આંખ મીંચીને કરો છો ચાહના, ક્યા બાત હૈ!
જે નથી એની કરો છો કલ્પના, ક્યા બાત હૈ!
આપના ભગવાન પર જેને જરા શ્રદ્ધા નથી,
તેમને માટે કરો છો પ્રાર્થના? ક્યા બાત હૈ!
આપનામાં ફેર જેવું કંઈ પડે છે કે નહીં
જાણવા એ રોજ બદલો આયના; ક્યા બાત હૈ!
દૂર સુધી પહોંચવાનું જેમણે નક્કી કર્યું
તે પલાંઠી વાળી બેઠા ક્યારના! ક્યા બાત હૈ!
આવવાનો એક પણ સંકેત ના દીધો છતાં–
ના નકારી પણ શક્યા સંભાવના, ક્યા બાત હૈ!
એ મગરનાં, માછલીનાં, માનવીનાં, સંતનાં
અશ્રુ પણ કંઈ કેટલીયે જાતનાં! ક્યા બાત હૈ!
હું હવે ઊખડી ગયો છું: એમ એ કહેતા ફરે
એ રીતે પણ થઈ રહી છે સ્થાપના, ક્યા બાત હૈ!
એ જ જૂની છે રદીફો એ જ જૂના કાફિયા
પણ ગઝલમાં નિતનવી સંવેદના; ક્યા બાત હૈ!
( રિષભ મહેતા )
ક્યા બાત હૈ?
it good poem. send this type regular to member
hemant doshi at mumbai