સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી
તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી
કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે
જિંદગી છે દીવાનેખાસ જેવું કંઈ નથી
જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગયા
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી
હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેંજોડેરો
હું નદીનું વ્હેણ છું ઈતિહાસ જેવું કંઈ નથી
જે સજા ગણતો રહ્યો તું તે જ મુક્તિ થઈ જશે
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી
( મધુમતી મહેતા )
wah wah kharekhar kavita wanchi ne bhuj khush thai gayo. tamari daday amar rahe.
Commentsby::
Chandra.
હીનાબેન,
સુંદર પસંદગી.
જે સજા ગણતો રહ્યો તું તે જ મુક્તિ થઈ જશે
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી
ઉમદા ચિંતન. માણવાની તો બસ આ પળ જ છે – એટલું સમજાય જાય એટલે થયું. સુંદર શબ્દો અને ભાવ.