ ખરો ને હાર્મની પણ ખરી. મૈત્રીને કારણે માણસની એકલતાનું એકાંતમાં રૂપાંતર થાય છે. Loneliness અને Solitude વચ્ચે ભેદ છે. સાચા મિત્રો એકમેકના એકાંતની ઈજ્જત કરતા હોય છે.

.

શાળામાં ભણતા હોઈએ ત્યારે નસીબદારને મિત્રો મળે છે. એવા મિત્રો કે બંનેના અભ્યાસો જુદી વાટે ફંટાયા હોય, બંનેના વ્યવસાયો પણ જુદા જુદા હોય અને છતાંય એ મૈત્રીનાં મૂળિયાં કદીય ઊખડતાં નથી. નવા નવા મિત્રો થતા જાય છે પણ જૂના મિત્રો ડાળ પરનાં પાંદડાંની જેમ ખરતા નથી. એક કવિએ કહ્યું’તું કે મોટેભાગે ઓફિસ ફ્રેન્ડશીપ ૧૧ થી ૫ ની હોય છે અને છતાંય ઓફિસમાં પણ એવી મૈત્રી બંધાતી હોય છે કે ૧૧ થી ૫ ને ઓળંગીને ક્યાંક શાશ્વતી મુદ્રા પામે છે. આપણે ત્યાં મૈત્રીના ક્યારેક સંકુચિત અર્થ હોય છે. બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચે જ મૈત્રી હોય એવો સંકુચિત અર્થ કરવાની જરૂર નથી. એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પણ શરીરને ઓળંગીને નર્યો અને નકરો મૈત્રીસંબંધ હોઈ શકે એવું કોઈ વિચારી શકતા નથી અને આવા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નસંતોષીઓ, હવનમાં હાડકાં નાખનારાઓ શરીરની બારાખડી ગોઠવી દે છે. અને માની લો કે ક્યાંક શરીરની બારખડી ગોઠવાઈ પણ હોય તો એ બંનેની સંમતિનું પરિણામ છે. એના પર ચોકીપહેરો ભરવાનો, ટીકાટિપ્પણ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. હું તો કોઈ પણ બે વ્યક્તિઓના સંબંધના સૌંદર્યને કમળ જેમ ઊઘડતું જોઉં છું ત્યારે જલકમલવત થઈ એ સૌંદર્ય માણવાનું વધુ પસંદ કરું છું. મૈત્રીની મોટામાં મોટી કરૂણતા એ છે કે બે વ્યક્તિઓ પ્રેમને નામે એકમેક પર ચોકીપહેરો ભરે. જેવી સંબંધમાં માલિકીની ભાવના પ્રવેશી એટલે વ્યક્તિ વસ્તુ થઈ ગઈ.

.

મને તો ઘણીવાર આખું જગત મૈત્રીમય લાગે છે. પ્રકૃતિમાં પણ ઘણીવાર મૈત્રીના જ દર્શન થાય છે. ફૂલ અને ઝાકળની મૈત્રી, ફૂલ અને પતંગિયાની મૈત્રી, જળ અને સૂર્યકિરણની મૈત્રી, સામસામી શરણાઈઓ વાગતી હોય એવી પંખીઓની મૈત્રી…..આખું આયુષ્ય જાણે આંબાવાડિયું ન હોય !

.

મૈત્રીની વાતો જેટલી ચાલે છે એટલી મૈત્રી વાસ્તવિકતામાં હોય છે ? મૈત્રીમાં હાથતાળી અને સંતાકૂકડી ન હોવી જોઈએ. મૈત્રીમાં સાપસીડીની રમત ન રમાય. કોઈકની ઉન્નતિ જોઈને આનંદ થવો જોઈએ અને મુશ્કેલી જોઈને દુ:ખ. વિશ્વજન તો થવાય ત્યારે થવાય. પણ મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી પૂરતા વૈષ્ણવજન રહી શકીએ તોય ઘણું. કેટલીક મૈત્રી દેવદારના વૃક્ષો જેવી હોય છે. દેવદારના વૃક્ષો અમુક ઊંચાઈ પર જ ઊગતાં હોય છે. એવો મિત્ર હોવો જોઈએ કે જે આપણા એકાંતને અદ્રશ્ય ઈશ્વરની જેમ સમૃદ્ધ કરતો રહે.

.

મૈત્રી વિશે આટલી વાત કર્યા પછી પણ વૈયક્તિક કે સામૂહિક અનુભવોને કારણે હોય કે અન્ય કોઈ કારણે હોય છેવટે તો એટલું જ કહેવાનું રહે છે કે માણસે પોતે જ પોતાના મિત્ર થવું જોઈએ. એ મૈત્રી પરમ આત્મા સાથેની એટલે કે પરમાત્મા સાથેની.

.

સુરેશ દલાલ