આવ્યો અગમનિગમથી સાદ..

આવ્યો અગમનિગમથી સાદ કે ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

કરો સાબદા ઊંટો, અશ્વ પલાણો

ભવરણ  કરવું  પાર  કે  ચાલો વાર ન કરશો.

ઊપડો  અંતરિયાળ  કે  ચાલો વાર ન કરશો.

છોડી નાંખો લંગર શઢ સંકોરો

સંકેલી  લો  જાળ કે  ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

તોડી તાણાવાણા ગાંઠ ઉકેલો

છોડો  સહુ  જંજાળ કે ચાલો વાર ન કરશો

ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો.

( કૈલાસ અંતાણી )

કૈલાસબેન અંજારની નગર પ્રાથમિક શાળા નં. ૧ માં શિક્ષિકા હતા. સંગીત, વાચન, પ્રવાસ, ઈતર કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ તેમને ઘણો શોખ હતો. આકાશવાણી ભુજના માન્ય કવિ હતા. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ કચ્છમાં ભૂકંપ થયો ત્યારે એમની શાળાના બાળકો સાથે રેલીમાં ભાગ લેવા ગયા હતા. શાળા અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં બજાવતાં તેઓ પ્રલયકારી ભૂકંપનો ભોગ બન્યા હતા.

એમની સાથે મારો સંપર્ક બહુ ઓછો સમય માટે થયો હતો. પણ એ સમયગાળા દરમ્યાન મને એમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. એમના અવસાન પછી એમના સ્વજનોએ પ્રકાશિત કરેલ કાવ્યસંગ્રહ શગ દીવાની કમ્પેમાંથી આ કાવ્ય મારા બ્લોગ પર પોસ્ટ કરીને હું તેમને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પું છું.

2 thoughts on “આવ્યો અગમનિગમથી સાદ..

 1. સરસ રચના.

  ભૌતીક અને આધીભૌતીક સફરની હાકલ કરતી રચના છે. રણ અને ભવરણ; સાગર અને ભવસાગરને
  વટાવી જવાની તૈયારી કરાવતું કાવ્ય… સરળ, સાદી ભાષામાં સચોટ રજુઆત…!

  કૈલાસબહેનને ભાવક તરીકે અમારી પણ અંજલી !
  ધન્યવાદ અને આભાર સાથે,
  –જુ.

 2. i m in 2nd 3rd n4th class studies in sada no.1 timbi kotha anjar….

  she is not just a teacher……

  she is much more den a teacher….

  we all student mising u mem………

  thank u to heena parekh olso….

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.