માણસો મરજી પ્રમાણે અર્થ કરતા થઈ જશે,
શક્ય છે ઈશ્વર વિષેના એ ખુલાસા થઈ જશે.
વહેમ થોડો, પ્રેમ જેવું કંઈ અપેક્ષા થઈ જશે,
બહાર તો નીકળો ઘણા એનાય રસ્તા થઈ જશે.
આપણે ભૂલી જવાની વાત કહી છૂટા પડ્યા,
આપણે છૂટા પડ્યાની વાત ભ્રમણા થઈ જશે.
બંધ હોઠો ક્યાં સુધી કહેશે નહીં દિલની વ્યથા,
જાગવાથી આંખને ફરતે કુંડાળા થઈ જશે.
છું હશુંની વાત જેવી વાત કહેવી ઠીક છે,
હા, હતાનો ખ્યાલ પણ લોકો વિસરતા થઈ જશે.
( કૈલાસ પંડિત )